Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજકોટમાં છેલ્લા 9 વર્ષ બાદ ફરી એર કાર્ગો સર્વિસનું બુકિંગ શરુ થતા વેપારીઓમાં ખુશી

હવેથી રાજકોટ એરપોર્ટ પરથી ઓટોપાર્ટસ, કાસ્ટીગ મશીનરી, ટાઇલ્સ, ટેક્સટાઇલ્સ, વેલ્યુએબલ ગોલ્ડ-સિલ્વર જવેલરી, ઇમિટેશન જવેલરી સહિત વસ્તુઓના પાર્સલ ઝડપથી મોકલી શકાશે

રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે એર કાર્ગો સર્વિસ શરૂ કરાઈ છે,  રાજકોટમાં છેલ્લા 9 વર્ષ બાદ ફરી એર કાર્ગો સર્વિસ શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એર કાર્ગો સર્વિસ એક મહિના અગાઉ શરૂ થઇ હતી પરંતુ કોરોનાને લઈને કોઈ બુકિંગ થયું હતું. જ્યારે હવે કોરોના કેસ ઘટ્યા છે. ત્યારે આ એરકાર્ગો માટે પણ બુકિંગ શરુ થયું છે. જેમાં એક બુકિંગ નોંધાયું હતું.

રાજકોટમાં છેલ્લા નવ વર્ષથી આ સેવા બંધ હતી. ત્યારે છેલ્લા એક મહિનાથી હાલ Air Cargo Service શરૂ કરવામાં આવી છે

જેનો મોટાભાગના વેપારીઓ લાભ લઇ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તેમજ અન્ય વેપારીઓ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતેથી એર કાર્ગો સર્વિસ શરૂ કરવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી પરંતુ હવે તે માગ પૂર્ણ થતા રાજકોટના ચેમ્બર્સ ના વેપારીઓ તેમજ અલગ અલગ વેપારી સંગઠનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જ્યારે હવેથી આ એર કાર્ગો મારફતે રાજકોટ એરપોર્ટ પરથી ઓટોપાર્ટસ, કાસ્ટીગ મશીનરી, ટાઇલ્સ, ટેક્સટાઇલ્સ, વેલ્યુએબલ ગોલ્ડ-સિલ્વર જવેલરી, ઇમિટેશન જવેલરી સહિત વસ્તુઓના પાર્સલ હવે સરળતાથી અને ઝડપથી મોકલી શકાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરની રફતાર ઘટતાં ધીરે ધીરે ધંધા ઉધોગો બહાલ થઇ રહ્યા છે. જેના લીધે રાજકોટમાં એર કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવી છે. હાલ વેપારીઓની રોનક પાછી આવી છે.રાજકોટ ઉધોગોનો હબ સેન્ટર છે તેથી વેપારીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળે છે.

(9:47 pm IST)