Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મ.ન.પા.ના પદાધિકારીઓ અવળે માર્ગે : પ્રજા માટે એમ્બ્યુલન્સ ખરીદવાને બદલે અંગત સ્વાર્થ સાધી લકઝરી કારની ખરીદી

કોંગ્રેસે મ્યુ. કમિશનરને રમકડાની મોટરકાર ભેટ આપવા પ્રયાસ કરી પ્રજા વિરોધી નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો : કાર ખરીદીની દરખાસ્તને વહીવટી મંજુરી નહી આપવા આવેદન પાઠવાયું

રાજકોટ તા. ૬ : મ.ન.પા.ના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે લાખોના ખર્ચે નવી કાર ખરીદવાના નિર્ણયને પ્રજા વિરોધી ગણાવીને આ દરખાસ્તનો ઉગ્ર વિરોધ કોંગ્રેસના આગેવાનોએ દર્શાવી. આ અંગેની દરખાસ્તને વહીવટી મંજુરી નહી આપવા મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં તારીખ ૩૦/૦૭/૨૦૨૧ ના સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષના નેતા માટે કમિશનરના પત્રના નંબર ૧૨૩ તારીખ - ૦૯/૦૭/૨૦૨૧ સૂચિ નંબર ૨૭ ઈનોવા કાર નંગ ૧ અને ફાયર ઇમર્જન્સી શાખાના ચેરમેન માટે પત્ર નંબર ૧૩૫ તારીખ  ૨૬/૦૭/૨૦૨૧ સૂચિ નંબર ૩૯ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફટાફટ મંજૂરીની મહોર મારી બંને ગાડી લેવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. જે પગલે તારીખ ૩૧/૦૭/૨૦૨૧ના મ્યુનિસિપલ કમિશનરને ઇન્વર્ડ નંબર ૧૪૨૬ થી સ્ટેન્ડિંગ કમિટીના ગેરવ્યાજબી અને પ્રજાવિરોધી નિર્ણયો સામે અને ૫૦ લાખની નવી કારો ખરીદવાનો લેખિતમાં વિરોધ કરી વિસ્તૃત આવેદન પત્ર કોંગ્રેસના આગેવાનો અને લોક સંસદ વિચાર મંચ દ્વારા આપવામાં આવેલ હતું. રજૂઆતમાં મ્યુનિસિપલ કમિશનરને શાસક પક્ષના નેતા અને ફાયર ચેરમેનની ગાડી અંગે વહીવટી મંજૂરી ન આપવા અપીલ કરવામાં આવી હતી.

પરંતુ તે લેખિત રજૂઆત બાદ કમિશનરે જવાબ નહી અપાતા ગઇ સાંજે ૫ કલાકે શાસક પક્ષના નેતા અને ફાયર ઇમર્જન્સી ના ચેરમેન બંને માટે નવી નકોર રમકડાની અફલાતૂન ગાડી કમિશનરને અર્પણ કરવાની આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ યોજયો હતો. ત્યારે કમિશનર બ્રાંચમાં રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સ ઓફિસર ડીવાયએસપી ઝાલા સાથે કમિશનર બ્રાંચમાં જવા બાબતે ચકમક ઝરી હતી અંતે બંને ગાડીઓને જનરલ રજીસ્ટરી બ્રાંચમાં આવેદનપત્રના બીડાણ સાથે રજુ કરી ફાળવી દેવામાં આવી હતી. તેઓએ આ તકે આક્ષેપો કર્યા હતા.

 મહાત્મા ગાંધીના ગુજરાતમાં શાસક પક્ષ અવળે માર્ગે એમ્બ્યુલન્સ ખરીદવાને બદલે અંગત સુવિધા મહત્વની અંગત સ્વાર્થ માટે ગાડીઓ ખરીદ કરવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી છે ? પ્રજામાં ઉઠતો સવાલ ! વર્ષ ૨૦૧૯ માં અધિકારીઓ માટે ૮ નવી ૮૦ લાખની ગાડી ખરીદ કરવામાં આવ્યા બાદ વધુ ત્રણ નવી ગાડી ફરી ૫૦ લાખમાં ખરીદ કરવામાં આવી રહી છે. જેમાં નિયમોનું સરાજાહેર ઉલ્લંઘન થઇ રહ્યું છે. શાસક પક્ષના નેતાની ગાડી નંબર GJ-3G0269 પુરા કિલોમીટર ચાલી ન હોવા છતાં અને દસ વર્ષ જૂની ન હોવા છતાં નવી ગાડી ખરીદાશે શાસક પક્ષના વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ના પ્રથમ ટર્મના નેતા ના વાહનના ચાલેલા કિલોમીટર ૮૬,૪૧૨ વપરાશ થયેલ ઈંધણ ડીઝલ લિટર ૮,૬૩૦ ડીઝલ ખર્ચ ૪૯૯,૭૬૩.૩૦ છે. જયારે બીજી ટર્મના શાસક પક્ષના નેતા દ્વારા વાહનના ચાલેલા કિલોમીટર ૬૩,૦૩૬ વપરાશ થયેલ ઈંધણ ડીઝલ લીટર ૧,૪૮૯.૦૦ જે ડીઝલનો ખર્ચ કુલ રૂપિયા ૧૦૧,૧૪૭.૭૭ છે. અને આ ગાડી દસ વર્ષ જૂની ન હોવા છતાં અને પુરા કિલોમીટર ચાલી ન હોવા છતાં નવી ગાડી ખરીદાશે રાજકોટ મહાનગરપાલિકાના નવી ગાડીઓ ખરીદવા ના નીતિ નિયમો અને ઠરાવની નકલ કોંગ્રેસ અને લોક સંસદ વિચાર મંચ દ્વારા માગવામાં આવી છે. કમિશનર પણ શાસકોના પગલે ગાડીની દરખાસ્ત મંજુર કરશે તો લીગલ અભિપ્રાય મેળવી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ગાંધીના ગુજરાતમાં સાદગીને તિલાંજલી આપી મહાનગરપાલિકાના પ્રજાના પરસેવાની કમાણીમાંથી પ્રજાના પૈસે વૈભવી કારની ભુખ ભાંગવા માંગતા બંને અધિકારીઓને નવીનક્કોર કાર કોંગ્રેસે આપી છે. તેમ છતાં બે નવી કાર ખરીદ કરી પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ કરાશે તો જોયા જેવી થશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી.

કમિશ્નરને ગાડીઓ અર્પણ કરવાના અને અપાયેલા આવેદનપત્રમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા પ્રવિણભાઇ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગજેન્દ્ર સિંહ ઝાલા, ફરિયાદ સેલના ભાવેશ પટેલ, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, નારી સુરક્ષા સમિતિના હિતાક્ષીબેન વાડોદરિયા સહિતના રાજકીય- સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)