Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સિમેન્ટ ભરેલો ટ્રક અને કેમિકલનું ટેન્કર ટકરાયા બાદ આગઃ રાણાવાવના છગનભાઇ જીવતા ભુંજાયા

નવાગામ સાત હનુમાન નજીક મોડી રાતે બનાવઃ ટેન્કરના ચાલકનો બચાવઃ ત્રણ કલાકે આગ કાબુમાં : છગનભાઇ મકવાણા સાથે રહેલા પુત્ર દેવાભાઇનો બચાવઃ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધા પછી વાહનો પોલીસે ક્રેઇનથી જુદા પડાવ્યા : બાયો ડિઝલ પુરાવવા ટ્રકને ટર્ન લગાવી રહ્યા હતાં ત્યારે અકસ્માત

તસ્વીરમાં ભડકે બળી રહેલા ટ્રક-ટેન્કર, ગંભીર રીતે દાઝેલા છગનભાઇ મકવાણાને હોસ્પિટલે ખસેડાયા તે દ્રશ્ય તથા ઘટના સ્થળે આગ બુઝાવી રહેલો સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. આગ બુઝયા પછી વાહનની હાલત કેવી થઇ ગઇ તે છેલ્લી તસ્વીરમાં દેખાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાસે મોડી રાતે રાણાવાવથી વાપી તરફ સિમેન્ટ ભરીને જઇ રહેલા ટ્રક સાથે અમદાવાદ તરફથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ધડાકાભેર અથડાતાં જ બંને વાહનમાં આગ ભભૂકી ઉઠતાં ટેન્કરના ચાલક-કલીનર સમયસુચકતા વાપરી ઉતરી જતાં બચી ગયા હતાં. ટ્રકના ડ્રાઇવર પોરબંદરના વૃધ્ધ ફસાઇ ગયા હતાં. દિકરાએ અને બીજા લોકોએ તેમને મહામહેનતે કાઢ્યા હતાં. તેઓ આગથી દાઝી ગયા હોઇ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ રાણાવાવ રેલ્વે સ્ટેશન પાસે રહેતાં છગનભાઇ જીવાભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.૭૧) અને તેનો પુત્ર દેવાભાઇ (ઉ.૪૨) ટ્રક ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે તેઓ રાણાવાવથી ટ્રકમાં હાથી સિમેન્ટ ભરી અમદાવાદ જવા નીકળ્યા હતાં. દરમિયાન નવાગામ સાત હનુમાન પાસે ડિવાઇડરથી ટર્ન લઇ બાયોડિઝલ પુરાવવા માટે જતાં હતાં એ વખતે જ અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતું ટેન્કર ધડાકાભેર અથડાતાં જ બંને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી.

છગનભાઇના સગા નિલેષભાઇ રામજીભાઇએ કહ્યું હતું કે બાયોડિઝલ પુરાવવા માટે ટ્રકને ટર્ન લઇ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ટેન્કરના ચાલક-કલીનર તુરત છલાંગ લગાવી ઉતરી ગયા હતાં. જ્યારે ટ્રકમાંથી પણ દેવાભાઇ ઉતરી ગયા હતાં. પરંતુ તેમના પિતા છગનભાઇ મકવાણા ફસાઇ ગયા હતાં. એ દરમિયાન ટ્રકની કેબીનમાં આગ ભભૂકતાં છગનભાઇ દાઝી ગયા હતાં. લોકોએ ભેગા થઇ મહામહેનતે તેમને બહાર કાઢ્યા હતાં અને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પીઆઇ એન. એન. ચુડાસમા, એએસઆઇ ફતેહસિંહ સોલકી, અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ, હિતુભા, અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ ગઢવી, પીએસઆઇ એન. બી. ડાંગર, પીએસઆઇ રોહડીયા તથા ડી. સ્ટાફની ટીમો પણ દોડી ગઇ હતી અને ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. બંને વાહનમાં આગથી ભારે નુકસાન થયું હતું.

(12:08 pm IST)