Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જીવન એક જલ્સો છે, જલ્સો કરતા કરતા જીવનની સફર માણવી છે : પાર્થિવ ગોહિલ

ગાયક પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલના 'કચ્છના પ્રતિબિંબ' એવા નવા ટ્રેક 'રાજા ને રાણી'એ ધૂમ મચાવી છે :'રિફલેકશન ઓફ કચ્છ' દ્વારા બે કલાકની સાંગીતિક ફિલ્મથી કચ્છનો બારમાસી મીજાજ અદ્ભૂત રીતે દર્શાવ્યો છે : એક પણ કલાકારોએ એક પણ રૂપિયો લીધા વિના આ ફિલ્મમાં કામ કર્યુ છે :કચ્છના રણ, ભુંગામાં કચ્છના ગ્રામ્ય વિસ્તારને ઉજાગર કરતી આ ફિલ્મનું પાંચ કેમેરાઓથી ત્રણ જ દિવસમાં શુટીંગ પૂર્ણ કરાયું :વેલફેરના અભિગમ સાથે બનેલ આ અદ્ભૂત ફિલ્મનો ઉદ્દેશ કલાકારોને મદદ કરવાનો અને આવક વિવિધ ટ્રસ્ટને આપવાનો છે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અકિલાના મહેમાન બનેલા ગાયક પાર્થિવ ગોહિલ સાથે પારિવારીક મિત્ર નિર્મલભાઇ નથવાણી તેમજ આટકોટના અકિલાના પ્રતિનિધિ વિજયભાઇ વસાણી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

ગુજરાતી સંગીતને ગુજરાતના સીમાડાઓ વટાવી ભારત અને દેશ-વિદેશમાં પોતાના કંઠના કામણથી ગુંજતું અને ગાતું કરનાર ગુજરાત રત્ન એવા ગાયક પાર્થિવ ગોહિલ આજે અકિલાના મહેમાન બન્યા હતા. તાજેતરમાં જ પાર્થિવ ગોહિલ અને તેમના પત્નિ માનસી પારેખ ગોહિલે તેમના વિશિષ્ટ શો 'કચ્છના પ્રતિબિંબ' (રિફલેકશન ઓફ કચ્છ)ના ભાગરૂપે ગુજરાતી જલ્સોના યુ-ટયૂબ હેન્ડલ પર અપલોડ કરેલા તેમના નવા ટ્રેક 'રાજા ને રાણી' દ્વારા તેમના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

પાર્થિવ ગોહિલે 'રાજા ને રાણી' ટ્રેક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પહેલા લોકડાઉન પછી અમે કલાકારો ઓસમાણ મીર, સાંઇરામ, કિર્તીદાન ગઢવી વગેરેએ ફોન પર વાત કરેલી કે પ્રોગ્રામ થતાં નથી. અમે લોકો ભમવાના જીવો એટલે નક્કી કર્યું કે, રોડ ટ્રીપ કરીએ. આપણે નાના કલાકારોને મળીએ, જેની પરિસ્થિતિ બહુ ખરાબ છે તેને આપણે મદદ કરીએ જેને કેમેરામાં કેદ કરી કોનટેન્ટ બને તેવા પ્રોજેકટ શરૂ કરેલું. કલાકાર કસબીઓને કેમેરામાં કેદ કરી કોનટેન્ટ ઉભું કરી ફંડ ઉભું કરી તેમને સહાય કરવાનું નક્કી કર્યું ત્યારે ટુરીઝમ ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી બે કલાકની સાંગીતિક ફિલ્મ બની જેને નામ અપાયું 'રીફલેકશન ઓફ કચ્છ'. કચ્છ અને તેના કલ્ચરનો આભલાનો મહિમા બે કલાકની ફિલ્મમાં દર્શાવાયો છે. જેમાં ૧૫ કલાકારો અને ૧૫૦થી વધુનાં કાફલાએ ખૂબ મહેનત કરી છે.

