Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સાળીના પ્રેમમાં અંધ રાજેશે પત્‍નિ રંજનને પતાવી લાશ ચોટીલા પાસે પથ્‍થર નીચે છુપાવી દીધી'તી

૪૫ દિવસ પહેલા ગૂમ થયેલી વિછીયાના દલડીની કોળી પરિણીતાને પતિએ જ પતાવી દીધી'તીઃ પતિની ધરપકડ : પત્‍નિ ગૂમ થયાની ખુદ પતિએ પોલીસને જાણ કરી હતીઃ વિછીયા પોલીસ ગંભીરતાથી તપાસ કરતી ન હોવાના આક્ષેપો સાથે ઉપવાસ ચાલુ થયાના કલાકોમાં જ ભેદ ઉકેલાયોઃ હાડપીંજર થઇ ગયેલા રંજનના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ : વિછીયા પોલીસે બેદરકારી દાખવ્‍યાનો આક્ષેપઃ જવાબદાર સસ્‍પેન્‍ડ થાય પછી જ લાશ સંભાળવાનો પરિવારજનો-કોળી સમાજના આગેવાનોનો નિર્ણય:રંજનની બહેન ઇન્‍દુને ૨૨મીએ ચુંદડી ઓઢાડવાની હોઇ તેણીને મળવાના બહાને રાજેશ ઢોકળવાની વીડીમાં લઇ ગયો અને મોબાઇલ ચાર્જરના કેબલથી ફાંસો દઇ હત્‍યા કરી નાંખી હતી

પતિના હાથે હત્‍યાનો ભોગ બનેલી રંજન, રાજકોટ સિવિલ હોસ્‍પિટલે તેણીના સ્‍વજનો, કોળી સમાજના આગેવાનો અને સોૈથી છેલ્લે હત્‍યારો પતિ રાજેશ ઓળકીયા નજરે પડે છે. તેણે પત્‍નિને કઇ રીતે ફાંસો દીધો તે પોતે પહેરેલા માસ્‍કને બે હાથે ખેંચીને પોલીસ સમક્ષ નિદર્શન કર્યુ હતું.

રાજકોટ તા. ૬: વિછીયાના દલડી ગામે સાસરૂ ધરાવતી અને છાસીયા ગામે માવતર ધરાવતી રંજન રાજેશ ઓળકીયા (ઉ.૨૭) નામની કોળી પરિણીતા આજથી ૪૫ દિવસ પહેલા એટલે કે ૨૨મી મેના રોજ ગૂમ થઇ હતી. વિછીયા પોલીસે ગૂમની નોંધ કરી તપાસ આદરી હતી. દરમિયાન રંજનની હત્‍યા તેના જ પતિ રાજેશ હાદાભાઇ ઓળકીયાએ કરી હોવાનું અને લાશ ચોટીલાના ઢોકળવાની વીડીમાં પથ્‍થરો નીચે છુપાવ્‍યાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. હાડપીંજર બની ગયેલા મૃતદેહને રાજકોટ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડાયો છે. વિછીયા પોલીસે તપાસમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી જ્‍યાં સુધી જવાબદાર પોલીસ અધિકારી, કર્મચારી સામે પગલા ન લેવાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સ્‍વીકારાય તેવો નિર્ણય તેણીના સ્‍વજનો અને કોળી આગેવાનોએ કર્યો છે.

 ઘટનાની વિગતો એવી છે કે દલડી ગામે રહેતી રજંન (ઉ.૨૭) નામની કોળી પરિણીતા તા. ૨૨/૫ના રોજ ઘરેથી આધારકાર્ડ, પૈસા લઇને નીકળી ગયા બાદ ગૂમ થયાની જાણ તેના પતિ રાજેશ હાદાભાઇ ઓળકીયાએ વિછીયા પોલીસમાં કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ દિવસો સુધી રંજનનો પત્તો ન મળતાં તેણીના પિતા છાસીયા ગામના લક્ષમણભાઇ ભીખાભાઇ જોગરાજીયા સહિતનાએ વિછીયા પોલીસ મથકે પહોંચી દિકરીને ત્‍વરીત શોધી કાઢવા રજૂઆતો કરી અરજી કરી હતી. પરંતુ રંજનનો કોઇ પત્તો મળ્‍યો નહોતો.

