Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમૃત મહોત્સવમાં ૬૦ ઍકરમાં સાંસ્કૃતિક પ્રદર્શન : આકર્ષણો અપરંપાર

હમારે મન કે સારે સ્‍વર, તુમસે હી હૈ હમારે ઇશ્વર : ગુફા, ફલાવર, સર્કલ, તળાવ, ફુવારા વગેરે જોવાલાયક : નીલકંઠવર્ણીની યાત્રા સાથેનો અદ્‌ભૂત લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો : બાળકો, યુવાનો, વૃધ્‍ધો, મહિલાઓ, ખેડૂતો વગેરેને ગમતી કૃતિઓ : ગુરૂકુલ મંડપમાં ૬૪ કલાના પ્રદર્શન : વિશ્વ ગુરૂ ભારતની ગૌરવગાથા : દર્પણ, ફાનસ, ઝુમરનો ઝળહળાટ : શૈક્ષણિક સંસ્‍થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓને પ્રદર્શનમાં નિઃશુલ્‍ક પ્રવેશ : ૫ થી ૧૨ વર્ષના અન્‍ય બાળકો માટે પ્રવેશ શુલ્‍ક રૂા. ૩૦ : ૧૨ વર્ષથી મોટી વયના માટે રૂા. ૫૦ : પ્રદર્શન શુલ્‍ક તરીકે થનાર આવક ગુરૂકુલની વિદ્યા પ્રોત્‍સાહક પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે : પ્રદર્શન સંતોષકારક રીતે જોવા માટે ૨ થી ૨ાા કલાકનો સમય જરૂરી : તા. ૧૦ ડિસેમ્‍બરે સાંજે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન : તા. ૧૧ થી ૨૬ સુધી દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી પ્રદર્શન ચાલુ : મુખ્‍ય મહોત્‍સવ તા. ૨૨ થી ૨૬ ડિસેમ્‍બર

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે સંસ્‍થાના શ્રી પ્રભુ સ્‍વામી તેમજ શ્રી અવિનાશ સ્‍વામીએ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનુ આમંત્રણ આપેલ. તેમજ પ્રદર્શન અને મહોત્‍સવની વિગતવાર ચર્ચા કરેલ. પ્રભુ સ્‍વામીએ શ્રી કિરીટભાઇ ગણાત્રા માટે ખાસ તૈયાર કરાવેલ મરી (તીખા)નો આકર્ષક હાર પહેરાવી અંતરના આશીર્વાદ આપ્‍યા હતા. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ અને ડો. અનિલ દશાણીએ સંતોનું ફુલહારથી સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુરૂકુલના હરિભક્‍તો મગનભાઇ ભોરણીયા (મોરબી), રમણિકભાઇ રૂપારેલીયા તથા પ્રવીણભાઇ કાનાબાર ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના દિવ્‍ય સંદેશ મુજબ શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીસ્‍વામીએ સ્‍થાપેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્‍થાને ૭૫ વર્ષ પૂર્ણ થતા તા. ૨૨ થી ૨૬ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી- કણકોટ રોડ પર ઐતિહાસિક અમૃત મહોત્‍સવનું આયોજન કરાયેલ છે. તે પર્વે મહોત્‍સવ સ્‍થળ સહજાનંદનગર ખાતે અમૃત સાગર સાંસ્‍કૃતિક પ્રદર્શન યોજાનાર છે. પ્રદર્શનનું ઉદઘાટન તા.૧૦ ડિસેમ્‍બર સાંજે થશે.

અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનો સમય તા.૧૧ થી ૨૬ ડિસેમ્‍બર સુધી દરરોજ સવારે ૧૦ થી સાંજના  ૮ વાગ્‍યા સુધીનો રહેશે. શૈક્ષણિક સંસ્‍થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પ્રદર્શની નિશુલ્‍ક   રહેશે . તેમજ ૫ થી ૧૨ વર્ષ સુધીના અન્‍ય બાળકો માટે શુલ્‍ક રૂપિયા ૩૦ અને ૧૨ વર્ષ થી મોટી ઉંમરના મુલાકાતઓ માટે વ્‍યક્‍તિદીઠ પ્રવેશ ફી રૂપિયા ૫૦ રહેશે. પ્રવેશ શુલ્‍ક તરીકે થનાર આવક ગુરૂકુળની વિદ્યા પ્રોત્‍સાહન પ્રવૃત્તિમાં વપરાશે. ગુરુકુળ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્‍તારમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્‍ય ભણાવવામાં આવે છે. રાજકોટ ગુરુકુળમાં પ્રાથમિક શાળાના ૮૦૦  છાત્રોને રોજના માત્ર એક રૂપિયામાં રહેવા, જમવા, ભણવાની સુવિધા, આપવામાં આવે છે. સાંસ્‍કૃતિક પ્રદર્શન સારી રીતે જોવા માટે મુલાકાતીઓને આશરે ૨.૫ કલાકનો સમય ફાળવવો જરૂરી છે.