ગાયક પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલે તેમના વિશિષ્ટ શો 'કચ્છના પ્રતિબિંબ'ના ભાગ રૂપે ગુજરાતી જલસોના યુટ્યુબ હેન્ડલ પર અપલોડ કરેલા તેમના નવા ટ્રેક 'રાજા ને રાણી' દ્વારા તેમના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

રિફલેકશન્સ ઓફ કચ્છ એ કચ્છની મ્યુઝિકલ સફર અને તેની અસંખ્ય તકો છે અને તમને તમારા મનપસંદ અને ટોચના કલાકારો અને સંગીત અને ફિલ્મ ફ્રેટરનિટીના કલાકારો અભિનિત સંગીતના આનંદનો અપ્રતિમ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. રિફલેકશન્સ ઓફ કચ્છ એ એક મ્યુઝિક ફેસ્ટ છે જેનું આયોજન કચ્છના સફેદ રણમાં રંગબેરંગી અને હૃદયસ્પર્શી મ્યુઝિકલ પર્ફોર્મન્સ અને ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સાહિત્યની અન્ય ઘોંઘાટને રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. આ શોને ઈલેકટ્રીફાઈંગ એનર્જી સાથે તૈયાર કરવામાં આવ્યો છે જે તમારા હૃદયને હળવાશથી સ્પર્શી જશે અને ગુજરાતી સંસ્કૃતિના સમૃદ્ઘ અને મોહક નિરૂપણથી પ્રેક્ષકોને આકર્ષિત કરશે. મ્યુઝિક ટ્રેક રાજા ને રાની આ ઇવેન્ટનો એક ભાગ છે અને તેણે લાખો સંગીત પ્રેમીઓના દિલ જીતી લીધા છે.

ગીતનો ભાવાર્થ એવી વાર્તાની આસપાસ ફરે છે જે પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા માટે પૂરતું ઊંડાણપૂર્વક ખોદવામાં આવે છે અને પ્રેક્ષકોને લાગણીઓના રોલર કોસ્ટર દ્વારા લઈ જાય છે જયારે પ્રેમ અને જીવનને સરળ પણ નોંધપાત્ર દ્વારા અન્વેષણ કરે છે.

સફેદ રણનો સુંદર લેન્ડસ્કેપ જોવાનો આનંદ છે જેમાં ગીત શૂટ કરવામાં આવ્યું છે અને મંત્રમુગ્ધ કરી દે તેવા ગીતો સાંભળવાનો આનંદદાયક અને આનંદદાયક અનુભવ છે.

ગુજરાતી જલસોના યુટ્યુબ હેન્ડલ પર વિડિયો ટ્રેકનું અનાવરણ કરવામાં આવ્યું છે અને સંગીત પ્રેમીઓ જેઓ સોફટ અને રોમેન્ટિક ધૂનોની શૈલીમાં આકર્ષણ જમાવે છે તેઓ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલ અભિનીત આ ટ્રેકને જોવાનો આનંદદાયક અનુભવ કરવાના છે. ચાહકોએ ટ્રેક પર અપાર પ્રેમ અને મૂલ્યાંકન વરસાવ્યું છે અને ટ્રેકને જે ઇલેકિટ્રફાઇંગ એનર્જી સાથે તૈયાર કરવામાં આવ્યો છે, તે ખુશખુશાલ વાઇબ્સ આપશે તે નિશ્યિત છે.

આ વિચાર સર્વોચ્ચ પ્રતિભાશાળી ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને તે તમામ કલાકારો અને કલાકારોની મદદથી અમલમાં મૂકવામાં આવ્યો હતો જેમણે આ ભવ્ય ઇવેન્ટનો ભાગ બનવાનું પસંદ કર્યું હતું.

