Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

યુવા ક્રિકેટર ધર્મેશે દાખવેલ હિમ્મતે બસમાં બેઠેલા ૨૫ મુસાફરોના જીવ બચાવી લીધા

ધારીથી ખાંભા જઇ રહેલ બસમાં આગળનો કાચ તુટતા ડ્રાઇવર - કંડકટર જોવા નીચે ઉતર્યાને બસ દોડવા લાગી : ધર્મેશ હડીયાએ જમ્પ મારી બ્રેક કંટ્રોલ કરતા સૌના જીવ હેઠા બેઠા

રાજકોટ તા. ૬ : હજુ એક સપ્તાહ પહેલાની વાત છે. ગત ૨૯ નવેમ્બરના ધારીથી ખાંભા જઇ રહેલ બસમાં ૨૫ થી ૩૦ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. યુવા ક્રિકેટર ધર્મેશ હડીયા (આહીર) દ્વારા દાખવાયેલ સમયસુચકતા અને ગજબની હિંમતના કારણે તમામના જીવ બચી ગયા હતા.

આ આખી ઘટનાની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા ધર્મેશ અને તેમના ક્રિકેટના કોચ યુસુફભાઇ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે ગત તા. ૨૯ નવેમ્બરના ધારીથી ખાંભા જઇ રહેલી બસનો આગળનો કાચ ઘડકાભેર તુટી પડયો હતો. શું બન્યુ તે જોવા ડ્રાઇવરે બસ થોભાવી હતી. ડ્રાઇવર કંન્ડકટર નીચે ઉતર્યા અને કાચ કઇ રીતે તુટયો, આ શું બન્યુ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તો ઢાળવાળો હોવાથી બસ ધીરે ધીરે ઢાળ ઉપરથી રળવા લાગી. ડ્રાઇવર દોડીને બસમાં પોતાની સીટ ઉપર સ્થાન લ્યે તે પહેલા તો બસે વધુ ગતિ પકડી લીધી. ડ્રાઇવરે બસમાં સ્થાન લેવા પ્રયત્નો કર્યા પણ તેઓ નીચે જ રહી ગયા અને બસ આગળ દોડવા લાગી. અંદર બેસેલા તમામ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા.

આ સમયે ધર્મેશે જમ્પ મારી ડ્રાઇવીંગ સીટ પર સ્થાન લઇ લીધુ હતુ. ડ્રાઇવીંગનો કોઇ અનુભવ ન હતો, પણ બ્રેક, કલચ વિષે થોડી ઘણી જાણકારી હતી. એટલે તુરંત બ્રેક લગાવી દેતા બસ ઉભી રહી ગઇ હતી. આમ ધર્મેશે દાખવેલ સમયસુચકતાથી બસમાં બેઠેલા ૨૫ થી ૩૦ મુસાફરોનો જીવ બચી ગયો હતો.

રાજકોટમાં ક્રિકેટ કોચીંગ કલાસ ધરાવતા યુસુફભાઇ બાંભણીયાએ જણાવેલ કે અમારે ત્યાં ક્રિકેટની સાથે મોટીવેશન અને શિસ્તની તાલીમ પણ આપવામાં આવે છે. જેની અસર ધર્મેશ ઉપર થઇ હોઇ શકે. ધર્મેશ આમ તો મુળ ખાંભા તાલુકાના ધાવડીયા ગામનો છે. પરંતુ છેલ્લા આઠ દસ વર્ષથી રાજકોટમાં ક્રિકેટની તાલીમ લઇ રહ્યો છે. ક્રિકેટમાં પણ તેનો દેખાવ ખુબ સારો છે. ઇન્ટર ડીસ્ટ્રીકટ રમે છે.

ધર્મેશ હડીયા (મો.૯૪૦૯૪ ૯૫૫૮૯) એ દાખવેલ આ હિંમ્મત બદલ તેને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

તસ્વીરમાં ધર્મેશ હડીયા (આહીર) અને વાય બી સ્પોર્ટસવાળા ક્રિકેટ કોચ યુસુફ બાંભણીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:48 pm IST)