Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બાલભવનમાં કથ્થક વર્કશોપઃ પદ્મ શ્રી ડો.પુરૂષોતમ દાધીચનું સન્માન

વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, મેયર પ્રદિપ ડવની ઉપસ્થિતિઃ નૃત્યવિદોનું પણ સાલ ઓઢાડી સન્માન કરાયા

રાજકોટઃ બાલભવનનાં આંગણે પદ્મશ્રી ડો.પૂરૂષોત્તમ દાધીચ તથા ડો.વિભા દાધીચ (ઈન્દોર) દ્વારા તા.૨૯ અને ૩૦ નવેમ્બર બે દિવસ કથક નૃત્યનાં વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં રાજકોટનાં કથક રસીકોએ ભાગ લીધો તેમજ કથક વિદ્દ પદ્મશ્રી ડો.પૂરૂષોતમ દાધીચા (પૂરૂદાધીચ) તથા ડો.વિભા દાધીચ પાસેથી કથક વિષેની પ્રાચિનતમ- દુર્લભ માહિતી મેળવી હતી. બે દિવસનાં આ વિશિષ્ટ વર્કશોપ બાદ ઉપરોકત બન્ને નૃત્યવિદોનો સન્માન સમારોહ યોજાયેલ.

કર્ણાટકનાં પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા (રાજકોટ), પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મેયર પ્રદિપભાઈ ડવ સાથે ઈન્દુભાઈ વોરા તથા બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઈ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા બન્ને નૃત્યવિદોને શાલ ઓઢાડી, નૃત્ય વારિધી (નૃત્ય સાગર)ની ઉપાધી એનાયત કરવામાં આવી. સન્માન સમારોહ બાદ ઉપરોકત બન્ને ગુરૂ મહાનતમનાં શિષ્યો સુનિલ સુંકરા- મુંબઈ, આભા વાંબુરકર- પુના, વેદાંગી દાંડેકર- ગાંધીનગર, વર્ષા કોહલકર- થાણેની કથક નૃત્યની અવિસ્મરણિય કૃતિઓને લ્હાવો રાજકોટનાં કથક જગતની સાથે ઉપસ્થિત સર્વેએ પણ માણ્યો. કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસે કરેલ.

(2:56 pm IST)