Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પેઢીનું નામ અને જીએસટી નંબર મેળવી બોગસ એકાઉન્‍ટ ખોલી પૈસા પડાવતા બે ગઠીયા પકડાયા

રાજકોટના ત્રણ વેપારીને છેતરનારા અમદાવાદના અભય પટેલ અલી ઉર્ફે આતીફને સાયબર ક્રાઇમ પોલીસે દબોચ્‍યા

રાજકોટ, તા, ૭: ગોંડલ ચોકડી પાસે ઓમ તીરૂપતી બાલાજી પાર્કમાં રહેતા હાર્ડવેરના વેપારીની પેઢીના નામનુ બોગસ વોટસએપ એકાઉન્‍ટ ખોલી ત્રણ વેપારીઓ પાસેથી ઓર્ડર લઇ પૈસા પડાવનારા અમદાવાદના બે શખ્‍સોને સાયબર ક્રાઇમ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે ઓમ તીરૂપતી બાલાજી પાર્ક શેરી નં. ૩ બ્‍લોક નં. ૧૦માં રહેતા અને પરમધામ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ઓમકાર ઇન્‍ટરનેશનલ નામે હાર્ડવેરનો વેપાર કરતા મોહીતભાઇ ભરતભાઇ લાંભીયા (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું હતું કે ગત તા. રર-૧૦-રરના રોજ તેના મોબાઇલમાં બીહારની સાંઇ સેલ્‍સ પેઢીમાંથી કોલ આવ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે તમે મને હજુ માલ કેમ નથી મોકલ્‍યો. જેથી તેણે ઓર્ડર જ નહી લીધાનું જણાવી મોબાઇલ નંબર માંગતા તે આપ્‍યા હતા. એટલુ જ નહી કોલ કરનારે કહ્યા મુજબ રૂા. ૪૯,૬૬૪ નું પેમેન્‍ટ કર્યાનું પણ જણાવ્‍યું હતું. આ પેમેન્‍ટ કર્યાના સ્‍ક્રીન શોટ પણ મોકલ્‍યા હતાં. બાદમાં ગઇ તા. ૯-૧૧-રર ના રોજ ઇન્‍દોરની શ્રી ગણેશ ટીમ્‍બર નામની પેઢીમાંથી અંકીત પાલે કોલ કરી પેમેન્‍ટ કર્યુ છતાં માલ કેમ મોકલ્‍યો નથી. તેમ જણાવ્‍યું હતું. તેણે પણ ઓનલાઇન રૂા. ૩૬૭પ નું પેમેન્‍ટ કર્યુ હતું. બાદ ગત તા. ૩-ર-ર૩ ના રોજ બીહારની ભવાની હાર્ડવેર નામની પેઢીના માલીકે કોલ કરી જણાવ્‍યું કે, તમારા ખાતામાં ઓર્ડર પેટેનું પેમેન્‍ટ કર્યુ છે. જે પેમેન્‍ટ જેન્‍તીભાઇ રોજાસરાને આપી દેજો. જેથી તેને પણ પોતાને કોઇ પેમેન્‍ટ નહી કર્યાનું કહયું હતું. તપાસ કરતા કોઇ ગઠીયાએ તેની પેઢીના નામનું વોટસએપ એકાઉન્‍ટ ખોલી તેના મારફત ઓર્ડર મેળવી પૈસા પડાવ્‍યાનું જાણવા મળ્‍યું હતું. આ પ્રકારના કોલ સતત આવતા હોઇ તેથી કંટાળી પોતે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. કે. જે. મકવાણા, હેડ કો. શીવભદ્રસિંહ જાડેજા, કો. રાહુલભાઇ ઠાકુર તથા પૃથ્‍વીસિંહ જાડેજા સહિતે તપાસ કરતા બે શખ્‍સો અમદાવાદના હોવાનું બહાર આવતા અમદાવાદ વેજલપુર સાક્ષસાત એપાર્ટમેન્‍ટમાં રહે તો અભય રમેશભાઇ પટેલ (ઉ.વ.૩૮) અને જુહાપુરા મુસ્‍કાન હોસ્‍પિટલ પાસે રહેતો અલી ઉર્ફે આતીફ ઇસ્‍માઇલભાઇ શેખ (ઉ.ર૪) ને પકડી લીધા હતાં. બંનેની પુછપરછમાં અન્‍ય વેપારીઓ સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઇ ઓર્ડર પેટે પૈસા પડાવતો અને અલી ઉર્ફે આતીફ એકાઉન્‍ટન્‍ટમાં પૈસા આવતા બન્ન ભાગ પડી લેતા હતાં.

 

(3:18 pm IST)