Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શુધ્ધ ઓકિસજન પુરો પાડતું

ઓકિસજન કન્સન્ટ્રેટર ખરીદવું છે ? આટલી બાબતોનું ધ્યાન રાખો

ડોકટરની સલાહ, કિંમત, જરૂરીયાત વિગેરે પ્રમાણે નિર્ણય કરો

રાજકોટ તા. ૬ :.. હાલમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘણાં બધા કિસ્સામાં કોરોનાગ્રસ્ત દર્દીનું ઓકિસજન લેવલ ડાઉન થઇ જતું હોય છે. દર્દીને શુધ્ધ ઓકિસજનની જરૂર ઊભી થતી હોય છે. બ્લડમાં ઓકિસજન ઓછું થઇ જવાને કારણે ફેફસા ઉપર પણ લોડ (બર્ડન) આવી જતો હોય છે.

ફેફસા (લંગ્સ) ઉપર બર્ડન ઓછું થાય અને હવામાં રહેલા બીજા વાયુઓમાંથી ઓકિસજન અલગ કરીને શુધ્ધ ઓકિસજન - હવા દર્દીને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઓકિસજન કન્સન્ટ્રેટર ઘણું ઉપયોગી બને છે. હાલમાં કોરોના કાળ દરમ્યાન દર્દીનું ઓકિસજન લેવલ ઓછું રહેતું હોય તો લોકો ઓકિસજન કન્સન્ટ્રેટરની મદદ લેતા હોય છે. ઓકિસજન કન્સન્ટ્રેટર ખરીદતા કે ભાડે લેતા પહેલા અમુક બાબતો ધ્યાનમાં રાખીને સમજવી જરૂરી છે જેમ કે...

* ઓકિસજન કન્સન્ટ્રેટરની જરૂર કોને પડે છે ?

- ઘર, પરિવાર કે કુટુંબમાં કોઇ સભ્ય કોરોના પોઝીટીવ આવે તો ઉતાવળમાં ઓકિસજન કન્સન્ટ્રેટર ખરીદવાની દોડાદોડી ન કરો.

કોરોનાના હળવા-મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ કે જેનું ઓકિસજન લેવલ ૯૦ થી ૯૪ વચ્ચે રહે છે તેઓને ઓકિસજન કન્સન્ટ્રેટરની જરૂર જણાતી હોય છે.

- ૮પ જેટલા ઓકિસજન સેચ્યુરેશન લેવલ ધરાવતા દર્દીઓ પણ ડોકટરની સલાહ લઇને કન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી શકે છે. ૮૦ થી ૮પ જેટલું ઓકિસજન લેવલ ધરાવનાર દર્દીઓને વધુ ઓકિસજન સપ્લાયની જરૂર  રહે છે.

* ડોકટરની સલાહ અને જરૂરીયાત મુજબ ઓકિસજન આપવો

- એફ-૧ લીટર કન્સન્ટ્રેટર દ્વારા દર્દીને ઓકિસજન અપાતો હોય તો ફેફસા (લંગ્સ) માં ઓકિસજનની માત્રા ર૪ ટકા સુધી વધી જાય છે.

ર લીટર સાથે ર૮ ટકા તથા ૧૦ લીટર સાથે ૬૦ ટકા સુધી ઓકિસજનની માત્રા વધી જાય છે.

- જેથી દર્દીની જરૂરીયાત મુજબ જ પ્રતિ મિનીટ ઓકિસજનના જથ્થાને નિયંત્રીત કરવો જોઇએ.

- પેશન્ટને ટ્રીટ કરનાર ડોકટર જ નકકી કરે છે કે દર્દીને પ્રતિ મિનીટ કેટલા લીટર ઓકિસજનની જરૂર છે.

- એક કન્સન્ટ્રેટર ૦.૧ લીટર પ્રતિ (મિનીટ) (એલએમપી) ઓકિસજનની સપ્લાય કરી શકે છે.

* બે પ્રકારના કન્સન્ટ્રેટર ઉપલબ્ધ

- અવિરત પ્રવાહ વાળા કન્સન્ટ્રેટર ઓકિસજનનો એક સરખો પ્રવાહ જાળવી રાખે છે. દર્દી શ્વાસ લે કે ન લે પરંતુ પ્રવાહ સતત ચાલુ જ રહે છે.

- પલ્સ ડોઝ કન્સન્ટ્રેટર દર્દીઓની શ્વાસ લેવાની પ્રક્રિયાની પેટર્ન  (બ્રિધીંગ પેટર્ન) ને જાણીને દર્દીમાં ઓકિસજનની ખેંચ (ઘટ) વર્તાય કે તુરત જ પ્રવાહ શરૂ કરી દે છે.

* ઓકિસજન કન્સન્ટ્રેટરની કિંમત

બજારમાં અલગ - અલગ કંપનીઓના ઓકિસજન કન્સન્ટ્રેટર વિવિધ કિંમતે મળતા હોય છે. મિની અને મોટી સાઇઝમાં વિવિધ કંપનીઓના ઓકિસજન કન્સન્ટ્રેટર રર હજારથી માંડીને સાડા ત્રણ લાખ રૂપિયા સુધી બજારમાં મળી રહ્યા છે. કંપની પ્રમાણે ડીસ્કાઉન્ટ પણ ઘણાં કિસ્સામાં મળતું હોય છે. ઓનલાઇન માર્કેટ પ્રાઇસ જાણીને પણ  લઇ શકાય છે.

(11:46 am IST)