Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ખખડધજ બ્‍લુ સીટી બસની બ્રેક ફેઇલ થતાં નવેનવી ઇલેક્‍ટ્રીક બસ પાછળ ધડાકાભેર અથડાઇઃ નુકસાન

સદ્દનસિબે કોઇને ઇજા ન પહોંચીઃ ત્રિકોણ બાગ પાસે સવારે બનાવ

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર બ્‍લુ સીટી બસને કારણે અકસ્‍માત સર્જાતા રહે છે તો ઘણીવાર બસમાં આગ પણ લાગી ચુકી છે. એકાદ વખત ચાલુ બસે વ્‍હીલ નીકળી જવાની ઘટનાઓ પણ બની છે. ત્‍યાં આજે સવારના પ્‍હોરમાં બ્‍લુ સીટી બસને કારણે વધુ એક અકસ્‍માત સર્જાયો હતો. ત્રિકોણ બાગ સ્‍ટોપ ખાતે બ્‍લુ સીટી બસ આગળ ઉભેલી નવી નક્કોર ઇલેક્‍ટ્રીક સીટી બસ પાછળ ધડાકાભેર અથડાતાં આ બસના પાછળના ભાગે અને બ્‍લુ સીટી બસના આગળના કાચમાં નુકસાની થઇ હતી. સદ્દનસિબે અકસ્‍માત વખતે કોઇને ઇજા પહોંચી નહોતી. પણ ધડાકા સાથે બસ અથડાતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બ્‍લુ સીટી બસની બ્રેક ફેઇલ થઇ જતાં આમ બન્‍યાનું કહેવાતું હતું. ખખડધજ બની ગયેલી બ્‍લુ સીટી બસ શહેરમાં ઠેકઠેકાણે અનેક રૂટ પર દરરોજ દોડ છે. પરંતુ ક્‍યારે આ બસમાં ખોટકો આવી જાય તે નક્કી હોતું નથી. અવાર-નવાર કોઇને કોઇ કારણે આ બસ ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. ત્‍યાં આજે વધુ એક અકસ્‍માત સર્જાયો હતો. તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત બ઼ને બસ અને તેમાં થયેલી નુકસાની જોઇ શકાય છે.

(11:40 am IST)