Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ઓછામાં ઓછા ઓકિસજનમાં બ્રેઈન સર્કીટ વડે દર્દીનું મહત્તમ ઓકિસજન લેવલ મેઈન્ટેઈન કરી શકાયઃ ડો. ચેતના જાડેજા

'જરૂરિયાત એ શોધખોળની જનની છે' ઉકિતને સાર્થક કરતું રાજકોટ સિવિલ હોસ્પિટલનું એનેસ્થેસિયા વિભાગઃ બ્રેઈન સર્કીટનો ઉપયોગ કરીને કોરોનાના ૫૦ થી વધુ દર્દીઓની મહામુલી જીંદગી બચાવાઈ

રાજકોટઃ તા.૭, રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી 'બ્રેઇન સર્કિટ'નો ઉપયોગ કરીને કોરોનાના ૪૦-૫૦ જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવી છે.

સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એ સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર? બ્રેઇન સર્કિટ શું છે ? તેનો શા માટે અને કેવી રીતે ઉપયોગ થાય ?

આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે કોવિડ-૧૯ના અતિ ગંભીર દર્દીઓની સારવાર કરીએ છીએ. કોરોનાને લીધે ફેફસાને પુરતો ઓકિસજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યકિતમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ ૨૧ % જેટલો ઓકિસજન નથી મેળવી શકતો. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં ૭૦% થી ૧૦૦% જેટલો ઓકિસજન આપવો પડે છે, તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે.

ડો. જાડેજાએ કહ્યું હતું કે, શ્વાસોચ્છવાસની સમસ્યા અને ઓકિસજનનું ઓછું પ્રમાણ ધરાવતા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. અને તેમના માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ હોય છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફ્લો નોઝલ ઓકિસજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. વધુ ગંભીર સ્થિતિના દર્દીઓને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓકિસજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.

 પરંતુ જ્યારે ઓકિસજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરીયાત વધારે હોય ત્યારે બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓકિસજને મહત્તમ સારવાર આપી શકાય છે. વેન્ટિલેટર સામાન્ય રીતે ૫૦ લિટર જેટલો ઓકિસજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બ્રેઇન સર્કિટ સર્કિટમાં ઘણો જ ઓછો ઓકિસજન વપરાય છે. સામાન્ય રીતે બ્રેઇન સર્કિટમાં ૧૨ થી ૧૫ લીટર રાખવો પડે છે પરંતુ ઓકિસજન બચાવવાની પદ્ધતિમાં ૮ લિટર સુધી પણ દર્દીઓનું ઓકિસજન લેવલ સુયોગ્ય રીતે જાળવી શકાય છે. બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓકિસજન લેવલ ૯૫ થી ૧૦૦ સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકન્કિનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે. બ્રેઇન સર્કિટ નો ઉપયોગ કરતી વખતે દર્દીને એકલો મુકી ના શકાય બાજુમાં અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસીરીસ્ટ (આઇ.સી.યુ સ્પેશ્યાલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને વેન્ટીલેટર પરથી ધીમે ધીમે હટાવીને ઓકિસજન પર લાવતી વખતે બ્રેઇન સર્કિટનો ઉપયોગ થાય છે. દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે, તેમ ડો. ચેતનાબેને જણાવ્યું હતું. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે.

(3:16 pm IST)