Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ : આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળના બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું

મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને સારવાર હેઠળના બાળ દર્દીઓના વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો

રાજકોટ તા.૬ : આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલે ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને સમગ્રતયા વ્યવસ્થાપન અને સુવિધાઓની જાત માહિતી મેળવી હતી.

 

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી કામગીરીનો તાગ મેળવી  સારવાર હેઠળના બાળ દર્દીઓ અને કુપોષિત બાળકોના વાલીઓ સાથે સંવાદ સાધી હોસ્પિટલની સેવા-સુશ્રુષા અને ઉપલબ્ધ સારવાર અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના બાલ સેવા કેન્દ્રમાં રસોઈ કરતી મહિલાઓ સાથે પણ સંવાદ સાધી ખાધ-ખોરાક સુરક્ષા સંદર્ભે પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. 

સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બાલ સેવા કેન્દ્રની પણ આ ક્ષણે મંત્રીશ્રીએ મુલાકાત કરી હતી.

મંત્રીશ્રીએ હોસ્પિટલમાં સેવારત સ્ટાફ અને તબીબો સાથે તેમના પ્રશ્નો અને જરુરિયાતો સંદર્ભે પણ સામેથી ચર્ચા કરી હતી.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની મુલાકાત વેળાએ રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા પણ જોડાયા હતા.

મંત્રીશ્રીની હોસ્પિટલની મુલાકાતથી સમગ્ર તંત્ર અને સ્વાસ્થ્ય કર્મીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

(3:41 pm IST)