Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં માસ્ક વગર પ્રવેશ નહિ

વેપારી, કમિશન એજન્ટ સહિત ૪ લોકોને કોરોનાઃ તાત્કાલીક નિર્ણય લેવાયો

રાજકોટઃ  તા.૭, રાજકોટમાં સરકારી- અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો બાદ કોરોનાએ હવે બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓને નિશાન બનાવ્યા છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જેનું પરિણામ હવે સામે આવ્યું છે, યાર્ડના બે વેપારી અને બે કમિશનર એજન્ટ સહિત ચાર વ્યકિત કોરોના સંક્રમિત થયા હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળે છે. ગઈકાલે સ્થાનિક મીડિયા દ્વારા અહેવાલ પ્રસારીત થયા બાદ તંત્ર સફાળુ જાગી ગયું હતું.જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં માસ્ક વિના એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં.

  આ ઉપરાંત રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વિશ્ચસનિય વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં યાર્ડના બે વેપારીઓ અને કમિશન એજન્ટો સહિત ચાર વ્યકિત કોરોના સંક્રમિત થયાનું જાણવા મળે છે.યાર્ડમાં કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા નથી પરંતુ જેમને લક્ષણો જણાય તે બારોબાર ટેસ્ટ કરાવી લેતાં હોય છે અને પોઝિટિવ આવે તો પછી હોમ આઈસોલેટ કે હોસ્પિટલાઈઝ થઈ જતા હોય છે. જેના પગલે આવતીકાલથી માસ્કના નિયમની કડક અમલવારીનો પ્રારંભ અહીં થઈ રહ્યો છે.

(12:48 pm IST)