Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

UPSC પરીક્ષાની તૈયારી માટે ધો. ૫ થી ૯ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચીંગ પ્રોજેકટ

રાજકોટ, તા. ૬ :. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરે અને દેશની સર્વોચ્ચ સેવા આઈએએસ-આઈપીએસમાં જોડાઈ શકે એ માટે ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ સિસ્ટમ (ગ્લોબલ ઈન્ડીયન સ્કૂલ) અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈજેશન (જેઆઈઓ) દ્વારા ધો. ૫ થી ૯ ના બાળકો માટે GSES JIO JUNIOR UPSC પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.

પૂજ્ય શ્રી નયનપદ્મ સાગર મહારાજ અને પરમ પૂજ્ય શ્રી મયના મહાસતીજીના આશિર્વાદ અને પ્રેરણાથી શરૂ કરાયેલ. આ પ્રોજેકટ અંતર્ગત જૂન ૨૦૨૧થી ધો. ૫ થી ૯ ના કોઈપણ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ૪૦૦ બાળકોની પસંદગી કરવામાં આવશે. જેઓને નિઃશુલ્ક એક પણ રૂપિયાના ખર્ચ વગર જૂન ૨૦૨૧થી અઠવાડિયામાં ૩ દિવસ (શુક્રવાર, શનિવાર અને રવિવાર)ના રોજ ૨ કલાકનું કોચિંગ આપવામાં આવશે. દિલ્હીના વાજીરાવ અને ચાણકય ઈન્સ્ટીટયુટ સાથે સંકડાયેલા ટીચર્સ બાળકોને કોચિંગ આપવા ખાસ દિલ્હીથી પધારશે.

આ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૯ના સવારે ૧૦ થી ૧૨.૩૦ ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ સિસ્ટમ (ગ્લોબલ ઈન્ડીયન સ્કૂલ), શિવધારા રેસિડેન્સી, ડી-માર્ટ નજીક, શ્રી બંગલો પાછળ, કુવાડવા રોડ રાજકોટ ખાતે લેવાશે.

રજીસ્ટ્રેશન માટે ઉપર મુજબ સ્કૂલના એડ્રેસ પર રૂબરૂ સવારે ૧૦ થી ૨.૩૦ દરમિયાન સંપર્ક કરવા અથવા www.gsesrajkot.org  ઉપર જઈ રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન તથા સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી તથા 'જીઆઈઓ'ના કો-ઓર્ડીનેટર સંજયભાઈ સંખલીયાના સંયુકત પ્રયાસથી આ પ્રોજેકટ અમલમાં આવનાર છે.

પ્રોજેકટને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સીપાલ રિયા અગ્રવાલ, વાઈસ પ્રિન્સીપાલ વિભૂતિ ત્રિવેદી, એડમિનિસ્ટ્રેટિવ હેડ અદિતભાઈ ઘેડીયા તથા બ્રિજેશભાઈ કોરડીયા, શુભમભાઈ રાઠોડ, ચિરાગભાઈ પૂજારા અને વિનયભાઈ જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 pm IST)