Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ યાર્ડમાં મગફળીની જંગી આવકો માટે વધુ જગ્યા ફાળવાશે

ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો જાણવા માટે નવનિયુકત ચેરમેન જયેશ બોઘરા દરરોજ ૮ના ટકોરે યાર્ડે પહોેંચી જાય છેઃ રાજકોટ યાર્ડને સૌરાષ્ટ્રનું પ્રથમ હરોળનું યાર્ડ બનાવવા નેમ : મગફળીની ૫ લાખ ગુણીની આવકો સુધીની ક્ષમતા માટે વિચારણા : ખેડૂતોને હેરાનગતિ ન રહે તે માટે આવતી સીઝનથી જગ્યા ફાળવી દેવાશેઃ નવનિયુકત ચેરમેન જયેશ બોઘરા

નવનિયુકત ચેરમેન જયેશ બોઘરા હરરાજીમાં ખેડૂતો અને વેપારીઓ સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ૬ :. રાજકોટ માર્કેટયાર્ડમાં નવા યુવા સુકાનીઓની નિમણૂક થયા બાદ રાજકોટ યાર્ડને સૌરાષ્ટ્રમાં પ્રથમ હરોળની પંકિતમાં લઈ જવા નિર્ધાર કર્યો હોય તેમ નવનિયુકત ચેરમેન જયેશ બોઘરાએ આવતી સીઝનમાં ખેડૂતો હેરાન ન થાય તે માટે મગફળીની ૫ લાખ ગુણીની આવકની ક્ષમતા માટે વધુ જગ્યા ફાળવવા વિચારણા ચાલી રહ્યાનું જણાવ્યુ હતું.

યાર્ડના નવનિયુકત ચેરમેન જયેશ બોઘરાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ યાર્ડમાં હાલમાં મગફળીની ૮૦થી ૧ લાખ ગુણીની આવકો થતાની સાથે જ મગફળીની આવકો બંધ કરવી પડે છે. ખેડૂતોને મગફળીનો જથ્થો વેચવા માટે ૮ દિ' સુધી રાહ જોવી પડે છે અને લાંબી કતારોમાં ઉભુ રહેવુ પડે છે. આ સમસ્યાના નિવારણ માટે નવનિયુકત બોડી મગફળીની હરરાજી માટે વધુ જગ્યા એટલે કે પ્લેટફોર્મ ફાળવવા વિચારણા કરી રહી છે.

ચાલુ વર્ષે હાલમાં મગફળીની સીઝન અંતિમ તબક્કામાં છે પણ આવતા વર્ષે ખેડૂતોને હેરાનગતિ ન થાય તે માટે મગફળીની હરરાજી માટે યાર્ડમાં વધુ જગ્યા ફાળવવામાં આવશે. એકી સાથે ૫ લાખ મગફળીની ગુણી સમાઈ શકે તેટલી જગ્યા ફાળવવા વિચારણા હેઠળ છે. હાલમાં રાજકોટ યાર્ડમાં દૈનિક ૧૫ થી ૨૦ હજાર મગફળીની ગુણીના સોદા થાય છે. આવતી સીઝનમાં મગફળીની જંગી આવક સાથે વેપારીઓ પણ મોટી સંખ્યામાં રાજકોટ યાર્ડમાં આવે અને ઝડપથી ખેડૂતોના માલનું વેચાણ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવા વિચારણા થઈ રહી છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ યાર્ડના ચેરમેન પદે એડવોકેટ જયેશ બોઘરાની નિયુકિત થયા બાદ રોજ સવારે ૮ ના ટકોરે યાર્ડે પહોંચી જાય છે. યાર્ડે પહોંચ્યા બાદ ચેરમેન જયેશ બોઘરા યાર્ડના વિવિધ જણસીઓની થતી હરરાજીમાં જોડાય ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો જાણે છે અને તેઓના પ્રશ્નો હલ કરે છે.

(3:38 pm IST)