Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

દોઢ મહિનામાં ૩૭ હજાર ફરિયાદો : મોટાભાગના ફિડબેક ફાઇવસ્ટાર

મ.ન.પા.ની અત્યાધુનિક ફીડબેક - O.T.P. ફરિયાદ નિકાલ વ્યવસ્થાને જબ્બર પ્રતિસાદ : ડ્રેનેજની ૨૧ હજાર, લાઇટની ૭ હજાર, સફાઇ અંગેની ૫ હજાર, પાણીની ૩ હજાર ફરિયાદો ઓનલાઇન નોંધાઇ જેમાંથી ૮૦%નો નિકાલ થઇ જતાં નાગરિકો સંતુષ્ટ : સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલનો દાવો

રાજકોટ તા. ૬ : શહેરીજનો રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો લગત ફરિયાદો સહેલાઈથી નોંધાવી શકે તથા તેનો ઉકેલ યોગ્ય રીતે આવી શકે તેની લોકોને અને તંત્રને સરળતાથી જાણકારી મળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૧૯૭૩ની શરૂઆત કરવામાં આવેલી છે.

આ અંગે લોકોનો પ્રતિભાવ તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ જણાવે છે કે, તા.૨૩ સપ્ટેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ, ફૂડ, રોશની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર વર્કસ તથા અન્ય શાખાઓની કુલ મળીને ૩૭,૭૦૯ જેટલી ફરિયાદો આવેલ છે. જેમાં ડ્રેનેજ સબંધિત ૨૧,૫૨૧, રોશની સબંધિત ૬,૯૪૭, સફાઈ સંબધિત ૫,૭૮૨, પાણી પુરવઠા સબંધિત ૩,૪૦૮ મુખ્ય ફરિયાદો આવેલ છે. આ ફરિયાદો પૈકી ૩૬,૭૪૯ જેટલી એટલે કે, ૯૭.૪૫% ફરિયાદોનો નિકાલ થયેલ છે. નિકાલ થયેલ ફરિયાદો પૈકી ૨૫,૧૫૦ એટલે કે, અંદાજે ૬૮.૪૪% થી વધુ ફરિયાદો ઓ.ટી.પી. સહીત ઉકેલાઈ છે.

જયારે આશરે ૫,૨૨૦ ફરિયાદો ઓ.ટી.પી. વગર ઉકેલાઈ છે. જેમાં ફરિયાદીનો સંપર્ક ન થઇ શકયો હોય પરંતુ ઉપલી અધિકારીએ આ અંગે ખરાઈ કરતા ફરિયાદ મુજબ કામ થઇ ગયેલ હોય ત્યારે તે સોલ્વ થઇ ગયેલ હોવાનું નોંધવામાં આવે છે. આ ઉપરાંત આશરે ૬,૩૭૯ ફરિયાદો એવી છે કે જેને ઉકેલવા માટે સરકારશ્રીના ટેલીકોમ, વિદ્યુત બોર્ડ, રેલ્વે જેવા અન્ય વિભાગોનો સહયોગ લેવો જણાયેલ હોય ત્યારે તે વિભાગનો સંપર્ક કરી, ફરિયાદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરીજનોની ફરિયાદના ઉકેલની કામગીરી સંતોષજનક છે કે કેમ તે વિગતો મેળવવા માટે તા.૧૮ ઓગસ્ટથી સ્ટાર રેટિંગ આધારિત 'સીટીઝન ફીડબેક સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરિયાદીને ૩ પ્રશ્નો પૂછવામાં આવે છે. ૧) આપની ફરિયાદ અન્વયે કરવામાં આવેલ કામની ગુણવતા જણાવો ૨) ફરિયાદ સમયે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફના વર્તન વિષે જણાવો ૩) ફરિયાદ નિકાલ માટે લાગેલ સમય અંગે આપનો શુ અભિપ્રાય છે?

શહેરીજન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ પરત્વે ખુબ જ સારો અભિપ્રાય આપવામાં આવે તો ૫ સ્ટાર રેટિંગ આપવામાં આવે છે તથા ખુબ જ નબળો અભિપ્રાય આપવામાં આવે તો ૧ સ્ટાર રેટિંગ આપવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નોતરી અંતર્ગત અંદાજે ૧૨,૧૮૦ શહેરીજનોનો 'ફીડબેક' મેળવવામાં આવેલ છે. જે ફીડબેક પૈકી ૪,૮૪૮(૩૯.૮૦%) ફીડબેકને ૫ સ્ટાર રેટિંગ, ૨,૩૦૪(૧૮.૯૧%) ફીડબેકને ૪ સ્ટાર રેટિંગ, ૧,૦૨૪(૮.૦૪%) ફીડબેકને ૩ સ્ટાર રેટિંગ, ૯૧૨ ફીડબેકને ૨ સ્ટાર રેટિંગ, ૪૭૮ ફીડબેકને ૧ સ્ટાર રેટિંગ આપવામાં આવેલ છે.

ઉપરોકત વિગતે, કુલ ૧૨,૧૮૦ ફીડબેક પૈકી ૮,૧૭૬ ફીડબેક ૩ સ્ટાર કે તેથી ઉંચા રેટિંગ ધરાવે છે જે જોતા, ૬૭.૧૧% ફિડબેકમાં શહેરીજનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓથી સંતુષ્ટ હોવાનું માલુમ પડેલ છે.

(3:12 pm IST)