Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કોરોનાગ્રસ્ત પરિવારોને ટિફિન સેવા

રાજકોટમાં ૧૫૦થી વધારે પરિવારોને નિઃશુલ્ક ટિફિન પહોંચાડાઇ રહ્યા છે : અમરેલી, ખેડા, સુરત, વડોદરામાં પણ સેવા

રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરનો રાફડો ફાટ્યો છે ત્યારે વડતાલ દેશ પિઠાધિપતિ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ -વડતાલ (એસવીજી) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ -રાજકોટ શાખા દ્વારા જે પરિવાર હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ હોય તેમજ કોવિડના દર્દીને નિઃશુલ્ક ટીફીન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના લગભગ ૧૫૦ વધુ પરિવારો કે જેમની ઘરે રસોઇ બનાવનાર વ્યકિત જ પોઝીટીવ આવ્યા હોય અને રસોઇ બની શકે તેવી પરિસ્થિતી નો હોય તેવા પરિવારોને ઘરે -ઘરે જઇ શુધ્ધ, સાત્વિક અને ડોકટરની સલાહ મુજબ બનાવેલ દર્દીને અનુકુળ ભોજન આપવામાં આવે છે.

તેમજ કોરોનાની વિશ્વભરમાં ચાલી રહેલી ભયાનક પરિસ્થિતીને ધ્યાનમાં રાખી રાજકોટ સિવાય સુરત, વડોદરા, ગોધરા, અમેરલી, ખેડા સહિતના અનેક વિસ્તારોમાં ટીફીન સેવા તેમજ માણાવદરને સંતરા -નાળીયેરનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

શ્રી સ્વામિ ગાદિ ટ્રસ્ટ-વડતાલ (એસવીજી) તથા શ્રી સ્વામિ મંદિર દ્વારા હોમ આઇસોલેશનનું પણ બગસરાને આંગણે ૧૦ બેડની વ્યવસ્થા કરવામાં આવ્યુ છે.

તેમજ વડતાલ, રાજકોટ, સુરત, ગોધરા અને વડોદરા મુકામે જરૂરિયાતમંદ હરિભકતોને ઓકિસજન સીલીન્ડરનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વડતાલ મુકામે રઘુવીરવાડી ખાતેથી આણંદ જીલ્લા કલેકટર દ્વારા ઉપલબ્ધ બાકરોલ મુકામે હોસ્પિટલમાં દર્દી અને તેના સગાઓને બન્ને ટાઇમ ભોજન કરાવામાં આવી રહ્યું છે.

રાજકોટ મુકામે ચાલી રહેલી ટીફીન સેવામાં ઘરે ઘરે સુધી પહોંચાડવા યુવક મંડળ પ્રમુખ વિશાલ પટેલ, પૂર્વેશ ટીંબડીયા, યોગેશ ઢાંકેચા, અંકુર ડાભી, જીતેન જડીયા, મેહુલ ફીચડીયા, ચિરાગ કાચા, તુષાર કાનાબાર, ખોડીદાસ પાનસુરીયા, જીતુભાઇ વેકરીયા, મેહુલ જાવીયા, નિકુંજ ટોપીયા, રાહુલ લીંબાણી, લખનભાઇ કાનાભાઇ, ઘનશ્યામ પાનસુરીયા, વિમલભાઇ પાદરીયા, ભાવેશ કાચા, ભરત નકુમ, રાજુભાઇ કુણપરા, કિશન રામાણી, ભરત સોલંકી, બાલકૃષ્ણ ડાભી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. ટિફિન સેવા અંગે વધારે માહિતી માટે મો. ૯૮૭૯૭ ૧૨૭૬૮ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:05 pm IST)