Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અડધા અબજના કૌંભાંડમાં છેતરાયેલાઓનો સતત વધી રહેલો આંકઃ નડિયાદના એજન્ટની પણ ધરપકડ

સમય ટ્રેડિંગ, આશિષ ક્રેડિટ અને સાંઇ સમય ટ્રેડિંગના સંચાલકોની પુછતાછનો દોર યથાવત : બાર કરોડનું રોકાણ કરાવડાવ્યું'તું: રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જામનગર, ભાવનગરના લોકોએ પણ કરોડો રોકયા હતાં :ભોગ બનનારા યુનિવર્સિટી પોલીસનો પુરાવા સાથે સંપર્ક કરેઃ અત્યાર સુધીમાં ૧૭૦ ભોગ બનનારા પોલીસને મળ્યા

રાજકોટ તા.પ : આશિષ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, સમય ટ્રેડીંગ અને સાંઇ સમય ટ્રેડીંગના ત્રણ જુદા જુદા નામ હજારો થાપણદારો પાસેથી કરોડો રૂપિયાની થાપણો મેળવી તમામ રકમની ઉચાપત કરનાર આરોપીઓ પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, હિતેષ મનસુખભાઇ લુકકા અને દિવ્યેશ અશોકભાઇ કાલોડીયા સામે ઉચાપત, છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૯ દિવસના રિમાન્ડ મળતા તપાસ આગળ ધપાવાઇ છે. પોલીસ કમિશનરશ્રીએ આ કેસની તપાસમાં સિટની રચના પણ કરી છે. દરમિયાન સમય ટ્રેડિંગની નડિયાદ ખાતે પણ ઓફિીસ ખોલવામાં આવી હોઇ ત્યાંના એજન્ટે જુદા જુદા રોકાણકારો પાસે ૧૨ કરોડનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો ખુલતાં નડિયાદના એજન્ટ ચંદ્રકાંત રણછોડભાઇ પટેલ (ઉ.૫૦-રહે. ૭ ઘનશ્યામ વાટીકા, કુમાર પેલેસ પાસે મનજીપુરા રોડ નડિયાદ, મુળ ગામ લતીપર તા. ધ્રોલ)ની ધરપકડ કરવામાં આવી છે.

પ્રદિપ, હિતેષ અને દિવ્યેશે પેઢી અને સોસાયટીના ભાગીદાર, ચેરમેન તથા વાઇસ ચેરમેનના હોદાઓ ધારણ કરી હજારો થાપણદારો પાસેથી કરોડ રૂપિયાની થાપણો મેળવેલ હતી જે ૧૦% ના માસિક વ્યાજ પરત આપવાની લાલચામણી જાહેરાતોથી મેળવવામાં આવેલ હતી. આ લલચામણી જાહેરાતોથી ભોળવાઇને હજારો લોકોએ પોતાની જીવન-મરણ સમાન મુડી આરોપીઓને શાપણમાં આપેલ હતી તેમજ ઘણા લોકોએ પોતાના પી.એફ.ફંડમાંથી ઉપાડીને આરોપીઓને આપેલ હતી.

આ ઉપરાંત પોલીસ તપાસ દરમ્યાન તેમ પણ જણાયેલ હતું કે અમુક લોકોએ પોતાના મકાનો ગીરવે મુકી બેંકમાંથી લોનો મેળવી અને આરોપીઓને ઉચા વ્યાજની લાલચે થાપણો આપેલ હતી. આ થાપણદારોમાંથી કોઇપણ વ્યકિતને કોઇ રકમ કે વ્યાજ પરત ન મળતા આરોપીઓની ઓફીસે ધકકા ખાવાનું શરૂ કરેલ અને એક સમયે વધુ માણસોની ભીડ થવા માંડતા આરોપીઓ પોતાની આ ભાડાવાળી ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હતા.કોઇ અન્ય ઉપાય ન બચતા એક થાપણદારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ પોણા પાંચ કરોડની ઉચાપતની ફરિયાદ કરી હતી. તપાસ શરૂ થતાં આ કૌંભાંડનો આંકડો અધધધ ૫૦ કરોડ સુધી પહોંચ્યો હતો.

દરમિયાન નડિયાદના એજન્ટ ચંદ્રકાંત પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. તેણે અલગ અલગ રોકાણકારો પાસે બાર કરોડનું રોકાણ કરાવડાવી મોટુ કમિશન ખાધુ હતું. રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જામનગર, ભાવનગરના લોકો પણ ભોગ બન્યા છે. યુનિવર્સિટી પોલીસ પાસે અત્યાર સુધીમાં ૧૭૦ છેતરાયેલા લોકો આવ્યા છે. જે કોઇ પણ છેતરાયા હોય તેમણે પુરાવા સાથે યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા તથા હેડકોન્સ. રાજેશભાઇ એન. મિયાત્રા, બલભદ્રસિંહ ડી.ચુડાસમા, ગીરીરાજસિંહ એસ.જાડેજા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા, મહેન્દ્રસિંહ કે.ડોડીયા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મેહુલસિંહ ચૂડાસમા, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રર્સિહ જાડેજા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

(3:25 pm IST)