Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ધરણાના વિરોધમાં ધરણાઃ વિરોધ- સુત્રોચ્ચાર- અટકાયત

બંગાળની ઘટનાના વિરોધમાં ભાજપે ધરણા કર્યા, તો તેના વિરોધમાં યુવા અગ્રણી ભાવેશ બોરીચા અને તેના મિત્રોએ પવનપુત્ર ચોકમાં કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા અટકાયત

તસ્વીરમાં ભાજપના ધરણાના વિરોધમાં કાળાવાવટા સાથે સુત્રોચ્ચાર કરી રહેલા ભાવેશ બોરીચા અને તેમના મિત્રોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. તે નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ બંગાળની ઘટનાના વિરોધમાં  શહેર ભાજપ દ્વારા આજરોજ તમામ વોર્ડમાં ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. દરમિયાન પવનપુત્ર ચોકમાં ભાજપના કાર્યકરોએ ધરણાનો કાર્યક્રમ યોજતા તેના વિરોધમાં યુવા અગ્રણી ભાવેશ બોરીચા તેમજ ચિરાગ પટેલ, જીગર પટેલ, ઈકબાલ સકરાણીયા, રમેશ બોરીચા, જનક ટાંક અને અતુલ ભુત દ્વારા કાળાવાવટા સાથે ભાજપનો વિરોધ કરી 'ભાજપવાલો શરમ કરો, શરમ કરો...' જેવા સુત્રોચ્ચારો કર્યા હતા. દરમિયાન આ તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.આ તકે ભાવેશ બોરીચાએ જણાવેલ કે રાજકોટ શહેર કોરોનાની મહામારીમાં સપડાઈ ગયું છે. લોકો ઓકિસજન, રેમડીસીવીર ઈન્જેકશન માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા જોવા મળે છે. સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઈનો રોજબરોજ જોવા મળે છે. દર્દીઓના દુઃખદ અવસાન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે ભાજપ દ્વારા રાજકારણ કરવાની શું જરૂર છે?

(3:54 pm IST)