Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

હનીટ્રેપમાં ફસાવી ૧ા કરોડ ખંખેરવા કારસોઃ રાજકોટની જાગૃત પોલીસ એકશનમાં

લલનાના માધ્યમથી ગલગલીયા કરાવી ભાવનગરની વ્યકિતને રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ખાનગી માહોલમાં બોલાવી વિડીયો ઉતારી લખણ ઝળકાવ્યાઃ ભોગ બનનાર અને કળા કરનાર બંને રાજકોટ બહારનાઃ પોલીસે ઉંડી પુછતાછ આદરી

રાજકોટ તા. ૬: ફોન પર કે સોશિયલ મિડીયાના મારફતથી લલનાઓ અને માનુનીઓ દ્વારા મધલાળ ટપકાવતી લાલચો આપી અનેક વૃધ્ધો, પ્રોૈઢો અને યુવાનોને ફસાવી હજારો લાખો ખંખેરી લેવાયાના અનેક કિસ્સા અગાઉ બની ચુકયા છે. આ વચ્ચે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવી જ એક હનીટ્રેપમાં સંભવતઃ ભાવનગરના રહેવાસીને ફસાવીને અધધધ ૧ા કરોડ જેવી રકમની માંગણી કરવામાં આવ્યાનો કિસ્સો રાજકોટની સતર્ક પોલીસના ધ્યાનમાં આવતાં આ લખાય છે ત્યારે છાનાખુણે ઉંડી પુછતાછ થઇ રહી છે.

મળતી માહિતી મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર એક રેસ્ટોરન્ટમાં બોલાવી એક રૂમમાં ખાનગી માહોલ ઉભો કરી ભાવનગરના લલચાયેલા પુરૂષના વિડીયો કે ફોટો લઇ લેવાયા હતાં. ત્યારબાદ સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી નાણાકીયા સેટીગ કરવાના તોલમોલ શરૂ થયા હતાં. આ દરમિયાન ગાંધીગ્રામ પોલીસને ભનક આવી જતાં આ મામલે છેતરપીંડીબાજોને  સકંજામાં લેવા તજવીજ હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળે છે.

જો કે સત્તાવાર રીતે હજુ કોઇ વિગતો સાંપડતી નથી.

(3:37 pm IST)