Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

લ્યો બોલો રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં હવે આવું થયું!

કોરોનાથી મૃત્યુ પામનાર મહિલા તબિબની લાશ પરથી એટેન્ડન્ટે આઇફોન ચોરી લીધોઃ ધરપકડ

૨૩/૪ના દાખલ થયેલા ચેતનાબેન મહેતા (ઉ.વ.૬૦)નું મૃત્યુ થયું એ પછી તેમની પાસેનો મોબાઇલ પાછો ન મળતાં ભત્રીજા નૈતિક પારેખે ફરિયાદ કરીઃ પ્ર.નગર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ભેદ ઉકેલી નાંખ્યો : દામજી મેપા પ્લોટમાં રહેતાં અભિલાષ ચાવડાની ધરપકડઃ ૧૦ દિ' પહેલા જ હંગામી ધોરણે નોકરીમાં જોડાયો'તોઃ ભુલ થઇ ગયાનું રટણઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એક મહિલા દર્દી સાથે એટેન્ડન્ટે બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાં હવે કોવિડ કેર સેન્ટરમાં મૃત્યુ પામનાર મહિલા તબિબની લાશ પરથી રૂ. ૩૦ હજારનો આઇફોન ચોરી લેવાયાની ઘટના બનતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી આરોપી એટેન્ડન્ટને દબોચી લીધો છે. દસ દિવસ પહેલા જ હંગામી નોકરીએ રહેલા આ શખ્સે પોતાનાથી ભુલ થઇ ગયાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે.

ચોરીના આ બનાવમાં પ્ર.નગર પોલીસે રૈયા રોડ નહેરૂનગર પાસે અંજની સોસાયટી-૫માં રહેતાં અને હૈદરાબાદની કંપનીમાં નોકરી કરતાં તથા હાલમાં કોરોના મહામારીને કારણે રાજકોટ ઘરે રહી ઓનલાઇન કામ કરતાં નૈતિક નિતીનભાઇ પારેખ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. નૈતિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે બાલમુકુંદ પ્લોટ નિર્મલા રોડ પર રહેતાં મારા ફઇ ચેતનાબેન ધનરાજભાઇ મહેતા (ઉ.વ.૭૧)નો કોરોના રિપોર્ટ ૧૭/૪ના રોજ પોઝિટિવ આવતાં ઘરે હોમ કવોરન્ટાઇનમાં સારવાર શરૂ કરી હતી.

પરંતુ ઓકિસજન લેવલ ઓછુ આવતું હોઇ જેથી તા. ૨૩/૪ના રોજ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં પાંચમા માળે એ-વોર્ડમાં દાખલ કરાયા હતાં. મારા ફઇને તે વખતે અમે એપલ કંપનીનો આઇફોન-૧૧ પરપલ કલરનો આશરે ત્રીસ હજારની કિંમતનો વાતચીત કરવા માટે આપ્યો હતો. તા. ૨/૫ના રોજ સવારે ૪:૪૦ કલાકે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તમારા સગા ચેતનાબેન જે સારવારમાં હતાં તેમનું અવસાન થયું છે. તમે સિવિલ હોસ્પિટલ ડેથ કન્ટ્રોલ રૂમમાં આવો.

આથી હું, મારા પિતાજી ડેથ કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતાં અને મારા ફઇ ચેતનાબેન મહેતાની લાશ અમે સંભાળી હતી. તે વખતે અમને કહેવાયેલુ કે મૃત્યુ પામનાર પાસેની જે કોઇપણ ચીજવસ્તુઓ હશે તે તમને સવારે દસ વાગ્યા પછી મળી જશે. આથી અમે સરકારની ગાઇડલાઇન મુજબ ફઇની અંતિમવિધી કરવા ગયા હતાં. એ પછી સાંજે છએક વાગ્યે હું સિવિલના ડેથ કન્ટ્રોલ રૂમ ખાતે ગયો હતો અને મારા મૃત્યુ પામનાર ફઇનો આઇફોન પાછો માંગ્યો હતો. પરંતુ ત્યાંથી એવું જણાવાયું હતું કે ચેતનાબેન પાસે કોઇ ચીજવસ્તુ હતી નહિ. મારા ફઇ પાસેનો આઇફોન કોઇએ ચોરી લીધો હોવાની શંકા જતાં ફરિયાદ કરી હતી.

એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસના કહેવા મુજબ ચેતનાબેન પોતે ડોકટર હતાં. પણ હાલમાં નિવૃત જીવન ગાળતાં હતાં. ચેતનાબેન જ્યાં દાખલ હતાં એ વોર્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો શખ્સ મોબાઇલ લઇ જતો દેખાતાં તેને સકંજામાં લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ અભિલાષ મનોજભાઇ ચાવડા (ઉ.વ.૨૩-રહે. પીપળીયા હોલ પાસે દામજી મેપા પ્લોટ-૩, સહકાર રોડ) જણાવ્યું હતું.

પ્રાથમિક પુછતાછમાં તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ પોલીસે આકરી પુછતાછ કરતાં ચોરાઉ મોબાઇલ કાઢી આપ્યો હતો. દસ દિવસ પહેલા જ તે હંગામી ધોરણે નોકરી પર રહ્યો હોવાનું અને ભુલથી ચોરી કરી લીધાનું રટણ કર્યુ હતું. હોસ્પિટલમાં રિક્ષામાં દવાના ફેરા કરતાં વ્યકિત મારફત પોતે નોકરી પર રહ્યો હતો. તેણે નોકરીના દસ દિવસમાં બીજા કોઇ ગુના તો આચર્યા નથી ને? તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

આ કામગીરી પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, કે. સી. રાણા, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, હિરેનભાઇ ચાવડા અને અશોકભાઇ હુંબલે કરી હતી.

(1:04 pm IST)