Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વાહન હટાવવા જેવી બાબતે થયેલો હુમલો હત્‍યામાં પલ્‍ટાયોઃ કણકોટ વાલ્‍વમેન જેન્‍તીભાઇનું મોતઃ ત્રણ આરોપી જેલમાં

કોળી પરિવારના જેન્‍તીભાઇ જંજવાડીયા પર શનિવારે પાણીના વાલ્‍વ ખોલવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં રાખેલા વાહન દૂર લેવાનું કહેતાં મનસુખ ઉર્ફ નકો, તેનો ભત્રીજો વિક્રમ, ચાની હોટલવાળો ચોટીયો ભૈયો અને એક સગીરે ધોકાવાળી કરી હતીઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્‍પાંતઃ એક આરોપી અગાઉ દારૂમાં પકડાયો હતો

રાજકોટ તા. ૬: શહેરના કાલાવડ રોડ કણકોટ ગામમાં રહેતાં અને પચ્‍ચીસ વર્ષથી કણકોટ પંચાયતના પાણીના વાલ્‍વ ખોલવાનું કામ કરતાં કોળી પ્રોૈઢ ગયા શનિવારે સાંજે મોટરસાઇકલ હંકારી પાણીના વાલ્‍વ ખોલવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં પડેલા વાહન દૂર લેવાનું કહેવાતાં એક શખ્‍સે ઝઘડો કર્યા બાદ બીજા ત્રણને બોલાવી ધોકાવાળી કરતાં આ પ્રોૈઢની ગરદન ભાંગી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી અમદાવાદ ખસેડાયા હતાં. ફરી ગઇકાલે રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ મોડી રાતે મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરિણમતાં કોળી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આ મામલે અગાઉ ગુનો નોંધાયો હોઇ તાલુકા પોલીસે ત્રણ મુખ્‍ય આરોપીઓને પકડી લીધા હતાં. જે હાલ જેલહવાલે છે. એક બાળ આરોપીને પકડવાનો બાકી છે. મુખ્‍ય આરોપી અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યાનું પોલીસનું કહેવું છે.

આ બનાવમાં તાલુકા પોલીસે જે તે વખતે કણકોટ ગામમાં રહેતાં જેન્‍તીભાઇ રાઘવભાઇ જંજવાડીયા (કોળી) (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી ચોટીયો ભૈયો, મહેશ, વિક્રમ અને નકો નામના શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો હતો. જેન્‍તીભાઇ કણકોટ અને કૃષ્‍ણનગર ગામમાં પાણીના વાલ્‍વ ખોલવાનું કામ કરતાં હતાં. આશરે પચ્‍ચીસ વર્ષથી તેઓ કણકોટ ગ્રામ પંચાયતનું પાણી પુરવઠાનું કામ કરતાં હતાં.

તેમણે પોલીસને જણાવ્‍યું હતુ કે તેઓ તા. ૧ના શનિવારે રાતે મોટરસાઇકલ હંકારીને પાણીનો વાલ્‍વ ફેરવવાનો સમય હોઇ ગામમાં જતો હતો ત્‍યારે ગામમાં જ રહેતાં નકાના ઘર પાસે પહોંચતા ત્‍યાં રસ્‍તા પર વાહન આડે પડયા હોઇ જેથી તેમણેં નકાને વાહનો થોડા સાઇડમાં લઇ લ્‍યે તો પોતે નીકળી શકે તેમ કહેતાં નકાએ અહિથી વાહન નહિ હટે તેમ કહી ઝઘડો કરી ગાળો દીધી હતી. ઝઘડો થતાં પોતે પોતાનું વાહન મુકી ત્‍યાંથી ભાગી ગયા હતાં.

આ પછી નકો, તેની સાથે વિક્‍મ, નકાનો દિકરો મહેશ અને કણકોટ પાસે રાધે હોટલ ધરાવતો ચોટીયો ભૈયો  પાછળ આવ્‍યા હતા અને ધોકાથી હુમલો કરી વાંસા તથા ગરદનમાં ઘા ફટકારતાં તેઓ (જેન્‍તીભાઇ) પડી ગયા હતાં. તેમને બેફામ ઢીકાપાટુ પણ મારવામાં આવ્‍યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. ત્‍યારબાદ તેમના દિકરા સુનિલભાઇએ તેમને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. વાહન રસ્‍તામાંથી સાઇડમાં લેવાનું કહેતાં આ હુમલો થયો હતો. ડોક્‍ટરે નિદાન કરતાં મને ગરદનના પાછળના ભાગે ફ્રેકચર થઇ ગયાની ખબર પડી હતી. ઓપરેશન માટે અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતાં. ઓપરેશન બાદ ફરીથી ગઇકાલે તેમને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ મોડી રાતે મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો.

હત્‍યાનો ભોગ બનેલા જેન્‍તીભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમના નાના ભાઇનું નામ પાંચાભાઇ તથા બહેનોના નામ કુસુમબેન અને વિજુબેન છે. સંતાનમાં ત્રણ પુત્ર સુનિલભાઇ, રાહુલ અને પુત્રી હેતાબેન છે. પત્‍નિનું નામ મધુબેન છે. જેન્‍તીભાઇના પિતા હયાત નથી. માતાનું નામ ધમીબેન છે. હત્‍યાના આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

તાલુકા પીઆઇ એમ.આર. ગોંડલીયા અને પીએઅસાઇ એચ. વી. સોમૈયા તથા હેડકોન્‍સ. કિરીટભાઇ રામવત સહિતની ટીમે અગાઉ ત્રણ આરોપી મનસુખ ઉર્ફ નકો કાનજીભાઇ ફતેપરા (ઉ.૩૮), વિક્રમ પરષોત્તમ ફતેપરા (ઉ.૨૩) તથા ચાની હોટલ ધરાવતો પ્રસન્‍ન ઉર્ફ ચોટીયો ફકીરભાઇ નાયક (ઉ.૨૩) નામના ભૈયાને પકડી લીધા હતાં. આ ત્રણેય જેલહવાલે છે. ચોથો બાળ આરોપી હોઇ તેની ધરપકડ બાકી છે.

 

કણકોટના રસ્‍તે દારૂડીઓના અડ્ડાઃ પોલીસ આકરી બને તેવી માંગણી

કણકોટના રસ્‍તે દારૂડીઓના અડ્ડા જામતાં હોવાની ગામલોકોમાં ફરીયાદો ઉઠી છે. પોલીસ અવાર-નવાર પેટ્રોલીંગ કરે છે પરંતુ અમુક છાપેલા કાટલા નજરે ચડતાં ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે ગાંધીનગર સુધી રજૂઆતો થાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. હત્‍યામાં સામેલ મનસુખ ઉર્ફ નકો પણ અગાઉ દારૂમાં પકડાયો હોવાનું કહેવાય છે. જ્‍યારે બીજો આરોપી વિક્રમ તેનો સગો ભત્રીજો છે. જ્‍યારે ત્રીજો ભૈયો આ બંનેનો મિત્ર છે. ત્રણેય મુખ્‍ય આરોપી જેલહવાલે થઇ ગયા હોઇ પોલીસે હત્‍યાની કલમનો ઉમેરો કર્યો છે.

(11:56 am IST)