Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કોલમીસ્ટ લેખક - જાણીતા વકતા જય વસાવડાનો આજે જન્મદિન : સફળ જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશ

૧૧૦૦ થી વધુ લેખ તેમજ ૧૫ જેટલા પુસ્તકો લખ્યા અને ૨૮૦૦ થી વધુ પ્રવચનો આપ્યા

રાજકોટઃ ગુજરાતી સાપ્તાહિકો, અખબારો, મેગેઝીનોમાં છેલ્લા ૨૫ વર્ષથી રસપ્રદ જ્ઞાનવાહી વિષયના ઉંડાણ સાથેના લેખો લખી વાંચકોને જકડી રાખતા વકતા જય વસાવડાનો આજે જન્મ દિવસ છે. સફળતમ જીંદગીના ૫૦ માં વર્ષમાં પ્રવેશી રહેલ જય વસાવડાનો જન્મ ગોંડલમાં  થયો હતો. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતી ભાષાનાં નિવૃત પ્રાધ્યાપક છે, અને માતા જયશ્રી વસાવડા, અધ્યાપન મંદિર, જૂનાગઢનાં ગૃહમાતા હતાં. રાજકોટ કર્મભૂમિ અને જુનાગઢ સાથે અતુટ નાતો રહ્યો છે.

તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી વિદ્યામંદિર શાળા, ગોંડલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળથી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી. જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા.  રાજકોટની ભાલોડીયા કોલેજમાં બે વર્ષ લેકચરર તરીકે અને ત્રણ વર્ષ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી. તેઓ એકેડમિક સ્ટાફ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.

તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૃ થઇ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો, અનાવૃત અને સ્પેકટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. મિડ-ડેની મુંબઈ આવૃત્ત્િ। અને અનોખી, આરપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યુ છે. તેઓ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશકિતકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે. ૧૫ જેટલા પુસ્તકો લખ્યા અને ૨૮૦૦ થી વધુ પ્રવચનો આપ્યા.  ઘરમાં ૧૯૦૦૦ જેટલી બુકસ અને ૫૫૦૦ જેટલી સીડી-ડીવીડી વસાવી છે. ટી.વી. શોનું સંચાલન હોય કે એન્કરીંગ હોય કે પછી સંવાદ હોય તેમનું પરફોર્મન્સ બેસ્ટ હોય છે. ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટોક શો સંવાદનાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદ લેખન કર્યું છે. ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વકતવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં બીગ ૯૨.૭ એફ.એમ. પર રવિવારે સિનેમા સિઝલર્સમાં સેલિબ્રીટી આર.જે. તરીકે રજૂઆત કરી છે.  ગુજરાતી ચલચિત્ર બે યાર (૨૦૧૪) માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતુ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, યુ-ટયુબ પર ર લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. મો.૯૮૨૫૪ ૩૭૩૭૩ છે.

(12:24 pm IST)