Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

આજી જીઆઇડીસી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા સુરેશભાઇ નિમાવતનું મોત

રાધાકૃષ્‍ણ સોસાયટીના આધેડ ઘરેથી બાઇક લઇ આંગળીમાં ડ્રેસીંગ કરાવવા દવાખાને જતા'તા

રાજકોટ તા. ૬ : આજી જીઆઇડીસી નજીક બાલાજી વેફર્સ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ પાસે રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં.૩માં રહેતા સુરેશભાઇ છગનભાઇ નિમાવત (ઉ.૪પ) બપોરે પોતાનું બાઇક લઇ આંગળીમાં ડ્રેસીંગ કરાવવા માટે આજી જીઆઇડીસીમાં આવેલા દવાખાને જતા હતા ત્‍યારે બાલાજી વેફર્સ પાસે જી.જે.ર૦ વી-૯ર૧૧ નંબરના ટ્રકે બાઇકને પાછળથી હડફેટે લેતા સુરેશભાઇ પર ટ્રકના આગળના વ્‍હીલ ફરી વળતા તેનુ ઘટના સ્‍થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્‍માત સર્જી ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ. બી. વડાવીયા તથા રાઇટર રવીભાઇ ધગલે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છેે. મૃતક સુરેશભાઇ પાંચાભાઇ અને એક બહેનમાં નાના હતા. તે કારખાનામાં મજુરી કામ કરતા હતા એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છેે.

(4:27 pm IST)