Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મગજની નસની મોરલીની ન્યુરો-એન્ડોવાસ્કયુલર પદ્ધતિથી સફળ સારવાર કરતા ડો. ગૌરાંગ વાઘાણી, ડો. હાર્દ વસાવડા

સ્ટર્લીંગ હોસ્પીટલમાં મગજના નસની મોરલીની સફળ સારવાર કરતી ન્યુરો સર્જન ટીમ

રાજકોટઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા સ્ટર્લીંગ હોસ્પીટલના ડો. ગૌરાંગ વાઘાણી, ડો. હાર્દ વસાવડા, ડો. હેતલ વડેરા, ડો. ચિરાગ પટેલ, ડો. ઘનશ્યામ ગુસાઈ, ડો. પ્રફુલ ધાનાણી નજરે પડે છે(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૬ :. મેડિકલ સારવારમાં આધુનિક મેડિકલ સાયન્સનું યોગદાન ખૂબ નોંધનીય છે. નવિન રીસર્ચ અને સારવાર પદ્ધતિઓમાં સંશોધનો થવાથી વિવિધ બીમારીની સારવાર વધારે સચોટ અને અસરકારક બની રહે છે, પરિણામે દર્દીને તેના અનેક ફાયદાઓ મળે છે. મગજની લોહીની નળીઓમાં થતી સમસ્યાઓ માટે અત્યાધુનિક પદ્ધતિ અર્થાત એન્ડોવાસ્કયુલર ટ્રીટમેન્ટ આશિર્વાદ રૂપ પુરવાર થઈ છે. આ સંદર્ભમાં સ્ટર્લિંગ હોસ્પીટલ, રાજકોટમાં સારવાર માટે આવેલા દર્દી દીપકભાઈનો કિસ્સો ઉદાહરણ રૂપ છે.

પત્રકાર પરિષદમાં ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવ્યુ કે દિપકભાઈને અચાનક માથામાં દુઃખાવો થવો / બોલવાની શકિત ઓછી થઈ જવાથી અત્રે હોસ્પિટલમાં નિદાન કરાવતા મગજમાં હેમરેજ થયાનું માલૂમ પડયું. ઉંડાણપૂર્વકની તપાસમાં ન્યુરો સર્જન ડો. ગૌરાંગ વાઘાણી અને ડો. હાર્દ વસાવડાએ મગજની એન્જીયોગ્રાફી કરી, જેમાં મગજની લોહીની નળીમાં મોરલી (એન્યુરીઝમ)નું નિદાન સામે આવ્યું. આ સમસ્યામાં ખૂબ આધુનિક સારવાર માટે ડોકટરે તેઓને એન્ડોવાસ્કયુલર સારવારનો વિકલ્પ આપી તેના ફાયદાઓ સહિત તમામ પાસાઓ વિસ્તારપૂર્વક સમજાવેલા અને સાથે સાંત્વના આપી હતી. આ સાથે જ પરંપરાગત રીતે કરવામાં આવતી ઓપન સર્જરી વિશે પણ સંપૂર્ણ માહિતી આપી હતી.

પત્રકાર પરિષદમાં ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવ્યુ કે, આ નવિનતમ પદ્ધતિમાં પગમાંથી લોહીની નળીમાં તાર દ્વારા પ્રવેશ કરી તેને મગજ સુધી લઈ જવામાં આવે છે, જ્યાં દર્દીના મગજની નળીની મોરલી (એન્યુરીઝમ)માં કંટુર નામનું ડીવાઈસ મુકવામાં આવ્યું. આ એક મોરબી (મગજની ફુલી ગયેલી નસ)ના મુખમાં મુકવામાં આવતુ સ્પેશિયલ ફલો ડાઈવર્ટર છે. જે મોરલી (મગજની ફુલી ગયેલી નસ)માં જતું લોહી અટકાવી અને તેની સારવાર કરે છે. ખાસ કરીને આ ડીવાઈસને બાયફરકેશન એન્યુરીઝમ એટલે કે મુખ્ય નળીના વિભાજન થઈ શાખા પડતી હોય એ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સારવાર પછી દર્દી સંપૂર્ણપણે ભાનમાં આવેલ હતા. હોસ્પીટલમાં ટૂંકા રોકાણ બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.

ડો. ગૌરાંગ વાઘાણી, સ્ટર્લિંગ હોસ્પીટલ, રાજકોટમાં ન્યુરો સર્જરી વિભાગના વડા છે. એ રાજકોટના એક માત્ર ન્યુરો સર્જન છે. જેમણે વિખ્યાત એઈમ્સ ન્યુ દિલ્હીમાંથી ન્યુરો સર્જરીનું પ્રશિક્ષણ મેળવેલ છે. તેમજ એન્ડોવાસ્કયુલર ન્યુરો સર્જરીની ફેલોશીપ સાઉથ કોરિયા તથા દિલ્હીની મેકસ હોસ્પીટલ ખાતેથી મેળવેલ છે. તેઓ મગજ તથા કરોડરજ્જુની દરેક બીમારીના ઓપરેશનના નિષ્ણાંત છે. છેલ્લા ૮ વર્ષમાં રાજકોટમાં ૪૦૦૦થી વધારે મગજ તથા કરોડરજ્જુના ઓપરેશન સફળતાપૂર્વક કરેલ છે.

ડો. હાર્દ વસાવડા એ કોચી સ્થિત વિખ્યાત ઈન્સ્ટિટયુટ, અમૃતા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ ખાતેથી એમ.સી.એચ. (ન્યુરોસર્જરી)ની પદવી મેળવી છે અને તેઓ મગજ તથા કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત છે.

આ સર્જરી વિશે વધુ માહિતી આપતા ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ સારવાર માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર, સાધનો અને સહાયક-સુવિધાઓ જેવી કે ન્યુરો ઈન્ટરવેન્શનલ મોડયુલ સાથેની કેથ લેબ, ઈન હાઉસ એમઆરઆઈ, સીટી સ્કેન જરૂરી હોય છે, જે અત્રે સ્ટર્લિંગ હોસ્પીટલ, રાજકોટમાં ઉપલબ્ધ છે. અનુભવ અને ટેકનોલોજીના સમન્વયથી રાજકોટમાં ઘર આંગણે મગજની આધુનિક સર્જરીઝ ઉપલબ્ધ છે. આ સારવારમાં એનેસ્થેટીસ્ટ ડો. હેતલ વડેરા, ડો. ચિરાગ પટેલ, ડો. નિકુંજ વાછાણી તથા ડો. શૈલેષ ભીમાણીની કુશળ ટીમે અગત્યનો ભાગ ભજવેલ હતો.

(3:14 pm IST)