Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રૂડાનગરમાં પ્રવિણભાઇ ભટ્ટીના ઘરમાં ૭ લાખની ચોરી

બિમાર બહેનની ખબર કાઢવા રજપૂત પરિવાર સોમનાથ વેરાવળ ગયો ને રેઢા મકાનમાં ચોર ત્રાટક્‍યાઃ રોકડા ૫૦ હજાર અને સોનાના દાગીના ઉસેડી ગયાઃ યુનિવર્સિટી પોલીસની ડોગ સ્‍ક્‍વોડ, ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોને સાથે રાખી તપાસઃ સીસીટીવીમાં બે શકમંદ દેખાયા

રાજકોટ તા. ૫: શહેરમાં તસ્‍કરોએ પણ હવે ઉપાડો લીધો છે. કાલાવડ રોડ પર આવેલા રૂડાનગરમાં રજપૂત કારખાનેદારના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો સાતથી આઠ લાખની માલમત્તા ઉસેડી જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ રૂડાનગર-૩ શેરી નં. ૯માં પુષ્‍પરાજ મકાનમાં ચોરી થયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના અધિકારીઓએ પહોંચી તપાસ શરૂ કરી હતી. મકાન માલિક પ્રવિણભાઇ મેરૂભાઇ ભટ્ટી (રજપૂત)એ પોલીસને જણાવ્‍યું હતું કે ગઇકાલે તેઓ મકાનને તાળા લગાવી પોતાના બહેન કે જે સોમનાથ વેરાવળ રહે છે તેઓ બિમાર હોઇ તેમની ખબર કાઢવા ગયા હતાં. પાછળથી રેઢા ઘરમાં ચોરી થઇ હતી.

આજે સવારે પડોશીએ ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતાં ફોનથી જાણ કરતાં પ્રવિણભાઇ સહિતના લોકો સોમનાથથી પરત બપોરે રાજકોટ પહોંચ્‍યા હતાં. ઘરમાં તપાસ કરતાં તસ્‍કરો રોકડા રૂા. ૫૦ હજાર અને સોના ચાંદીના દાગીના મળી સાતથી આઠ લાખની માલમત્તા ચોરી ગયાનું જણાયું હતું.  પોલીસે ઘટના સ્‍થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે શકમંદ શખ્‍સ જોવા મળ્‍યા હોઇ તે અંગે તપાસ શરૂ કરી છે. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એમ. આર. ઝાલા, અનુજભાઇ અને ડી. સ્‍ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડોગ સ્‍ક્‍વોડ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોને પણ મદદ માટે બોલાવાયા હતાં.

(3:19 pm IST)