પ્રદર્શનમાં આવતા લોકોને તા.૨૨ થી ૨૬ ડિસેમ્‍બર સુધી દરરોજ સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક, સત્‍સંગ કથા શ્રવણ વગેરેનો લાભ મળશે. સમગ્ર આયોજનને આચાર્યશ્રી રાકેશપ્રસાદદાસજી મહારાજના રૂડા આશીર્વાદ મળ્‍યા છે. આબાલ વૃદ્ધ સૌને ગમે તેવા પ્રદર્શનનો સહ પરિવારનો લાભ લેવા ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીએ ભાવભીનું આમંત્રણ પાઠવ્‍યુ છે.

કલાકૃત રમણીય પ્રવેશદ્વાર

અમૃત સાગર સાંસ્‍કૃતિક પ્રદર્શનમાં પ્રવેશતાની સાથે જ રમણીય કલાકૃત પ્રવેશ દ્વાર ઉષ્‍માભર્યું સ્‍વાગત કરશે. પ્રવેશતાની સાથે જ ૨૫ ફૂટ ઊંચા સુવર્ણમંડિત કલાકૃત કળશ મંદિરમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણના દિવ્‍ય દર્શન થશે. આગળ વિશાળ હરિયાળા બગીચામાં અમૃત મહોત્‍સવનો મોનોગ્રામ તથા સેલ્‍ફી પોઈંટ હશે..

ઐતિહાસિક ઝાલરીયો પથ્‍થર

ભગવાન શ્રી સ્‍વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બાબરા નજીકના કરિયાણા ગામ પધારેલા. અહીં કાળુભાર નદીને કિનારે પર્વત પર વિચરતા હતા. સંધ્‍યા આરતી સમય થતાં ભકતોએ કહ્યું : ઝાલરટાણું - આરતીનો સમય થયો છે. ભગવાન કહે : આપણે અહીં જ આરતી કરીએ. ભકતો કહે. અહીં ઝાલર - બેલ નથી. શું વગાડીશું ? ભગવાનને કહ્યું. : આ પત્‍થર વગાડો , એ ઝાલર જેમ વાગશે. ભક્‍તોએ વિસ્‍મય ભાવે મોટા પથ્‍થરને નાના પત્‍થર પર ડંકાની જેમ વગાડ્‍યો તો પત્‍થરમાંથી ઝાલર - બેલ જેવો અવાજ આવ્‍યો. !

આજે તમે પણ આ પથ્‍થરને વગાડશો તો પથ્‍થરમાંથી ઝાલર જેવો અવાજ આવશે! તમને ઝાલરીયા પથ્‍થરના દર્શન તેમજ ઝાલરનો નાદ સાંભળવા મળશે.

લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો

૧૮૦ ડિગ્રી મેપિંગ પ્રોજેક્‍શન લાઈટ એન્‍ડ સરાઉન્‍ડ સાઉન્‍ડ સિસ્‍ટમ અને ભારતીય શાષાીય સંગીત નૃત્‍ય સાથે ભગવાન શ્રી સ્‍વામિનારાયણના યુવા સ્‍વરૂપ શ્રી નીલકંઠવર્ણીની ૧૨,૦૦૦ કિલોમીટરની રોમાંચક પદયાત્રા તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવાશે.

ગુરૂકુલ સંસ્‍કૃતિ મંડપ

આ મંડપમાં આજની અર્થ અને કામમાં સંકુચિત થયેલી શિક્ષણ પદ્ધતિની જગ્‍યાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વિશાળ દ્રષ્ટિ ધરાવતી ‘ગુરૂકુલ સંસ્‍કૃતિ' પ્રસ્‍થાપિત થાય તેવા શુભ હેતુથી ગુરુકુલ પરંપરાના દર્શન કરાવાશે. જેમાં વશિષ્ઠ, સાંદિપની જેવા  ઋષિમુનિ - આચાર્યોના આશ્રમોમાં શીખવવામાં આવતી શસ્ત્રકળા, કાષ્ટકળા, નૃત્‍ય કળા, સંગીત કળા, શિલ્‍પ કળા જેવી ૬૪ કળાઓના અદભૂત દર્શન કરાવાશે. વળી આપણી એ ભવ્‍ય શૈક્ષણિક પદ્ધતિઓ કે જેમાંથી એક સામાન્‍ય બાળક પણ મહામાનવ સુધીની સફર કરી શકતો. જે શિક્ષણ પદ્ધતિએ ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્‍થાપિત કર્યો હતો. તેવી ‘ગુરૂકુલ સંસ્‍કૃતિ' નું  સ્‍કલ્‍પ્‍ચરો, પેઇન્‍ટિંગ્‍સ, કલાકૃતિઓ તેમજ વિવિધ સ્‍થાપત્‍યો દ્વારા દર્શન કરાવાશે.  