પોલીસ ગંભીરતા દાખવતી ન હોવાના રોષ સાથે તેણીના સ્‍વજનોએ કોળી સમાજના આગેવાનો રમેશભાઇ મેર, મુકેશભાઇ રાજપરા સહિતને જાણ કરતાં રંજનના સ્‍વજનો અને કોળી આગેવાનોએ વિછીયા મામલતદાર કચેરી ખાતે બે દિવસ પહેલા ઉપવાસ આંદોલન ચાલુ કરી પોલીસને ગંભીરતાથી તપાસ કરવા માંગણી કરી હતી. એ સાથે જ ગઇકાલે વિછીયા પોલીસે ભેદ ઉકેલી નાંખ્‍યો હતો. રંજનની હત્‍યા તેના પતિ રાજેશે જ કર્યાનું ખુલ્‍યું હતું. રાજેશે કબુલ્‍યું હતું કે પોતાને અઢાર વર્ષની સાળી ઇન્‍દુ સાથે પ્રેમ હોઇ પત્‍નિ ગમતી નહોતી.

સાળી ઇન્‍દુને ૨૩મી મેના રોજ ચુંદડી ઓઢાડવાની હોઇ તેને મળી આવવાના બહાને પોતે પત્‍નિ રંજનને લઇને નીકળ્‍યો હતો. તેણીની હત્‍યા કરવાનો મનસુબો ઘડી લીધો હોઇ પત્‍નિને છાસીયા ગામે લઇ જવાને બદલે ચોટીલાના ઢોકળવા તરફ થોડુ કામ છે તેમ કહી ઢોકળવાની વીડીમાંલઇ ગયો હતો અને ત્‍યાં પત્‍નિને વાતોએ વળગાડી અચાનક જ મોબાઇલના ચાર્જરનો કેબલ તેણીના ગળામાં નાંખી તેનાથી ફાંસો આપી પતાવી દીધી હતી અને બાદમાં લાશને પથ્‍થરો નીચે છુપાવીને નીકળી ગયો હતો અને બીજા દિવસે પત્‍નિ રંજન ગૂમ થઇ ગયાની જાણ કરવા વિછીયા પોલીસ સ્‍ટેશનમાં ગયો હતો.

હત્‍યાનો ભોગ બનેલી રંજન પાંચ બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર છે. પતિ રાજેશ ખેત મજૂરી કરે છે. રંજનના માવતર પક્ષ અને કોળી સમાજના આગેવાનોએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે રંજન ગૂમ થયાની જાણ ૪૪ દિવસ પહેલા પોલીસને કરવામાં આવી હતી. પરંતુ વિછીયા પોલીસ આ બાબતને ગંભીરતાથી લેતી નહોતી. તેણીના પતિની અરજી લીધી હતી પણ માવતર પક્ષના લોકો જ્‍યારે પણ રજૂઆત કરવા જતાં ત્‍યારે તેમને યોગ્‍ય રીતે સાંભળવામાં આવતા નહોતા. છેલ્લે ન્‍યાય માટે ઉપવાસ આંદોલન ચાલુ કરાયું હતું. એ પછી પોલીસ પર દબાણ આવ્‍યું હતું અને પંદર કલાકમાં જ ભેદ ઉકેલી નાંખ્‍યો હતો. પરંતુ માવતર પક્ષના હાથમાં રંજનના બદલે તેણીનું હાડપીંજર જ આવ્‍યું હતું.

પોલીસની ઘોર બેદરકારીને કારણે હત્‍યાનો ભેદ છેક ૪૪ દિવસ પછી ઉકેલાયો હતો. આ તપાસમાં બેદરકારી દાખવનારા સામે પગલા નહિ લેવાય ત્‍યાં સુધી અમે રાજકોટથી રંજનનો મૃતદેહ સ્‍વીકારશું નહિ. તેમ તેણીના પરિવારજનો અને આગેવાનોએ જણાવ્‍યું હતું. મોડી રાતે વિછીયા પોલીસ, સુરેન્‍દ્રનગર પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ રાજકોટ પહોંચ્‍યા હતાં. રૂરલ એસપી સમક્ષ પણ રજૂઆત થઇ હતી. તેમણે તુરત આ મામલે ઇન્‍કવાયરી શરૂ કરાવી બાદમાં પગલા લેવામાં આવશે.  જો કે પરિવારજનો, આગેવાનોએ તત્‍કાલ જવાબદારો સામે પગલા લઇ સસ્‍પેન્‍ડ કરવાની માંગણી કરી હતી. સિવિલ હોસ્‍પિટલ ખાતે મૃતકના સ્‍વજનો, આગેવાનો કાર્યકરો ઉમટી પડયા હતાં.

(10:49 am IST)