Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

યાર્ડમાં પણ ટેકાના ભાવથી નીચા ભાવે ખરીદી ન થાય તેની જોગવાઇ જરૂરી : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ,તા. ૭ : જસદણનાં પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, પશુપાલકો માટે કેન્‍દ્ર સરકાર આગામી બજેટમાં પ્રધાનમંત્રી ફસલ યોજનાની જેમ પશુધન વીમા યોજના લાવવા માગે છે જે આવકાર દાયક અને સારી વાત છે. આ યોજના મારફત પશુ ઓલાદ સુધારણા, સારવાર, પશુ ખરીદીય, નિભાવ ખર્ચ કે પશુનું મરણ થવાથી પશુ પાલકોને આર્થિક મદદ કે સહાય મળી રહે તે માટેની જોગવાઇ થાય તે જરૂરી છે.

પશુપાલનનો વ્‍યવસાય કરવો અને તેની માવજત કરવી અઘરી છે. તેના માટે વાતો અને ભાષણો કરવા સહેલા છે. પશુપાલનની ભલામણ કરનારા જ પશુ રાખતા નથી. ચાલુ વરસાદે લીલા ઘાસચારાની વ્‍યવસ્‍થા કરવી, સવાર-સાંજ દૂધનો નિકાલ કરવો. રાત્રી ઉઠીને નીરણ નાખવી, છાણ -વાસીદા કરવા, વધારામાં પશુ તોફાની હોય અને પાટુ મારે તો અણસાર બગાડી નાખે એવો આ ધંધો જોખમી છે. આ પરિસ્‍થિતીમાં પણ પશુપાલકોને દૂધના પુરા ભાવ મળતા નથી એ કમનસીબી છે.દૂધની દરેક બનાવટોમાં વારંવાર ભાવ વધારો થયા કરે છે.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના ગુજરાતમાં નિષ્‍ફળ ગઇ છે. ખેડૂતોને વીમા કાું. તરફથી પુરી રકમ ચુકવાયેલ નથી આ યોજના બે-ત્રણ વરસથી બંધ છે. ખેડૂતોના પાકના ઉત્‍પાદનમાં ઘટાડો થાય કે કુદરતી આફતો સામે રક્ષણ મળી રહે તે માટે જુની અગાઉની વીમા યોજના ચાલુ રાખવી જોઇએ. મગફળી, કપાસ કે અન્‍ય પાકનું ૧ એકરે કેટલુ ઉત્‍પાદન થાય તે નક્કી થવું જોઇએ. નક્કી થયા મુજબના ઉત્‍પાદનથી જેટલુ ઉત્‍પાદન ઓછું થાય તો તેનું સરકારે નક્કી કરેલ ટેકાના ભાવ મુજબ વળતર વીમા કાું. તરફથી મળવું જોઇએ. યાર્ડમાં પણ ટેકાના ભાવથી નીચા ભાવે ખરીદી ન થાય તે માટે જોગવાઇ કરવાની જરૂર છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરી શકે તો વેપારીઓ શા માટે ન ખરીદી શકે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:35 pm IST)