Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ જિલ્લાના પ૭૮ ગામોમાં હોમ આઇસોલેશન માટે ૬૦૧૧ બેડની સુવિધા

ઘરમાં જ રહેવા માંગતા દર્દીઓ પાસેથી બાંહેધરી લેવાની વિચારણાઃ અત્યાર સુધીમાં ૬૧ દર્દીઓને કેન્દ્રમાં ખસેડાયાઃ ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા

રાજકોટ તા. ૬ :.. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે ગામમાં જ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાંથી શરૂ થયેલ 'મારૂ ગામ, કોરોનામુકત ગામ' અભિયાન  રાજયવ્યાપી બન્યું છે. જિલ્લાના પ૯૧ ગામો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા હોમ આઇસોલેશન, તૈયાર થઇ રહ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલકુમાર રાણાવાસિયાના જણાવ્યા મુજબ જિલ્લાના પ૭૮ ગામડાઓમાં હોમ આઇસોલેશન માટે ૬૦૧૧ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોમ્યુનીટી કેન્દ્ર, શાળા, આંગણવાડી વગેરેમાં  સરેરાશ ૧૦ થી ૧ર બેડની વ્યવસ્થા સાથેના આઇસોલેશન સાથેના કેન્દ્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યાં સામાન્ય લક્ષણોવાળા કોરોનાના દર્દીઓ માટે તબીબી સ્ટાફની દેખરેખ રહેશે. દવા, ઉકાળા વગેરે આપવામાં આવશે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ હાલ હોમ આઇસોલેશનનો સમયગાળો ૧૦ દિવસનો છે. કોરોનાના દર્દી ઘરમાં રહે તેના કરતા અલાયદી વ્યવસ્થામાં રહે તે હિતાવહ છે. ઘરે પૂરતી સુવિધા હોય અને ઘરમાં જ એકલા રહેવા માંગતા હોય તેવા દર્દીઓ પાસેથી ગાઇડ લાઇનના પાલનની લેખિત બાંહેધરી લેવાનું વિચારાઇ રહયુ છે. રસીકરણમાં પણ વેગ વધારવા પ્રયાસો થઇ રહ્યા છે.

(3:47 pm IST)