Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રેલ્વેએ ખેતીની જમીન ખાનગીકરણને સોંપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ : ધોકો પછાડયોઃ અમારી જમીન પરત આપો...

કુલ ૩પ૦ એકરથી વધુ જમીનઃ ૬૪ વર્ષથી જમીનનો ઉપયોગ કર્યો નથીઃ નિયમ ૧૦ વર્ષનો છે... : કલેકટર તથા DRM ને રજૂઆતઃ ન્યાય નહિં મળે તો ઉપવાસ-આત્મવિલોપનની ચેતવણી

રાજકોટ તા. ૬: ખેડૂત સમિતિ-રાજકોટના આગેવાનોએ કલેકટર તથા રેલ્વેના DRM ને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે, અમો તમામ ખાતેદાર ખેડુતો છીએ અને સને ૧૯પ૭ ની સાલમાં અમારી અલગ-અલગ સર્વે નંબરોનીખ ેતીની જમીનો (૧) લોકો શેડ (ર) લોકો કોલોની તથા સ્ટાફ કવાર્ટર માટે એકવાયર કરવામાં આવેલ છે.

અમારા જાણવા મુજબ અમારી ખેતીની જમીનો ઇમરજન્સી જમીન સંપાદનના કાયદા હેઠળ એકવાયર કરવામાં આવેલ છેઅને જમીન જે હેતુઓ માટે સંપાદન કરવામાં આવેલ છે. તે જમીનનો ઉપયોગ ૧૦ વર્ષમાં કરવાનો હોય અને જો ૧૦ વર્ષમાં જે તે હેતુ માટે ઉપયોગ કરવામાં ન આવે તો મુળ ખેડૂતને ખેતી માટે પરત સોંપી દેવી જોઇએ. પરંતુ ૧૯પ૭ ની સાલથી આજ દિવસ સુધી અમારી ખેતીની જમીનનો ઉપયોગ રેલ્વે દ્વારા કરવામાં આવેલ નથી આ કારણે ઘણા ખરા  ખેડુતો દ્વારા હાઇકોર્ટમાં તેમજ નીચલી કોર્ટમાં પીટીશન કરેલ છે. જેથીલ આ ખેતીની જમીનો જે તે તમામ ખેડુતોને પરત સોંપી આપવા અમારી વિનંતી છે. તાજેતરમાં રાજકોટથી પ્રસિધ્ધ થતાં અમુક અખબારો મારફત અમોને જાણવા મળેલ છે કે અમારી સંપાદીત થયેલ ખેતીની જમીનો માટે રેલ્વે તંત્રએ વિકાસ માટે ખાનગીકરણનો માર્ગ અપનાવ્યો છે. અને આર.એલ.ડી. ઓથોરીટીએ જામનગર રોડ પર ૩ર૬૬પ૪૭ વર્ગ મીટર જમીન લીઝ પર આપવાની બીડ મંગાવેલ છે. ઉપર મુજબની હકીકત અખબારમાં વાંચતા અમોને દુઃખદ આશ્ચર્ય અને આઘાત લાગે છે. કારણ કે અમારી મૂળ ખેડુતોની ખેતીની જમીન રેલ્વે તંત્રને આ આવેદનપત્રથી સ્પષ્ટ જણાવીએ છીએ કે તાત્કાલીક અસરથી આવી કોઇ કાર્યવાહી હાથ ધરેલ હોય તો અટકી જશો. અમો તમામને અમારી વડીલોપાર્જીત ખેતીની જમીન પરત કરશો અન્યથા અમો તમામને રેલ્વે કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવા ફરજ પડશે અને જો અમોને ન્યાય નહીં મળે તો અમો તમામ ખેડુતો અમારા પરિવાર સાથે રેલ્વે કચેરી સામે આત્મવિલોપન કરશું. આ બાબતની સંપુર્ણ જવાબદારી સરકારની અને રેલ્વે તંત્રની રહેશે. આવેદન દેવામાં અગ્રણીઓ ચંદુભાઇ પરસાણા, અરવિંદભાઇ બારૈયા, તળસીભાઇ નાથાણી, તુષારભાઇ નાથાણી વગેરે જોડાયા હતા.

(3:13 pm IST)