Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ૐ ની ચિત્ર સાધનાના સાધક બાબુ ધાનાણી રાજકોટમાં

ચાર દાયકાથી કલા સાધનાઃ એક ૐ તૈલી ચિત્ર રૂા. ૩.પ૧ કરોડમાં વેચાયું હતું

રાજકોટ : ઉચ્‍ચસ્‍તરીય ચિત્રકાર બાબુ ધાનાણી આજે રાજકોટમાં મનસુખભાઇ સુવાગિયાના મહેમાન બન્‍યા છે. બાબુભાઇએ ઓમકારને વિવિધ સ્‍વરૂપમાં ઢાળીને અનોખી કલાસાધના કરી છે.

મુંબઇના ચિત્રકાર, એવા બાબુભાઇ ધાનાણીનું હાલમાં જ ઓમની વિવિધતા સાકાર કરતા એક દાર્શનિક ચિત્ર ૩.પ૧ કરોડમાં ખરીદાયુ અને ત્‍યારથી તેઓ વધુ જાણીતા થયા. મુંબઇ જે. જે. સ્‍કુલ ઓફ આર્ટસના ગોલ્‍ડ મેડાલીસ્‍ટ અને ૪૦ વર્ષથી કલા સાથે સંકળાયેલા બાબુભાઇ ધાનાણીએ કલાક્ષેત્રે ખુબ લાંબી મજલ કાપી છ.ે કલાના  કદરદાનીમાં તેઓનું નામ જાણીતું જ છે, પરંતુ ૩.પ૧ કરોડમાં પેઇન્‍ટીંગ ખરીદાયા બાદ, લોકોમાં પણ તેઓ જાણીતા થઇ ગયા. બાબુભાઇએ હિંદુ સનાતન ધર્મના એકાક્ષરી સ્‍વર ઓમકારના ર૦૦ જેટલા વૈવિધ્‍યપૂર્ણ ચિત્રો તૈયાર કર્યા છે.

આ સાથે તેઓએ શિલ્‍પ ક્ષેત્રે પણ અદ્‌્‌ભૂત કામ કર્યુ છે. સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એકથી અઢી ફુટ જેટલી પાંચ હજારથી  વધુ પ્રતિમાઓ તેઓએ બનાવી છે. જે દેશ વિદેશમાં ઠેક ઠેકાણે મુકવામાં આવી છે. ઇન્‍ડીના એક મોદીભકત માટે, વડાપ્રધાન મોદીની અડધા કદની મૂર્તિ (બસ્‍ટ) પણ તેઓએ બનાવી છે. રતન ટાટાએ તેઓ પાસે પોતાના પરિવારના પરદાદા એવા જમશેદજી ટાટાની ૧૩ ફુટની મૂર્તિ પણ બનાવડાવી છે, જે આજે પણ ઝારખંડના જમશેદપુર ખાતે ટાટા સ્‍ટીલ પ્‍લાન્‍ટના પ્રાંગણમાં મુકવામાં આવી છે. ચાંદીની દોઢ ટનની સિધ્‍ધિ વિનાયકની મૂર્તિ પણ બાબુભાઇ ધાનાણીએ બનાવી છે. આમ તો ગુજરાતી ભાષાનું સારૂં જ્ઞાન અને વ્‍યાકરણ, જોડણીનો ઉત્તમ મહાવરો હોવાથી તેઓએ પાંચ વર્ષમાં ર૭ જેટલા વિવિધ પ્રકાશનો સાથે જોડાઇને ભાષા શુધ્‍ધિ માટે પણ ઘણું કામ કર્યુ છે. આમ છતાં હવે તેઓ માત્ર પેઇન્‍ટિંગ અને સ્‍કલ્‍પચર ક્ષેત્રે જ કાર્યરત છે.

પ્રસિધ્‍ધિથી દૂર રહેતા બાબુભાઇએ નેશનલ ફિલ્‍મ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન  (એન.એફ.ડી.સી.) દ્વારા બનાવાયેલ ડોક્‍યુમેન્‍ટરી સહિતની ફિલ્‍મોના કેટલાયે કિયોસ્‍ક પણ બનાવી આપ્‍યા છે. તેઓ અભિનેત્રી હેમા માલિનીનું પણ વર્ષ ૧૯૮૩ના સમયમાં ફૂલ લેન્‍થ પોટ્રેઇટ બનાવ્‍યું હતું.

આ સાથે જયપુરના છેલ્લા રાજવી ગંગાસિંહ, અમિતાભ બચ્‍ચન, મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન, દેવેન્‍દ્ર ફડણવીસ, બજાજ ગ્રુપ, ટાટા ગ્રુપ માટે પણ પેઇન્‍ટિંગ બનાવ્‍યા છે. સુરતના સવજી ધોળકિયાના દાદા-દાદીના ચિત્રો હોય કે જામનગરના રાજકીય નેતા રાઘવજી પટેલનું ચિત્ર હોય, કાલાવડની સંસ્‍થા માટે સરદાર પટેલ  બ્રાસ (પિત્તળ)ની મૂર્તિ મુકવાની હોય કે, સુરતના પી.પી.સવાણી ગ્રુપના વલ્લભ સવાણીના દાદાએ દાદીના ચિત્ર તૈયાર કરવાનું હોય, તેઓના વિવિધતાપૂર્વ ચિત્રો અને શિલ્‍પો વિવિધ આર્ટ ગેલેરી, અને મહાનુભાવોના ડ્રોઇંગરૂમ, લીવીંગરૂમની શોભા બનતા રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના કતારગામ પોલીસ મથકમાં મુકવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની હુબહુ પ્રતિમા પણ બાબુભાઇ ધાનાણીએ બનાવી હતી

(3:35 pm IST)