Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જંકશન કો.ઓપરેટિવ સોસાયટીમાં પાનના ધંધાર્થી પર હુમલો કરી દૂકાનમાં તોડફોડ

પાર્થ ઉર્ફ જાંબલીએ પાન-ફાકી લઇ ૫૦ રૂપિયા બાકી રાખ્‍યા તેની ઉઘરાણી કરતાં બોટલ-ધોકા-ઢીકાપાટુનો બેફામ માર માર્યોઃ વેપારી લક્ષમણભાઇ ભક્‍તાણી સારવાર હેઠળ : ગલ્લામાંથી રોકડ પણ લઇ ગયાનો આક્ષેપ

તસ્‍વીરમાં હુમલામાં ઘવાયેલા વેપારી લક્ષમણભાઇ ભક્‍તાણી અને તેમની દૂકાનમાં થયેલી તોડફોડના દ્રશ્‍યો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૬: જંકશન કો-ઓપરેટિવ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક જ પાન-ઠંડાપીણાની દૂકાન ચલાવતાં સિંધી વેપારીએ બાકી રખાયેલા પાન-ફાકીના પૈસાની ઉઘરાણી કરતાં ચારેક શખ્‍સોએ બોટલ ફટકારી તેમજ ધોકા અને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. હુમલાખોરો દૂકાનમાં તોડફોડ કરી પરચુરણ રકમ પણ લઇ ગયાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જંકશન કો. ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક જ મેઇન રોડ પર વિદ્યાસાગર પાન નામે દૂકાન ધરાવતાં લક્ષમણભાઇ જેઠાનંદભાઇ ભક્‍તાણી (ઉ.વ.૪૪) સવારે દસેક વાગ્‍યે પોતાની દૂકાને હતાં ત્‍યારે પાર્થ ઉર્ફ જાંબલી નામના સિંધી શખ્‍સ અને અજાણ્‍યા શખ્‍સોએ મળી ધોકા અને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

લક્ષમણભાઇના મિત્ર કમલેશભાઇએ જણાવ્‍યું હતું કે લક્ષમણભાઇ દૂકાને હતાં ત્‍યારે પાર્થ ઉર્ફ જાંબલી સિંધી અને બીજા શખ્‍સો કાર લઇને આવ્‍યા હતાં. આ લોકો નશાની હાલતમાં હોય તેમ જણાતું હતું. તેણે પાન-ફાકી લીધા બાદ પચાસ રૂપિયા બાકી રાખતાં લક્ષમણભાઇએ પૈસાની ઉઘરાણી કરતાં આ લોકો ઉશ્‍કેરાઇ ગયા હતાં અને કારમાંથી ઉતરી લક્ષમણભાઇના માથામાં બોટલ ફટકારી દીધી હતી. એ પછી ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલુ જ નહિ દૂકાનમાં તોડફોડ પણ કરી હતી અને ગલ્લામાંથી અંદાજે અઢારસો બે હજારની પરચુરણ રકમ પણ લઇ ગયા હતાં. ઘટના સીસીટીવી ફૂટેજમાં હોવાનું પણ કમલેશભાઇએ જણાવ્‍યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પાર્થ ઉર્ફ જાંબલી અગાઉ જંકશનમાં રહેતો હતો અને હાલ જામનગરથી અહિ આવ-જા કરતો હોવાનું પણ જણાવાયુ઼ હતું.

(3:49 pm IST)