પ્રાદેશિક સામગ્રીએ તાજેતરમાં પ્રેક્ષકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે અને ગાયક પાર્થિવ ગોહિલે પ્રાદેશિક અને સાંસ્કૃતિક સામગ્રીના વિકાસ અને વૃદ્ઘિમાં યોગદાન આપવાના આ ક્ષેત્રમાં સાહસ કરવાની સંભાવનાને ઓળખી છે જે બિનપરંપરાગત છે અને કંઈક એવું છે જે પ્રેક્ષકોએ પહેલાં કયારેય અનુભવ્યું નથી. સમગ્ર દેશમાં પ્રાદેશિક સામગ્રી વેગ પકડી રહી છે. રોમેન્ટિક ટ્રેક 'રાજા ને રાની' આ ઇવેન્ટનો એક ભાગ છે અને તે ચોક્કસ તમારા હૃદયને ટૂંક સમયમાં ખેંચી લેશે.

ગીતની ક્રેડિટની વાત કરીએ તો, તેને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલે ગાયું છે. સુંદર ગીત શ્રી આશિત દેસાઈ દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો શ્રી ગૌરવ ધ્રુવે લખ્યા છે.

આ અદ્ભૂત અભિગમમાં કલાકારો સામેથી જોડાયા હતા અને કોઈ કલાકારોએ એક પણ રૂપીયો લીધો નહોતો. આનો પહેલો પ્રિમીયર શો અમેરિકાની એન.જી.ઓ. 'શેર એન્ડ કેર ફાઉન્ડેશન' જેને ૩૭ વર્ષ થયા ત્યાં ૧૭ જુલાઈના રોજ યોજાયું અને ૮ લાખ ડોલર ફંડ ભેગુ થયુ જે શેર એન્ડ કેર ફાઉન્ડેશન, અમદાવાદનું તાલય ટ્રસ્ટ, મુંબઈનું સ્વર ટ્રસ્ટ તેમજ યુવા અનસ્ટોપેબલને ફાળવાયું.

પાર્થિવ ગોહિલે વધુમાં જણાવ્યુ કે, અમે કચ્છમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત ત્રણ દિવસ ભુંગામાં, રણમાં પાંચ કેમેરાથી શૂટ કર્યુ અને કચ્છના ગ્રામ્ય જીવન પર આ અદ્ભૂત સાંગિતીક ફિલ્મનું નિર્માણ થયું. આગામી અઠવાડિયામાં હવે જીજ્ઞેશ કવિરાજનું ગીત 'વારી જા હું ને મણિયારા' આવવાનુ છે. આ ફિલ્મમાં 'રામ સભામાં અમે રમવાને ગ્યા'તા', 'વિજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ', 'માડી રમવાને વેલા વેલા આવજો રે લોલ,' 'કચ્છડો યાદ કર્યા', 'કચ્છડો જોવા જીવનમાં' વગેરે અદ્ભૂત ગીતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત સંજય ગોરડિયા કચ્છની સ્વાદિષ્ટ આઈટમોનો આસ્વાદ કરાવતા પણ જોવા મળે છે. ગીત સંગીતમાં કચ્છનો બારમાસી મીજાજ દર્શાવતી આ અદ્ભૂત સંગીતિક ફિલ્મ અવશ્ય જોવા જેવી જ છે.

ગાયક પાર્થિવ ગોહિલ નાનપણથી જ સંગીતને વરેલા છે. તેમના પિતાની ઈચ્છા હતી કે તે સંગીત ક્ષેત્રે આગળ વધે. હજી આંખ બરાબર ખૂલી નહોતી ત્યાં રેડિયોથી સંગીતથી શ્રૃતીઓ કાને પડવા લાગેલી. તેમના પ્રથમ ગુરૂ ભાનુબેન, દક્ષાબેન તેમજ લક્ષ્મીપતિ શુકલ સાહેબ રહ્યા, જ્યારે ઉસ્તાદ મિયાફરીદઉદ્દીન ડાંગર સાહેબ પાસેથી ધ્રૂપદની તાલીમ લીધી. સ્વ. પં. જસરાજજી હોય કે પં. હરિપ્રસાદ ચૌરસિયા હોય તેમની સાથે તાનપુરી સંગત કરી સંગીતમાં ઘણુ શિખ્યા-મેળવ્યું. 'સારેગામા' શોથી તેમની કારકિર્દીને ટર્ન મળ્યો અને આજે તેઓ સંગીતમાં પાર્શ્વગાયન ક્ષેત્રે એક ચમકતો સિતારો બની ઉભરી આવ્યા.

