Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટેકાવાળી યોજનામાં રસ નહિ : ૪૦ હજારથી વધુ ખેડૂતોને તેડાવ્‍યા, કોઇ મગફળી વેંચવા ન આવ્‍યું !

ટેકાના ભાવ મણના રૂા. ૧૧૬૦ કરતા ખૂલ્લા બજારમાં વધુ ભાવ : કોથળામાં ૩૫ કિલોની ભરતીનો નિયમ ખેડૂતો માટે પ્રતિકૂળ

રાજકોટ તા. ૬ : રાજ્‍ય સરકારે ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ)ના માધ્‍યમથી તા. ૨૯ ઓકટોબર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્‍યવ્‍યાપી ૬૨ કેન્‍દ્ર પર પ્રારંભ કર્યો છે. મગફળી વેચવા માટે રાજ્‍યના ૬૯૫૩૮ ખેડૂતોએ નોંધણી કરાવેલ. જેમાંથી અત્‍યાર સુધીમાં ૪૦ હજારથી વધુ ખેડૂતોને મગફળી લઇને નિયત કેન્‍દ્ર પર આવવા મેસેજ મોકલાયેલ. તેમાંથી એક પણ ખેડૂતે સરકારને મગફળી વેંચી નથી. ગુજકોમાસોલને ખરીદી માટે સરકારે ૯૦ દિવસની મુદત આપી છે.

મગફળીના ટેકાના ભાવ મણના રૂા. ૧૧૬૦ કરતા ખૂલ્લા બજારમાં વધુ ભાવ અને ઝડપથી પૈસા મળી જતા હોવાથી ખેડૂતો સરકારના બદલે ખૂલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરે છે. આ વખતે કોથળામાં ફરજિયાત ૩૫ કિલો મગફળી ભરવાનો નિયમ છે. આ વર્ષે મગફળી થોડા મોટા કદમાં પાકી હોવાથી કોથળામાં ૩૫ કિલોની ભરતી થઇ શકતી નથી. આ કારણ પણ ટેકાના ભાવમાં ખેડૂતોના ઓછા રસ માટે જવાબદાર ગણાય છે. ગુજકોમાસોલે કોથળામાં ભરતીની મર્યાદા ઘટાડવા સરકારને રજૂઆત કરી છે. કેટલાક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા તેણે પણ સરકારી માપદંડના કારણે મગફળી વેંચવાનું માંડી વાળ્‍યું હતું. ગુજકોમાસોલ બાકી રહેલા ખેડૂતોને પણ મેસેજ કરીને બોલાવશે. ટેકાના ભાવે ખરીદી શરૂ થયા પછી ૪૦ દિવસમાં એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી ન વેંચે તેવું પ્રથમ વખત બન્‍યું છે.

(11:48 am IST)