Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કેકેવી ચોક અને જડુસ બ્રીજના કામનો ધમધમાટ

જડુસ ચોક બ્રીજનું ૮૨ ટકા કામ અને કેકેવી ચોક ડબલ ડેકર ઓવરબ્રીજનું ૭૦ ટકા કામ પૂર્ણ : કેકેવી ચોક બ્રીજમાં ૧૯૫ ગડર પૈકી ૧૪૦ ગડરો મુકાઇ ગયા : બંને બ્રીજ ૨૬ જાન્યુઆરીએ ખુલ્લા મુકાવાની શકયતા

રાજકોટ તા. : શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં ઓવરબ્રીજ બનાવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં ૧૨૯.૫૩ કરોડના ખર્ચે ડબલ ડેકર ફલાય ઓવરબ્રીજ (મલ્ટીલેવલ) તથા જડુસ ચોકમાં ૨૮ કરોડથી વધુ ખર્ચથી બની રહેલ ઓવરબ્રીજનું કામ ૮૨ ટકા થી ૭૦ ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે. બંને બ્રીજો ૨૬ જાન્યુઆરી સુધીમાં ખુલ્લા મુકવા તંત્રવાહકોએ શકયતા દર્શાવી છે પરંતુ કેકેવી ચોક બ્રીજ ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાવાની ધારણા છે.

અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનો દિન પ્રતિદિન ખુબ વિકાસ થઇ રહ્યો છે અને શહેરમાં વાહનનો પણ ખૂબ વધારો થઇ રહ્યો છે તે ધ્યાનમાં રાખી ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી ૨૧ જાન્યુ. ૨૦૨૧ના શહેરના હોસ્પિટલ ચોક, નાના મવા, રામાપીર ચોકડી તથા જડુસ ચોક તેમજ કેકેવી ચોકમાં ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ રૂ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં વડાપ્રધાન મોદીના હસ્તે હોસ્પિટલ ચોક ટ્રાયેન્ગલ ઓવરબ્રીજ, નાનામવા ચોક તથા રામાપીર ચોકડી ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

શહેરના કાલાવડ રોડ પર આવેલ કેકેવી ચોકમાં ૧૨૯.૫૩ કરોડના ખર્ચે મલ્ટીલેવલ ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રીજનું કામ ૭૦ ટકા પૂર્ણ થયું હોવાનું તંત્રવાહકો જણાવી રહ્યા છે. બ્રીજના ૧૯૫ ગડરમાંથી ૧૪૨ ગડર મુકાય ગયા છે.

જ્યારે જડુસ ચોકમાં ૨૮.૫૨ કરોડના ખર્ચે એજી ચોકથી મોટા મવા પુલ સુધીનો ફોર લેનનો ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રીજનું કામ ૮૨ ટકા પૂર્ણ થઇ રહ્યાનું સત્તાવાર ઇજનેર સૂત્રો જણાવી રહ્યા છે. બ્રીજમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલુ છે. બ્રીજનું લંબાઇ ૩૬૦ મીટર અને પહોળાઇ ૧૫.૫૦ મીટર છે.

બંને બ્રીજો ૨૬ જાન્યુઆરી ખુલ્લા મુકવાની ગણતરી તંત્રવાહકો કરી રહ્યા છે ત્યારે જડુસ બ્રીજનું ગણતરી મુજબનું કામ ચાલી રહ્યું છે તો તે ૨૬ જાન્યુઆરી પૂર્ણ થઇ જશે. જ્યારે કેકેવી ચોક બ્રીજનું કામ ફેબ્રુઆરીમાં થવાની ધારણા છે.

(3:32 pm IST)