પાર્થિવભાઈ કહે છે, આજની પેઢીને શાસ્ત્રીય સંગીત બોરીંગ લાગે છે. હું જ્યારે પહેલીવાર કલ્યાણજીભાઈને મળ્યો ત્યારે તેઓએ કહેલુ કે, આજના યુગ પ્રમાણે રાગનું પેકેજિંગ નાનુ કરો જેથી એક સ્ટેજ પર ત્રણ સ્ટેજ એટલે કે શાસ્ત્રીય સ્વરૂપ ગીતનું ત્યાર બાદ તેનુ હળવુ સ્વરૂપ અને પછી ફિલ્મગીત રૂપે રજુ કરવાનું નક્કી કર્યુ. જેને 'રાગ-રૂપ-રંગ' નામ આપી આજની પેઢીને આ તરફ વાળવા પ્રયાસ કર્યો છે. પાર્થિવ ગોહિલ હાલ 'કોન્ટેન્ટ ક્રિએશન' પર ફોકસ કરી રહ્યા છે. તેઓ કહે છે, લોકડાઉન પછી મનોરંજન ફિલ્ડમાં પણ વર્ચ્યુઅલ વર્લ્ડમાં કામની શકયતા છે. અમે ૧૦૦ સૂત્ર કંપનીના નામે પહેલી ફિલ્મ કોન્ટેન્ટને લગતી 'ગોળ કરી' પણ બનાવેલી. પાર્થિવ ગોહિલ કહે છે, હું માનું છું કે આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજી ટીન એજર છે, હજુ લર્નિંગ લાયસન્સ મળ્યુ છે. હાલ હું ગુજરાતની પ્રેરણા સ્વરૂપ પ્રતિભાઓનો અભ્યાસ કરી રહ્યો છું. જેને લઈ ભવિષ્યમાં 'એજ્યુટેનમેન્ટ' એટલે કે સંગીતની સાથે જ્ઞાન આપવા નવું ક્રિએશન કરવુ છે. આ ઉપરાંત પાર્થિવ ગોહિલ જગ્ગી વાસુદેવજીની પ્રેરણાથી લોનાવાલા પાસે આશ્રમ પણ બનાવી રહ્યા છે. જેને 'ફાઈન પ્યુન' નામ આપવાના છે.

આજની યુવાપેઢી જે સંગીતમાં આગળ વધવા ઈચ્છે છે તેને માટે પાર્થિવ ગોહિલે કહ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિનું પાવર ફુલ વિજ્ઞાન અદ્ભૂત છે. આજના યુવાનો માટે રિયાલીટી શો પ્રેરણા છે, પરંતુ સંગીતમાં અભ્યાસ વિલંબીત હોવો જોઈએ, ઉપરછલ્લો નહિ. આજે મને આ ક્ષેત્રમાં ઊંડા અભ્યાસની ઓછપ લાગે છે. બાકી મારૂ માનવું છે કે, જીવન એક જલ્સો છે. જલ્સો કરતા - કરતા જીવનની સફર અગત્યની છે. મારે માણવું છે. ગમતુ ભર્યુ ગુંજતુ કરીએ ગમતાનો કરીએ ગુલાલ.

