Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં ૧૩ વાહનોમાં તોડફોડ

રહેવાસીઓ રાતે બે વાગ્‍યા સુધી જાગતા હતાં: વાયેઝ પુરી થતાં ઉંઘી ગયા એ પછી બનાવ બન્‍યો : ચાર કાર અને ચાર રિક્ષામાં નુકસાનઃ બાઇક પર બેસીને નીકળ્‍યા અને ધારદાર હથીયારથી વાહનોમાં તોડફોડ કરી સિંધી કોલોની તરફ ભાગી ગયાઃ પ્ર.નગર પોલીસે રફિકભાઇ દલની ફરિયાદ નોંધીઃ સીસીટીવીમાં દેખાયેલા બે પૈકીમાં એક ભીસ્‍તીવાડનો નામચીન અકબર ઉર્ફ હકુભા ખિયાણી

કાચનો કચ્‍ચરઘાણઃ જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં લોકોના કાર, રિક્ષાઓમાં રાત્રીના સમયે બાઇક પર આવેલા બે શખ્‍સો તોડફોડ કરીને ભાગી ગયા હતાં. કાર-રિક્ષાઓ મળી કુલ તેર વાહનોમાં તોડફોડ થતાં રાતે વિસ્‍તારમાં દેકારો મચી ગયો હતો. તસ્‍વીરોમાં જેમાં તોડફોડ થઇ તે વાહનો અને એકઠા થયેલા લોકો નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: શહેરના જામનગર રોડ પર ભીસ્‍તીવાડ પાસે આવેલા સ્‍લમ ક્‍વાર્ટરમાં મોડી રાતે બે વાગ્‍યા બાદ અજાણયા બે શખ્‍સોએ બાઇક પર નીકળી પોતાની પાસેના ધારદાર હથીયારથી  લોકોના ઘર પાસે પાર્ક કરાયેલા કાર, રિક્ષા સહિતના ૧૩ વાહનોના કાચ ફોડી નાંખી નુકસાન કરતાં વાહનધારકોમાં દેકારો બોલી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં જ પ્ર.નગર પોલીસે રાતે જ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ કરતાં ઓળખ મળી ચુકી હોઇ બંને શખ્‍સો હાથવેંતમાં હોવાનું જાણવા મળ્‍યું છે. આ બે પૈકીમાં એક ભીસ્‍તીવાડનો નામચીન સંધી શખ્‍સ હોવાનું ખુલી ચુક્‍યું છે. આ બંનેએ વાહનોના કાચ શા માટે ફોડયા? તેની વિગતો પકડાયા બાદ બહાર આવશે. નુકસાનીને કારણે વાહનચાલકોમાં રોષ ફેલાઇ ગયો હતો.

આ બનાવમાં પોલીસે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે હુડકો ક્‍વાર્ટર શેરી નં. ૫માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રફિકભાઇ ઓસમાણભાઇ દલ (ઉ.૩૫)ની ફરિયાદને આધારે અજાણ્‍યા બે શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે. રફિકભાઇએ જણાવ્‍યું હતું કે હું જીજે૦૩બીએક્‍સ-૪૧૨૫ નંબરની રિક્ષા ધરાવુ છું અને બીજી એક જીજે૦૩એચઆર-૫૨૨૭ નંબરની મારૂતિ ઇકો કાર પણ મારી પાસે છે.

રાતે બે વાગ્‍યા આસપાસ હુસેની ચોકમાં આશિકાના હુસેન કમીટી છબીલ ખાતે વાયેઝ રાખેલ હોઇ જેથી વાયેઝ પુરી થતાં હું અને અમારા લત્તાના લોકો ઘરે સુવા માટે આવ્‍યા હતાં. એ પછી રાતે સવા ત્રણેક વાગ્‍યે આસપાસ દેકારો થતાં તપાસ કરતાં છબીલ પાસે માણસોનું ટોળુ ભેગુ થયેલુ દેખાતાં હું ત્‍યાં તપાસ કરવા જતાં ખબર પડી હતી કે બે અજાણ્‍યા માણસો બાઇક પર શેરીમાં નીકળ્‍યા હતાં અને હાથમાં ધારદાર હથીયાર હતું તેનાથી શેરીમાં પાર્ક કરેલા વાહનોના કાચ ફોડી સિંધી કોલોની તરફ ભાગી ગયા છે.

મેં તપાસ કરતાં મારી ઇકો ૫૨૨૭ જે ઘર નજીક હુડકો ક્‍વાર્ટર મેઇન રોડ પર પાર્ક કરી હતી તેનો આગળનો કાચ ફૂટેલો દેખાયો હતો. તેમજ ઘર પાસે રાખેલી રિક્ષા ૪૧૨૫નો આગળનો કાચ પણ ફૂટેલો જોવા મળ્‍યો હતો. આ ઉપરાંત અન્‍ય રહેવાસીઓના વાહનોમાં પણ નુકસાન થયાની ખબર પડી હતી. જેમાં ઇકો કાર જીજે૦૩કેએચ-૨૫૯૨નો ડ્રાઇવર સાઇડનો કાચ, હુડકો ક્‍વાર્ટર શેરી નં. ૬માં પાર્ક કરાયેલી ગ્રે રંગની જીજે૦૩એચઆર-૭૮૬૨ નંબરની કારનો પાછળનો કાચ, ઇન્‍ડીગો કાર જીજે૦૩જેસી-૮૩૫૮નો આગળનો કાચ ફોડી નખાયેલો જોવા મળ્‍યો હતો.

આ ઉપરાંત એક રિક્ષા જીજે૦૩બીયુ-૧૯૭૧નો આગળનો કાચ, લોડ કરીને રાખેલી અતુલ રિક્ષા જીજે૨૭ટી-૮૮૬૪નો આગળનો કાચ, ત્‍યાંથી આગળ પાર્ક કરાયેલી કાળા હુડવાળી રિક્ષા જીજે૦૭વીડબલ્‍યુ-૫૨૯૩ નંબરની રિક્ષાનો આગળનો કાચ ફોડીને નુકસાન કરવામાં આવ્‍યાનું જણાયું હતું. આ તમામ વાહનોમાં બાઇક પર આવેલા બે શખ્‍સો તોડફોડ કરીને ભાગી ગયાનું જાણવા મળતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં રફિકભાઇએ જણાવતાં હેડકોન્‍સ. વી. બી. રાજપૂતે ગુનો નોંધ્‍યો હતો.

બીજી તરફ સવારે વધુ પાંચ લોકોને ખબર પડી હતી કે તેમના વાહોનમાં પણ નુકસાન થયું છે. આમ કુલ તેર વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાનું ખુલ્‍યું હતું. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એસ.આર. જોગરાણા અને સ્‍ટાફે તપાસ હાથ ધરી આરોપીઓની ઓળખ મેળવા તજવીજ કરતાં આરોપીઓ ઝડપથી હાથમાં આવી જવાની શક્‍યતા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરતાં બેમાંથી એક શખ્‍સ ભીસ્‍તીવાડનો નામચીન અકબર ઉર્ફ હકુભા અબ્‍દુલ ખિયાણી હોવાનું સ્‍પષ્‍ટ થતાં તેની શોધખોળ થઇ રહી છે. આ શખ્‍સના બે પુત્રો એઝઝા અને મીરઝાદ ગુજસીકોટના ગુનામાં જેલહવાલે છે.

(3:31 pm IST)