Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભા માટે માત્ર કયાડાએ પ્રશ્નો પૂછયા : નવા સભ્યો નિરસ

ભાજપના રાજમાં ૧૬મીએ પ્રશ્નોત્તરી સાથેની પ્રથમ સામાન્ય સભા : પી.જી.એ રસીકરણ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા : અર્જુન ખાટરિયા પાંચ - સાત પ્રશ્નો પૂછવાની તૈયારીમાં : પ્રશ્નો રજૂ કરવા માટે કાલે છેલ્લો દિવસ

રાજકોટ તા. ૭ : જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા પછી પ્રશ્નોત્તરી સાથેની પ્રથમ સામાન્ય સભા તા. ૧૬ શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળનાર છે. સભ્યોને સભામાં પ્રશ્નો પૂછવા માટે આવતીકાલે ગુરૂવારે સાંજ સુધીનો સમય છે. આજે બપોર સુધીમાં માત્ર ભાજપના પી.જી.કયાડાએ ૮ જેટલા પ્રશ્નો પૂછયા છે. કોંગીના અર્જુન ખાટરિયા પોતાના નામે અને સાથીદારોના નામે પાંચ - સાત પ્રશ્નો પૂછવા માંગે છે. જો કે આજે બપોર સુધી પ્રશ્નો રજૂ કર્યા નથી.

કયાડા અને ખાટરિયા સિવાઇના તમામ સભ્યો જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ચૂંટાયા છે. હજુ કાર્યકાળનો પ્રારંભ થયો છે તેથી પ્રશ્નો પૂછવા બાબતે નિરસ હોય તે સ્વભાવિક છે. એક-બે સભ્યોના જ પ્રશ્નો રહે તો પ્રશ્નોત્તરી માટેની કલાક પણ વધી પડે તેમ છે તે દિવસે કારોબારી સહિતની ૯ સમિતિઓની રચનાનો મુદ્દો કાર્યસૂચિમાં છે. 'પરિવર્તન' પછીની પ્રથમ સામાન્ય સભા માટે વહીવટી તંત્ર તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ પણ 'પોઝિટિવ' વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવા માંગે છે.

(12:45 pm IST)