Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

હોમગાર્ડના પ્રશ્નો શિસ્‍ત અને સેવાના નામે ભોમાં ભંડારી દેવાયા

આજે હોમગાર્ડ-ડે પણ રાજયના ૫૦ હજાર હોમગાર્ડ જવાનોના હાલ બેહાલ : રાજકોટ જિલ્‍લામાં કમાન્‍ડન્‍ટ હોમગાર્ડની જગ્‍યા ઉપર ૧૩ વર્ષોથી ઇન્‍ચાર્જથી ચાલતો વહીવટઃ મંત્રીઓને અપીલ કે પ્રશંસા નહી પ્રશ્નો ઉકેલોઃ ગજેન્‍દ્રસિંહ ઝાલા

રાજકોટઃ આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ, પૂર્વ હોમગાર્ડ ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદી મુજબ આજે ૬ ડીસેમ્‍બર રાજયમાં હોમગાર્ડ ડે છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજયના પચાસ હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્‍થિતિમાં જીવી રહયા છે. આજે હોમગાર્ડ સ્‍થાપના દિવસે બળતા જીવે હોમગાર્ડ ડે મનાવી રહયા છે. રાજય અને કેન્‍દ્ર સરકારની નીતિઓને પગલે કોવીડ-૧૯માં પ્રથમ હરોળમાં સેવા બજાવનારા કોરોના વોરિયર્સ અતિ જોખમી ફરજ બજાવતા રાજયભરના ૫૦ હજાર હોમગાર્ડ બેહાલ છે. શિસ્‍ત અને સેવાના નામે ગુજરાત રાજય હોમગાર્ડદળના વ્‍યાજબી અને અણઉકેલ પ્રશ્નો ભોમાં ભંડારી દેવાયા છે.આજે હોમગાર્ડ દિન છે પરંતુ કેન્‍દ્ર અને રાજય સરકારની ગુજરાત રાજય હોમગાર્ડદળના જવાનો પ્રત્‍યેની બેદરકારી અને લાપરવાહીને પગલે આજે રાજયના હોમગાર્ડ દીન એટલે ગરીબ છે. રાજયમાં ગૃહરક્ષકદળ (હોમગાર્ડની) સ્‍થાપના ૬ઠી ડીસેમ્‍બરમાં ૧૯૪૭ના  કરવામાં આવી તત્‍કાલીન સમયે હોમગાર્ડદળના માત્ર ૧૮૫૦ જવાનો હતા. આજે રાજયમાં હજારો હોમગાર્ડદળના જવાનો રકતદાન, વૃક્ષારોપણ, પૌઢ શિક્ષણ જેવી સમાજોપયોગી પ્રવૃતિઓ કરી રહયા છે. આગ, લુંટ કાયદાની જાળવણી અતિવૃષ્‍ટિ કે  મોટી હોનારતના પ્રસંગોએ દળના જવાનો પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવે છે. જે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્‍યમંત્રી કેબીનેટ મંત્રીશ્રીઓએ પણ હોમગાર્ડની સેવાઓને વખતો-વખત બિરદાવેલી છે. પોલીસની સાથે ખભ્‍ભે-ખભ્‍ભા મિલાવી ચૂંટણી બંદોબસ્‍ત, વીઆઇપી સુરક્ષા, નાઇટ પેટ્રોલીંગ, ટ્રાફીક, ઇમર્જન્‍સી, યુધ્‍ધકાળ દરમિયાન સિવિલ ડીફેન્‍સની ફરજોમાં રાઉન્‍ડ ઓફ ધ કલોક સેવા બજાવતા જવાનોના પ્રશ્નોની ઉપેક્ષા થઇ રહી

 અગાઉ કમાન્‍ડન્‍ટ જનરલ હોમગાર્ડની માનદ પોષ્‍ટ હતી આજે ડાયરેકટર જનરલ ઓફ પોલીસના ઉચ્‍ચ હોદા સાથે કમાન્‍ડન્‍ટ જનરલ હોમગાર્ડ માટે પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે. રાજય સરકારે વર્ષ ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧માં રાજકોટ જિલ્‍લા અને શહેર હોમગાર્ડ કમાન્‍ડન્‍ટની જાહેરાતો અને અરજીઓ મંગાવ્‍યા બાદ પણ આજે ૧૩ વર્ષોથી ઇન્‍ચાર્જથી ગાડુ ગબડાવાય છે. હાલ વર્ષોથી રાજકોટ જિલ્‍લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડનો ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલ (ડીવાયએસપી) અને શહેર કમાન્‍ડન્‍ટ હોમગાર્ડનો ચાર્જ આસીસ્‍ટન્‍ટ પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના (એસપી) પાસે છે.ગૃહખાતામાં જ કામ કરનાર પોલીસ અને હોમગાર્ડ વચ્‍ચે રાજય સરકાર અને પોલીસ વડા ભેદભાવ રાખે છે. કોવિડ-૧૯માં પોલીસોને ૫૮ વર્ષે નિવૃત થયાને પુનઃફરજ સોંપવામાં આવેલ જયારે હોમગાર્ડદળના જવાનોને ૫૫ વર્ષે સેવા નિવૃત કરી દેવાય છે. એકને ગોળ અને બીજાને ખોળની નીતિ રાજય સરકારે બંધ કરવી જોઇએ. સમાન ફરજ સમાન વેતનના સરકારના નિયમનું સૂરસૂરીયું થઇ જાય છે.

રાજયભરમાં તાલીમ વગરના ટ્રાફીક વોર્ડન અને પોલીસ મિત્ર જેવા ગતકડા ઉભા કરી તાલીમબધ્‍ધ પેરામિલેટ્રી ફોર્સ ગણાતા હોમગાર્ડ દળના જવાનોને હાસીયામાં ધકેલી દેવાયા છે. રાજયભરના તાલીમબધ્‍ધ હોમગાર્ડદળના સંપૂર્ણ લાયકાત ધરાવતા જવાનો માટે લોકરક્ષક દળ, પીએસઆઇ,એસઆરપી અગ્રતા આપવી જોઇએ. હોમગાર્ડ માટે અનામત બેઠકો રાખવાની માંગ વર્ષોથી પેન્‍ડીંગ છે રાજયના ભાજપ-કોંગ્રેસના ધારાસભ્‍યો દ્વારા હોમગાર્ડદળના  વેતનમાં વધારો કરી દળના પ્રશ્નો હલ કરવાની લેખીતની માંગ છતાં કેન્‍દ્ર સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહી છે. હાલ કેન્‍દ્રમાં વડાપ્રધાન પદે નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રમાં ગૃહમંત્રી પદે અમિતશાહ બંન્ને ગુજરાતી હોવા છતા ગુજરાત રાજયના તમામ સાંસદો શાસકપક્ષના છે. તેમ છતા રાજયના ૫૦ હજાર હોમગાર્ડની હાલત કફોડી છે. અન્‍ય રાજયોની તુલનાએ ગુજરાત રાજય હોમગાર્ડને ભારોભાર અન્‍યાય થાય છે. આજે હોમગાર્ડ ડે નિમિતે મંત્રીશ્રીઓને અપીલ છે કે હોમગાર્ડની પ્રશંસા નહિ હોમગાર્ડના વ્‍યાજબી પ્રશ્નો ઉકેલવા પૂર્વ હોમગાર્ડ ગજેન્‍દ્રસિંહ ઝાલા(મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬)એ અંતમાં જણાવ્‍યુ છે.

(11:54 am IST)