Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

RPFનાં મહિલા કોન્સ્ટેબલની બહાદુરીને સલામ:ચાલતી ટ્રેનમાં ચડવા જતા પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ સહિતનાં અધિકારીઓએ મહિલા કોન્સ્ટેબલને બિરદાવ્યા; બાળકના માતા અને પિતાએ પણ રાજકોટ આરપીએફનાં સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

રાજકોટ રેલવે ડિવિઝનનાં એક મહિલા કોન્સ્ટેબલની બહાદુરીની ઘટના સામે એવું છે. પોતાના કામ માટે જ સમર્પિત આ મહિલા કોન્સ્ટેબલે તેનો જીવ જોખમમાં મૂકીને પણ ચાલતી ટ્રેનમાં ચડવા જતા પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેને લઈને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ સહિતનાં અધિકારીઓએ પણ મહિલા કોન્સ્ટેબલને બિરદાવ્યા હતા. તેમજ બાળકના માતા અને પિતાએ પણ રાજકોટ આરપીએફનાં સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, ગત તા. 4 જુલાઈનાં રોજ પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ જોયું કે ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ જ્યારે રાજકોટથી 13.53 વાગે રવાના થઈ રહી હતી. ત્યારે એક મહિલા મુસાફર અને બાળક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન બાળકનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું હતું.

આ દ્રશ્યો જોતા જ કોન્સ્ટેબલ સોનુ વર્માએ તરત જ દોડીને બાળકને ખેંચીને બહાર કાઢી લેતા સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. આ દ્રશ્ય જોઈને અન્ય મુસાફરો દ્વારા તરત જ ચેઈન પુલિંગ કરી ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ પછી બાળકને તેના માતા-પિતા સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો. જોકે આ સ્થળ સીસીટીવી કવરેજની પૂરેપૂરી રેંજમાં ન હોવાને કારણે ઘટના પૂરેપૂરી રેકોર્ડ થઈ શકી નથી. પરંતુ નજરે જોનાર લોકોએ મહિલા કોન્સ્ટેબલની દિલેરીને બિરદાવી હતી.

(10:37 pm IST)