Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટમાં સિટીબસની બ્રેક ફેલ થતા ત્રિકોણબાગ નજીક પાર્ક કરેલી ઈલેક્ટ્રીક સિટીબસ પાછળ ધડાકાભેર અથડાઈ

સદનસીબે કોઈ જાનહાની નહીં : બંને સિટીબસમાં મોટું નુકસાન

રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત સિટીબસ સેવા અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે સવારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની બ્લુ સિટીબસની બ્રેક ફેલ થતા તે ત્રિકોણબાગ નજીક પાર્ક કરેલી ઈલેક્ટ્રીક સિટીબસ પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનાં જોરદાર ધડાકો સાંભળી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. પણ બંને સિટીબસમાં મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે..

જાણવા મળતી વિગત અનુસાર ત્રિકોણ બાગ સ્‍ટોપ ખાતે બ્‍લુ સીટી બસ આગળ પાર્ક કરેલી નવી નક્કોર ઇલેક્‍ટ્રીક સીટી બસ પાછળ ધડાકાભેર અથડાતાં આ બસના પાછળના ભાગે અને બ્‍લુ સીટી બસના આગળ કાચમાં નુકસાની થઇ હતી. જોકે સદનસીબે અકસ્‍માત વખતે કોઇને ઇજા પહોંચી નહોતી. પણ ધડાકા સાથે બસ અથડાતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બ્‍લુ સીટીબસની બ્રેક ફેઇલ થતાં આમ બન્‍યાનું સિટીબસનાં ડ્રાઈવર દ્વારા જણાવાયું હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં બ્‍લુ સીટી બસને કારણે અવારનવાર અકસ્‍માત સર્જાતા રહે છે. તો ઘણીવાર બસમાં આગ પણ લાગી ચુકી છે. એકાદ વખત ચાલુ બસે વ્‍હીલ નીકળી જવાની ઘટનાઓ પણ બની છે. ત્‍યાં આજે સવારના પ્‍હોરમાં બ્‍લુ સીટી બસને કારણે વધુ એક અકસ્‍માત સર્જાયો હતો. ખખડધજ બની ગયેલી બ્‍લુ સીટી બસ શહેરમાં ઠેકઠેકાણે અનેક રૂટ પર દરરોજ દોડ છે. પરંતુ ક્‍યારે આ બસમાં ખોટકો આવી જાય તે નક્કી હોતું નથી. અવાર-નવાર કોઇને કોઇ કારણે આ બસ ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. ત્‍યાં આજે વધુ એક અકસ્‍માત સર્જાતા લોકોમાં આ અંગે અનેકવિધ ચર્ચાઓ ઉઠી રહી છે.

(10:22 pm IST)