Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ માર્કેટયાર્ડ ફરી મગફળીની આવકોથી છલોછલઃ ૧.૪૦ લાખ ગુણીની વિક્રમજનક આવક

મગફળીની પુષ્કળ આવકો છતા ભાવો સ્થિરઃ મગફળીની પુષ્કળ આવકો છતા સીંગતેલના ભાવો કેમ વધે છે ? લોકોમાં પૂછાતો પ્રશ્ન જીરૂમાં તેજીનો કરંટઃ મણે ૧૦૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા. ૬ :. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા જ ફરી મગફળીના જથ્થાથી યાર્ડ છલોછલ થઈ ગયુ હતું. આજે મગફળીની ૧.૪૦ લાખ ગુણીની વિક્રમજનક આવક થઈ હતી. ચાલુ સિઝનમાં આજે સૌથી વધારે આવક થઈ હતી.

માર્કેટયાર્ડમાં ગઈકાલે મગફળીની આવકો શરૂ કરાતા જ ગણતરીના કલાકોમાં જ માર્કેટયાર્ડ મગફળીના જથ્થાથી છલોછલ થઈ ગયુ હતું. યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યા મુજબ આજે રાજકોટ યાર્ડમાં મગફળીની ૧.૪૦ લાખ ગુણીની વિક્રમજનક આવક થઈ હતી. સીઝનમાં આજે પ્રથમવાર મગફળીની વિક્રમજનક આવક થઈ હતી. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાઈ છે.

મગફળીની પુષ્કળ આવકો છતા મગફળીના ભાવ સ્થિર રહ્યા હતા. મગફળી ઝીણી એક મણના ભાવ ૯૨૫ થી ૧૧૭૨ રૂ.ના ભાવે સોદા પડયા હતા. મગફળી જાડી એક મણના ૯૫૦થી ૧૧૬૨ રૂ. ભાવ હતા. રાજકોટ યાર્ડમાં દૈનિક ૧૫થી ૨૦ હજાર મગફળીની ગુણીના સોદા થાય છે. મગફળીની પુષ્કળ આવકો છતા સીંગતેલના ભાવો કેમ વધતા જાય છે ? તેવોે પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. સીંગતેલમાં સટ્ટાખોરી સામે રાજ્ય સરકાર અસરકારક પગલા ભરે તેવી લોકોમાં લાગણી પ્રવર્તે છે.

દરમિયાન આજે જીરૂના ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યા હતો. જીરૂમાં મણે ૧૦૦ રૂ.નો ઉછાળો થયો હતો. જીરૂ એક મણના ભાવ ૧૫૦૦થી ૨૮૦૦ના ભાવે સોદા પડયા હતા.

(12:59 pm IST)