પાર્થિવ ગોહિલ :

parthivgohil@gmail.com

અકિલા સાથે મારો ર૪ વર્ષ જુનો સંબંધ છેઃ પાર્થિવ ગોહિલ

''અકિલા''ના મહેમાન બનેલા પાર્થિવ ગોહિલે કહ્યંુ કે, અકિલા સાથે મારો ર૪ વર્ષ જુનો સંબંધ છે. હું ટીવી રીયાલિટિશો સારેગામા જીતી ગુજરાત પરત આવેલો ૧૯૯૭ માં ત્યારે રાજકોટના સંગીત પ્રેમીઓએ મને બોલાવેલો એ વખતે ''અકિલા'' કાર્યાલય ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળવાનો મોકો મળ્યો તેઓની ઓરા તેમની એનર્જીમાંથી ઘણું શિખવા મળે છે. સંગીત શિખ્યા પછી જીવનમાં આવા વ્યકિતત્વ પાસેથી શિખ્યો છું. આજે તેમના આશિર્વાદ લેવા આવ્યો છું. એક કલાકાર નહીં એક વ્યકિત તરીકે શ્રી કિરિટકાકાને મળવા આવ્યો છું ર૪ વર્ષ  કારકિર્દી મુંબઇમાં રહ્યો જયારે અહિં આવવાનું બને ત્યારે જેમ મંદિરમાં દર્શન કરી નીકળી જઇએ તેવું બને પણ આજે કાકાને મળી તેમના દર્શનનો લાભ મળ્યો. અકિલા સાથે મારો ર૪ વર્ષ જુનો સંબંધ છે રાજકોટ આવુ એટલે 'અકિલા'એ  આવું જ તે નિત્યક્રમ હંમેશા જાળવી રાખું છે.

'રિફલેકશન ઓફ કચ્છ' ના

શો થિયેટરમાં યોજાય તેવી ઇચ્છા

અદ્ભૂત સાંગિતીક ફિલ્મ 'રિફલેકશન ઓફ કચ્છ' કે જે રિલાયન્સ ફાઉન્ડેશન અને ટુરીઝમ ફાઉન્ડેશનના સહયોગથી બની છે જેનું સંચાલન પ્રતિક ગાંધીએ કર્યું છે તે મુંબઇ - અમદાવાદના થિયેટરોમાં લોકોને દેખાડી છે. આ ફિલ્મનો ઉદ્દેશ નફો કમાવવાનો નથી પરંતુ તેમાંથી જે આવક મળે તેનાથી કલાકારોની મદદ અને ટ્રસ્ટને આપવાનો હેતુ છે. જેથી વિવિધ સંસ્થાઓ દ્વારા આ સાંગીતિક ફિલ્મનાં શો થિયેટરોમાં થાય તે જરૂરી છે જે શો યોજાયા તેમાં શો પહેલા લોકોને દાબેલી અને છાશ આપી કચ્છની વાનગીઓ સાથે કચ્છના ગ્રામ્ય જીવનનો ફિલ્મમાં દર્શાવી અદ્ભૂત અને અલૌકિક અનુભવ કરાવાયો છે. પાર્થિવભાઇ કહે છે, મારી ઇચ્છા છે કે, રાજકોટ, જામનગર ખાતે પણ આ ફિલ્મના શો તેમજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પણ શો યોજાય તો વધુ લોકો આનો લાભ લઇ શકે. અમેરિકા - સિંગાપોર - કતાર વિગેરે જગ્યાએ પણ પ્રોગ્રામ અને શો યોજાયા. જ્યાં સફળતામાં લોકોની એનર્જી ભળી છે. અમે બીલ નહીં દીલ આપીએ છીએ.

જ્યારે... સદ્ગુરૂ જગ્ગીવાસુદેવના આશીર્વાદ પાર્થિવભાઇને મળ્યા

દર મહાશિવરાત્રીએ સદ્ગુરૂ જગ્ગીવાસુદેવજી તેમના આશ્રમમાં કાર્યક્રમ કરે છે. જેમાં પાર્થિવ ગોહિલે પણ હજારો લોકો સામે ધમાકેદાર પર્ફોમન્સ આપેલું. એ વખતે સદ્ગુરૂ જગ્ગીવાસુદેવજીએ પાર્થિવ ગોહિલને ભૈરવી દેવીના આશીર્વાદરૂપે એક સર્પની વીંટી આપેલી. જે આજે પણ તેઓ ધારણ કરે છે અને તેમનાં આશીર્વાદ મેળવ્યાનો રાજીપો

વ્યકત કરે છે.

(3:41 pm IST)