Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ ગુરૂકુળ દ્વારા કોરોના સામે રક્ષણ આપતી આયુર્વેદિક ઔષધીઓનું વિતરણ

જસદણ, જામનગર, જૂનાગઢ, ભાયાવદર વગેરે શાખાઓ દ્વારા સેવાયજ્ઞ : પ્રભુ સ્વામી

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા વિવિધ શાખાઓના ઉપક્રમે આયુર્વેદિક ઔષધીઓની ૩૦૦ કીટ તૈયાર કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૬ : ગામડાઓમાં કોરોના મહામારીનુ તાંડવ દિવસે દિવસે વધતુ જાય છે. તેમને અટકાવવા માટે આયુર્વેદિક ઔષધિઓ લોકોને  આપી  કોરોના થી બચાવવા અત્યારે જરૂરી છે.

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુળ શ્રીજી સંજીવની ઔષધિ વિભાગમાં નિર્મિત આયુર્વેદિક ઔષધિઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે .

નિષ્ણાંત આયુર્વેદિક ડોકટર વૈદ્યોના માર્ગદર્શન અનુસાર શાસ્ત્રી સ્વામી શ્રી હરિ પ્રિયદાસજી સ્વામીની દેખરેખ નીચે તૈયાર થતી ઔષધિઓનુ સંતો તથા ગુરૂકુળના વિદ્યાર્થીઓ , ધનજીભાઈ વસોયા, દિનેશભાઈ બોઘરા ,વિજય ભાઈ વસોયા વગેરે યુવાનો તથા મહિલાઓએ કોરોનાની ગાઈડ લાઈન મુજબ લેબર લગાવવા વગેરે પેકિંગ વ્યવસ્થા હાથ ધરેલી.

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર  પ્રારંભમાં  ૩૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી છે . સંતો, યુવાનો અને મહિલાઓ દ્વારા પેકિંગ કરવામાં આવેલી આ કીટમાં કોરોગન ઉકાળો, તૃપ્તિ સિરપ, કફ સિરપ, મીથીલિન બ્લૂ, નાસ લેવાનું બોકસ, મનમાં સદવિચાર પ્રગટાવતું પુસ્તક . ઔષધિઓની આ કિટ ૬૫૦ ઉપરાંત રૂપિયામાં તૈયાર થાય છે . જે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ઉના, જામનગર, મોરબી, ભાયાવદર ઉપલેટા , જસદણ વગેરે વિસ્તારોમાં ગામડાઓના લોકોને મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તદ્દન ફ્રીમાં ગુરૂકુળ દ્વારા આપવામાં આવી રહેલ છે.

શ્રી ધર્મજીવન સ્વામિનારાયણ ગુરૂકુળ હોસ્પિટલમાં માત્ર ૧૫૦૦ રૂપિયામાં જ સીટી સ્કેન કરી આપવાની સેવા પણ અવિરતપણે ચાલુ છે.

વધુમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની જન્મભૂમિ અમરેલી જિલ્લાના તરવડા ગામે પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર કોરોના સારવાર સેવા રથ દ્વારા ગામડાઓમાં પણ વધતા જતા કોરોનાના પ્રમાણને અટકાવવા ગામડે ગામડે જરૂરિયાતવાળાને આયુર્વેદિક ઔષધિઓ પહોંચાડવાનું સેવા કાર્ય હાથ ધરાયુ છે.  સેવારથમાં ડોકટર હાર્દિકભાઈ કાથરોટીયા તથા  શિક્ષક પિયુષભાઈ સાવલીયા વગેરે યુવાનો સેવા બજાવી રહ્યા છે

અમરેલી જિલ્લાના ગામડાઓમાં સારી એલો પથિક દવાઓ તથા આયુર્વેદિક ઔષધિઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. ઘેર બેઠા મળતી આ ઔષધીઓનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઇ રહ્યા છે.

(11:44 am IST)