Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વ્‍યાજખોરીઃ ૨૦ હજારની સામે ૧ લાખ દીધા છતાં વધુ માંગી ધમકીઃ દિપક ઝેર પી ગયો

કોઠારીયા રોડ મણીનગરનો બનાવઃ બે જણા ધમકી આપતાં હોવાનો આક્ષેપઃ અન્‍ય બનાવમાં ઇમિટેશનના ધંધાર્થી રત્‍નદિપે આર્થિક ભીંસને લીધે ઝેર પીધું

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટર મણીનગર-૩માં રહેતાં દિપક શૈલેષભાઇ ડોડીયા (ઉ.વ.૨૫) નામના લુહાર યુવાને વ્‍યાજખોરીમાં ફસાતાં અને ધમકી મળતાં ગભરાઇને મચ્‍છર મારવાનું લિક્‍વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

દિપક બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને બે વર્ષ પહેલા તેના લગ્ન  થયા છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે અગાઉ પૈસાની જરૂર પડતાં ટકો અને વિજુબેન પાસેથી વીસેક હજાર લીધા હતાં. તેની સામે કટકે કટકે એકાદ લાખ ચુકવી દીધા છે છતાં વધુ વ્‍યાજ માંગી હેરાન કરવામાં આવે છે. ગઇકાલે પણ ફોન કરીને જો વ્‍યાજ નહિ આપુ તો હાથ પગ ભાંગી નાંખશે તેવી ધમકી આપતાં પોતે ગભરાઇ જતાં ઝેરી પ્રવાહી પી લીધુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબી રોડ ગાંધી વસાહતમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં રત્‍નદિપ લક્ષમણભાઇ પરમાર (ઉ.૨૨) નામનો યુવાન ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો છે. આર્થિક ખેંચને કારણે કંટાળીને આ પગલુ ભર્યાનું તેણે જણાવ્‍યું હતું. પોલીસ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:29 pm IST)