Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સત્ય, રાષ્ટ્રપ્રેમ, સંઘર્ષ અને સંનિષ્ઠતાનો સમન્વય એટલે ભાજપ

ભાજપના ૪રમા સ્થાપના દિને આગેવાનો-કાર્યકરોએ પોતાના ઘરે ધ્વજ લહેરાવ્યો : ભાજપ કળીમાંથી ફૂલ અને ફૂલમાંથી આખું ઉપવન બની ગયોઃ મીરાણી-ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ તા. ૬: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપ છેલ્લા ૪ર વર્ષોમાં કળીમાંથી ફુલ અને ફુલમાંથી આખું ઉપવન બની ગયો છે. ભાજપની શાખાઓ પણ હવે ચોમેર વિસ્તરી છે.

શહેર ભાજપ આયોજીત ઉજવણી કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપ અગ્રણીઓ સર્વશ્રી કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ ભારદ્વાજ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ઉદયભાઇ કાનગડ, સ્વ. ચીમનભાઇ શુકલનાં ધર્મપત્નિ મધુબેન શુકલ, દર્શિતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ, વિનુભાઇ ધવા સહિતનાં અગ્રણીઓનાં ઘરે ભાજપનો ભગવો લહેરાયો હતો.

ભાજપના દરેક નેતા તેના કાર્યકર છે અને કાર્યકર પણ અહીં નેતા છે. ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના રકતથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપાના સ્વરૂપમાં વટવૃક્ષ બની સમગ્ર દેશમાં ફેલાયેલું છે. ત્યારે ભાજપ દ્વારા ર૦૧પમાં કરવામાં આવેલ 'સદસ્યતા વૃધ્ધિ અભિયાન'ને અભૂતપૂર્વ સફળતા મળી તથા સદસ્યોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની સમગ્ર રાષ્ટ્રમાં ૧૧ કરોડ કરતા વધારે તથા ગુજરાતમાં ૧.૧પ કરોડ કરતા પણ વધારે સદસ્યો નોંધી ભાજપાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ નવા આયામો દ્વારા એક નવું જ હકારાત્મક વાતાવરણ ઉભું કર્યું છે. ત્યારે દેશમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા શ્રી અમિતભાઇ શાહ, શ્રી જે. પી. નડ્ડા અને ગુજરાતમાં શ્રી વિજયભાઇ રૂપાણી તથા શ્રી સી. આર. પાટીલજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી મજબુત બની રહી છે. જે ખુબ નોંધનીય બાબત છે. તેમ જણાવી કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભારતીય જનતા પાર્ટીના ૪રમાં સ્થાપના દિવસે સૌ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

(3:59 pm IST)