Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાની સારવારમાં અપાતી FAVIPIRAVIR ટેબ્લેટની રાજકોટમાં ભયંકર શોર્ટેજ

કોવિડ-૧૯ના કેસોમાં મહાઉછાળો આવતા દવાની તંગી સર્જાઈ : બેથી ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય બનવાની આશા

રાજકોટ, તા. ૭ :. વૈશ્વિક મહામારીએ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાની સારવારમાં ઉપયોગી ગણાતી FAVIPIRAVIR એન્ટી વાયરલ ટેબલેટની રાજકોટમાં ભયંકર શોેર્ટેજ થઈ ગઈ હોવાનું દવા બજારમાંથી જાણવા મળે છે.

ગ્લેનમાર્ક, ઈપ્કા, એફડીસી, મેકલોઈડઝ, જે.બી. કેમીકલ વિગેરે કંપનીની FAVIPIRAVIR (દા.ત. FABIFLU) ટેબલેટ કોવિડ-૧૯ના કેસોમાં મહાઉછાળો આવતા શોર્ટેજમાં ચાલી ગઈ છે. બેથી ત્રણ દિવસમાં રાજકોટમાં દવાના હોલસેલર્સ પાસે પુરતો સ્ટોક આવી જવાની ધારણા અગ્રણી વેપારીઓ કરી રહ્યા છે. દવાબજારમાં ૨૦૦ એમ.જી., ૪૦૦ એમ.જી. કે ૮૦૦ એમ.જી. એમ એકેય પાવરની ટેબલેટ હાલમાં અવેલેબલ ન હોવાનું અને હાલમાં રાજકોટમાં FAVIPIRAVIR ટેબલેટની દસ હજાર જેટલી સ્ટ્રીપ્સની જરૂર હોવાનું કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઈ દેસાઈએ અકિલાને જણાવ્યુ હતું.

જાણવા મળતી માહિતી મુજબ કોરોનાની અસર ધરાવતા દર્દીઓને ડોકટર્સ દ્વારા એન્ટી વાયરલ મેડીસીન તરીકે ૨૦૦ એમ.જી.ની ફેવિપીરાવીરનો સૌ પ્રથમ ડોઝ બેથી ત્રણ દિવસ માટે ૧૬ કે તેથી વધુ ટેબલેટનો અપાતો હોય છે. કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો આવતા બજારમાં આ કારણે ફેવિપીરાવીરની અછત ઉભી થઈ હોવાનુ માનવામાં આવે છે.

(4:21 pm IST)