Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જુના અને નવા માર્કેટયાર્ડમાં ઓચીંતી તપાસ કરતા ચેરમેન જયેશ બોઘરા

ખેડૂતો-વેપારીઓ સાથે અલગ-અલગ બેઠકઃ પ્રશ્નોની સમીક્ષા

રાજકોટના નવા અને જુના માર્કેટયાર્ડમાં નવા ચેરમેન જયેશ બોઘરાએ અણધારી તપાસ કરી ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો જાણેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૬: માર્કેટયાર્ડના નવનિયુકત ચેરમેન શ્રી જયેશ બોઘરાએ ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા જ અચાનક જ નવા માર્કેટિંગ યાર્ડ (બેડી) ખાતે સવારમાં ચેકીંગ કર્યું હતું. અને ખેડૂતોની જણસીની હરરાજી સમયે હાજર રહી ખેડૂતોની પડતી મુશ્કેલીઓ રૂબરૂ સાંભળી હતી અને ખેડૂતોની જણસીનો બગાડ ના થાય અને વેચેલો માલ વેપારીઓ ઝડપથી ઉપાડી લે તેવી સુચના આપી હતી.

બીજા દિવસે જુના માર્કેટિંગ યાર્ડમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું. વિઝીટ દરમિયાન હરરાજીનું નિરીક્ષણ તેમજ ખેડૂતોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા તથા વિવિધ મહત્વની બાબતો અંગે ચકાસણી કરી હતી. તેમજ યાર્ડની અંદર સ્વચ્છતા અંગે નિયમિત સાફસફાઇ કરવા અંગે તેમજ વાહન પાર્કિંગ અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ યાર્ડના વિવિધ પ્રશ્નો નિરાકરણ કરવા સ્થળ પર જ સૂચના આપી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ સાથે બેઠક કરી યાર્ડમાં આવતા ખેડૂતો તેમજ વેપારીઓને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તેવી સમીક્ષા કરેલ.

(11:37 am IST)