Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોન કેસ આવે તો શું કરવું ? અધિકારીઓ સાથે બેઠક યોજતા રામભાઇ મોકરીયા : સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ

વિદેશથી આવતા કોઇપણ વ્યકિતના ચેકીંગમાં કચાસ ન રહે, હોસ્પિટલમાં બેડ અને ઓકસીજનની અછત ન સર્જાય તે માટે સુચના : કેન્દ્ર સરકાર સાથે સતત કોર્ડીનેશનમાં રહીશ : રાજય સરકારના સાંસદ

રાજકોટ, તા. ૬ : રાજકોટના સર્કિટ હાઉસમાં ગઇકાલે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાની અધિકારીઓ સાથે ઓમિક્રોનને લઇ બેઠક યોજાઇ હતી.

ઓમિક્રોનને લઇને ગઇકાલેે સર્કિટ હાઉસ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, કલેકટર  અરૃણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશનર શ્રી અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ હતી.

રામભાઈ મોકરીયાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટને લઇને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ. કાલે મનપા કમિશનર, કલેકટર અને આરોગ્ય વિભાગ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી અને તબીબો સાથે ચર્ચા કરી હતી.

કોરોનાની બીજી લહેરની માફક મુશ્કેલી ઊભી ન થાય તે માટે તબીબો સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. જામનગરમાં ઓમિક્રોનનો કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્રનો આ પ્રથમ કેસ છે.

હવે પછી વિદેશથી આવનાર કોઇ પણ વ્યકિતના ચેકિંગમાં કોઇ કચાશ ન રહે. હોસ્પિટલમાં બેડ, ઓકિસજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવશે. દર્દીને કંઇ રીતે ઉપયોગી થવાય, ડોકટર કે નર્સને જે વસ્તુની જરૃરિયાત હોય તે માટે હું કેન્દ્ર સરકાર સાથે સતત કોર્ડિનેશનમાં રહીશ તે અંતમાં રામભાઇ મોકરીયાએ જણાવ્યંુ હતું.

(1:52 pm IST)