Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ફોલોઅર્સ વધારવા માટે ઇન્સ્ટાગ્રામ પર સગીરાનું ફેક આઇડી બનાવી વિરપુરના ભાવેશે ફોટા પોસ્ટ કર્યા

રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે શખ્સને વિરપુરથી દબોચ્યો

રાજકોટ તા. ૭ : શહેરના જાગનાથ વિસ્તારમાં રહેતી સગીરાના નામનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇ.ડી.બનાવી તેના પ્રોફાઇલમાં સગીરાનો ફોટો રાખી સગીરાના ફોટા પોસ્ટ કરનારા વિરપુરના શખ્સને રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસના સાયબર ક્રાઇમમાં કરેલી ફરીયાદમાં વિરપુરના ભાવેશ કાળુભાઇ મકવાણાનું નામ આપ્યું છે. મહિલાએ ફરીયાદમાં જણાવ્યું છે  કે, પોતાની ૧૭ વર્ષની પુત્રી પોતાના મોબાઇલમાં વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ વાપરે છે. તેના ધ્યાને ગઇ તા.૧૩/૯/ર૦ના આવ્યું કે તેના નામનુ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક આઇ.ડી.છે. અને તેનો પ્રોફાઇલ પોતાનો ફોટો છે. આ બાબતે સગીરાએ પોતાને જાણ કર્યા બાદ સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. આર.એન. સાંકળીયા સહિતના સ્ટાફે તપાસ કરતા આ ફેક આઇ.ડી.અને મોબાઇલ નંબર ભાવેશ મકવાણા વાપરતો હોવાનું ખુલતા પોલીસે તેનીસામે ગુનો દાખલ કરી ભાવેશ કાળુભાઇ મકવાણા (ઉ.ર૦) (રહે.વિરપુર ના જેતપુર)ને પકડી લીધો હતો. પુછપરછમાં ભાવેશ મકવાણા મજુરી કામ કરે છે. તે છેલ્લા આઠ માસથી ઇન્સ્ટાગ્રામ વાપરે છે. અને પોતે ફોલોઅર્સ વધારવા માટે સગીરાનો ફોટો પોસ્ટ કર્યો હોવાનું જણાવ્યું છે.

(1:05 pm IST)