 પ્રાચીન વિદ્યાપીઠો

આ ડોમમાં ભારતની એ ભવ્‍ય અને સુવિકસિત શિક્ષણ પદ્ધતિ કે જેમાં દેશ દુનિયાના લાખો બાળકો જીવન વિકાસના પાઠો શીખવા માટે આવતા. તેના કેન્‍દ્ર સમી નાલંદા , તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠના દર્શન કરાવાશે. સાથે ભારતની એ ભવ્‍ય ધરોહરનો નાશ કરવા માટે પાヘાત્‍ય સંસ્‍કૃતિના ઈરાદાપૂર્વકના આક્રમણો અને તેનાથી થયેલ નુકશાન પ્રદર્શીત કરાવાશે.

ગુરુકુલના સ્‍થાપક શાષાીજી મહારાજનું જીવન દર્શન

આ ડોમમાં ૨૦ મી સદીના એક મહાન યુગ પુરુષના દર્શન કરાવાશે. કે જેમણે લુપ્તપ્રાય બનેલી ભારતીય સંસ્‍કૃતિની ધરોહર એવી ગુરુકુલ પરંપરાને પુનઃજીવિત કરી. ૧૯૪૮માં રાજકોટ ખાતે સ્‍થપાયેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના સ્‍થાપક, સ્‍વામિનારાયણીય સંત વિભૂતિ સદવિદ્યા, સદ્ધર્મ રક્ષક શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીનું જીવન દર્શન કરાવાશે. તેમજ ભગવાન શ્રી સ્‍વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનામાં આજ સુધી અણીશુદ્ધ રહેલ એવા સ્‍વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોના જીવન દર્શન કરાવાશે.

અર્વાચીન ગુરૂકુલ સંસ્‍કૃતિ

આ ડોમમાં ૩૬૦ ડિગ્રી મેપિંગ પ્રોજેક્‍શન અને સરાઉન્‍ડ સાઉન્‍ડ સિસ્‍ટમનો તમે રોમાંચ માણી શકશો. હાલ રોજના ૧ એક રૂપિયા જેવી નજીવી ફીમાં  ‘શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાન' માં સંતો દ્વારા કરવામાં આવતા બાળકોના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ જોવા મળશે. એ સાથે બાળકોના જીવન શિલ્‍પના ઘડવૈયા એવા સંતોના જીવન દર્શન કરાવવામાં આવશે. તેમજ સંસ્‍થાની ધાર્મિક , સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરાશે.

પ્રાકૃતિક ખેતી મંડપ

ઈસ્‍વીસન ૧૯૬૦ના દશકા દરમિયાન ભારતમાં અનાજની અછત થઈ. એના કારણે હરિયાળીક્રાંતિ દ્વારા રાસાયણિક ખાતરો તેમજ દવાઓનો ભરપૂર ઉપયોગ થવા લાગ્‍યો. ઉત્‍પાદન અનેકગણું વધ્‍યું પરંતુ સાથે સાથે કેન્‍સર, હાર્ટએટેક, ડાયાબીટીસ જેવા ભયંકર રોગો પણ વધ્‍યા. જેનું નુકસાન આજે સમગ્ર જીવ સૃષ્ટિએ ભોગવવું પડે છે. પરિણામે ફરીથી પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત ઊભી થઈ. આ પ્રાકૃતિક ખેતી ભવિષ્‍યમાં સમગ્ર જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન બની રહે તેવા હેતુથી આ ડોમમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહિતીઓ તેમજ ફાયદાઓ પ્રદર્શિત કરાયા છે.

મહિલા ઉત્‍કર્ષ મંડપ

‘જ્‍યાં નારીઓનું સન્‍માન થાય છે ત્‍યાં દેવતાઓનો વાસ હોય છે.' અને જે સંસ્‍કૃતિમાં ‘નારી તું નારાયણી' એમ નારીને નારાયણ તુલ્‍ય બિરૂદ મળ્‍યું, એવી સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિએ મહિલા સન્‍માનને આદિકાળથી અનેરૂં સ્‍થાન આપ્‍યું છે. અને તેમાં પણ સ્‍વામિનારાયણ સંપ્રદાયના વિકાસ અને વિસ્‍તારમાં મહિલાઓનું યોગદાન પુરુષો કરતાં સવાયું રહ્યું છે. તેમને ધ્‍યાનમાં રાખીને મહિલા ઉત્‍કર્ષની તેમજ ગર્ભ સંસ્‍કારની યથાયોગ્‍ય માહિતી મળી રહે તેવા હેતુથી આ મંડપ પ્રદર્શિત કરાયો છે.

