Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ જીલ્લાની ૫૪૬ ગ્રામ પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીમાં ૮ હજારનો પોલીંગ સ્ટાફઃ ૧૨૦૦થી વધુ મતદાન મથકો

૨૮૬થી વધુ અધિકારીઓ મૂકાયા : ૩૧૫૦થી વધુ મતપેટીઃ ૪ લાખ ૫૫ હજાર પુરૂષ અને ૪ લાખ ૯ હજારથી વધુ સ્ત્રી મતદારો આજે ફોર્મ ચકાસણીઃ દરેક સ્થળે ગ્રામજનો-કાર્યકરોના જબરા ટોળા

રાજકોટ, તા. ૬ :. રાજકોટ જીલ્લાની ૫૪૬ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી ૧૯મી ડીસેમ્બરે યોજાનાર છે. આજે દરેક તાલુકાના ગ્રામ્ય-ક્ષેત્રમાં અને તાલુકા મથકે ફોર્મ ચકાસણી ચાલી રહી છે. દરેક સ્થળે ગ્રામજનો, ટેકેદારો, ઉમેદવારો, કાર્યકરોના જબરા ટોળા જામ્યા છે.

દરમિયાન ચૂંટણી તંત્ર પણ ભારે તૈયારી કરી રહ્યુ છે. ૧૪૩-ચૂંટણી અધિકારી તો ૧૪૩ મદદનિશ ચૂંટણી અધિકારીના ઓર્ડરો થયા છે. આ ઉપરાંત ૭૫૭૩ પ્લસ ૧૦ ટકા રીઝર્વ સહિત ૭૮૫૯ જેટલા વિવિધ કચેરીના સ્ટાફના ઓર્ડરો કરાયા છે.

કુલ ૫૪૬ જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીમાં ૫૪૨-સરપંચ તો ૪૫૯૭ વોર્ડ સભ્યો મેદાને જંગમાં છે. કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ - કાલે બપોરે ૩ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે. કુલ ૧૨૦૩ મતદાન મથકો તો ૩૧૫૩ મતપેટીની જરૂરીયાત રહેશે. આ ચૂંટણીમાં ૪ લાખ ૫૫ હજાર ૭૫૨ પુરૂષ તો ૪ લાખ ૯ હજાર ૬૮૫ સ્ત્રી મતદારો સહિત કુલ ૮ લાખ ૬૫ હજારથી વધુ મતદારો પોતાના મતદાધિકારનો ઉપયોગ કરશે.

(3:13 pm IST)