Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગુજરાત સરકારે ૨૦ વર્ષમાં દરેક ક્ષેત્રમાં લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે રાજ્‍ય સિધ્‍ધિઓના શિખરે પહોંચ્‍યુ

બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે મંત્રીશ્રી રાઘવજીભાઇના હસ્‍તે વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનો પ્રારંભ

રાજકોટ તા. ૬ : સમગ્ર ગુજરાત રાજયમાં આજથી છેલ્લાં ૨૦ વર્ષના વિકાસની ગાથાને રજૂ કરતાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જે અન્‍વયે રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને ફલેગઓફ આપીને વિકાસ રથ યાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે ગુજરાત આજે સિદ્ધિઓના શિખરે પહોંચ્‍યું છે. એક સમયે ટેન્‍કર રાજ હતું પરંતુ આજે નલ સે જલ યોજનાના કારણે પીવાનું પાણી ઘરના દ્વારે પહોંચ્‍યું છે.

જળ સંગ્રહ ક્ષેત્રે કરેલી અદભુત પ્રગતિ અંગે માહિતી આપતાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીની ઉમદા નિર્ણય શક્‍તિને કારણે આજે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં પહોંચ્‍યું છે. પહેલાં ગણ્‍યા ગાંઠ્‍યા ચેકડેમો હતા જયારે આજે ૧ લાખથી વધુ ચેકડેમો છે. ૨૦ વર્ષના વિશ્વાસ સાથે શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્‍ય, મહિલા સશક્‍તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્‍યો છે.

સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ ૨૦ વર્ષમાં થયેલા વિકાસ કામોની રૂપરેખા આપીને કહ્યું હતું કે, વંચિતોના વિકાસ માટે વડાપ્રધાનશ્રી મોદીજીએ અનેક ઉજ્જળી તકોનું સર્જન કર્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે  રાજકોટને મળેલી અમૂલ્‍ય ભેટ જેમ કે એઇમ્‍સ અને હિરાસર એરપોર્ટને યાદ કરતા કહ્યું હતું કે અમારી સરકારે માત્ર ખાતમુહૂર્ત કરીને જ નહી પરંતુ એમનું લોકાર્પણ અમારી સરકાર દ્વારા કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર ધીમંત કુમાર વ્‍યાસ, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીનાં નિયામક એન.આર. ધાધલ, અગ્રણીશ્રી મનીષભાઈ ચાંગેલા, એ.પી.એમ.સી.નાં વાઇસ ચેરમેન વસંતભાઇ ગઢીયા, નિયામક સહિતના મહાનુભાવો, આમંત્રીતો, લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:16 pm IST)