જ્ઞાન જયોતિ મંડપ

આ મંડપમાં ૧૦૦ × ૧૦૦ ફૂટની વિશાળ જગ્‍યામાં ૩૬૦  એંગલથી લગાવેલ દર્પણ અને ૧૫૦ જેટલા  જયોતિર્ધર ફાનસો તેમજ ઝુમ્‍મરો દ્વારા દિવ્‍ય પ્રકાશિત જ્ઞાન જયોતિની અનુભૂતિ  કરાવાશે.

ઇલ્‍યુઝન પાર્ક

બાળકો તેમજ યુવાનોના મનોરંજનાર્થે આ ખંડમાં  હેરત પમાડનારા, દ્રષ્ટિ ભ્રમ કરનારા મેજીક ઈલ્‍યુઝનો, ગમ્‍મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયોગો તેમજ અંધશ્રદ્ધાથી ભ્રમિત કરનાર ઘટનાઓના વૈજ્ઞાનિક ખુલાસાઓ સાથે મોરલ પૂરું પાડનાર અભ્‍યાસોના વર્ણન આ ખંડમાં કરવામાં આવ્‍યા છે તેમ સંપર્ક : શ્રી પ્રભુ સ્‍વામી મો. નં. ૯૮૭૯૦ ૦૦૨૫૦, શ્રી અવિનાશ સ્‍વામી મો.નં ૯૦૯૦૮ ૦૭૦૫૧ જણાવે છે.

 

છપૈયા અને અયોધ્‍યાની ઝાંખી

છપૈયા અયોધ્‍યા દર્શન : બાળ લીલા દર્શન દ્વારા ૨૪૦ વર્ષ પહેલાનું ભગવાન શ્રી સ્‍વામિનારાયણનું જન્‍મસ્‍થાન તેમજ જયાં બાળ લીલાઓ કરી હતી તેવી આધ્‍યાત્‍મિક નગરી  જેવા પવિત્ર તીર્થ સ્‍થાનોની પ્રતિકૃતિ સ્‍વરૂપ છપૈયા અને અયોધ્‍યા નગરીનું નિર્માણ કરાયું છે. જેમાં જે તે સમયની સંસ્‍કૃતિને  ઉજાગર કરતા પૌરાણિક ગ્રામ્‍ય સંસ્‍કૃતિને તરોતાજા કરતા પ્રવેશ દ્વાર, મંદિરો, સરોવરો, મકાનો, ખેતર-વાડીઓ , વૃક્ષ-વેલીઓ, જે તે સમયની રીત ભાતો અને પહેરવેશોના સ્‍થાપત્‍યો દ્વારા ભવ્‍ય ગ્રામ્‍યસંસ્‍કૃતિ દર્શન સાથે ભગવત બાળ લીલાઓનું સ્‍મરણ કરાવશે.

  • સાંસ્‍કૃતિક પ્રદર્શનમાં શું નિહાળશો ?
  • યુવા જાગૃતિ માટે વ્‍યસનમુકિત ટેલીફિલ્‍મ',
  • પરિવારની એકતા માટે પારિવારિક ટેલીફિલ્‍મ'
  • બાળકો માટે વિજ્ઞાન જગતની તર્ક વિતર્કથી વણાયેલી અદભૂત રચનાઓ વડે સજ્જ સાયન્‍સ સીટી'
  • વિદ્યુત પ્રકાશિત માનવસર્જિત બગીચો એટલે કે ગ્‍લો ગાર્ડન'
  • ટોય ટ્રેન, ફલાવર ટ્રેન, ઝૂલતો પુલ, વિવિધ સ્‍કલ્‍પ્‍ચરોથી ઘડાયેલ ભગવત દર્શન તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવતી વિશાળ ગુફાઓ, ૫૦×૫૦ ફૂટનું આકર્ષક ગ્રીન હવાઈ જહાજ,
  • નાળીયેરીની હરિયાળી તથા વનરાઈઓથી ઘેરાયેલ ૨૫ વીઘામાં પથરાયેલ આબાલ વૃદ્ધ સૌ કોઈને થનગનાવતો આનંદ મેળો
  • અલ્‍પાહાર માટે સહજાનંદ પ્રસાદમ.
  • સાત્‍વિક પ્રેરણાદાયી સાહિત્‍ય તથા પૂજા સામગ્રીઓનો ધાર્મિક સ્‍ટોર્સ વગેરેની પણ વ્‍યવસ્‍થા કરાઈ છે.
(4:15 pm IST)