Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ચૌધરી સ્કુલના મેદાનમાં સૈફુલ્લાહ ટ્રસ્ટ દ્વારા કોરોનાગ્રસ્તોની ભરપૂર સહાય

રાજકોટ તા. ૭ :.. રાજકોટમાં અત્યારે કોરોના નામનો રાક્ષસ બેફામ રીતે લોકોને હેરાન-પરેશાન કરી રહ્યો છે. આટલા કપરાં સમયમાં સામાજિક સંસ્થાઓ, વિવિધ ગ્રુપ્સ, સંગઠનો બે નહીં પરંતુ  ચાર-ચાર હાથે જરૂરીયાતમંદોની વ્હારે આવી રહ્યા છે. અત્યારે મદદ કરવા માટે ન તો કોઇનું નામ, ન તો કોઇનું સરનામું કે ન તો કોઇની અટક પુછવામાં આવી રહી છે. બસ, માત્ર મદદ...મદદ...મદદ જ કરાઇ રહી છે. ત્યારે રાજકોટના સૈફુલ્લાહ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે, ઝરીયા-એ-શિફા ગ્રુપ તેમજ મસ્જિદ-એ-શહરબાનુ દ્વારા મર્હુમ આરીફભાઇ ચાવડાના ઇશાલે સવાબ અર્થે ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે કોરોનાના દર્દીઓના સ્વજનોને હાલાકી ન પડે તે માટે ઓકિસજનથી લઇ પાણી સુધીની તમામ વસ્તુઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ચૌધરી હાઇસ્કુલ ખાતે જ ડોમ ઉભો કરીને આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સીવીલ હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓ સહિતનાઓ માટે ચા, કોફી, સૂકો નાસ્તો, મોસંબી જયુસ, પુરીશાક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓ માટે ઓકિસજન સિલીન્ડરની પણ વ્યવસ્થા અહીં જ કરાઇ છે જેથી કોઇ દર્દીનું ઓકિસજન સીલીન્ડર પુરું થઇ જાય અને તેમને કોઇ હાલાકીનો સામનો ન કરવો પડે... સાથે સાથે હોમ આઇસોલેટ દર્દીઓ માટે પણ સીલીન્ડર અહીંથી જ રિફિલિંગ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે તો હોમ આઇસોલેટ દર્દીઓને સમયસર ટીફીન પહોંચાડવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જરૂરીયાતમંદ લોકો માટે એક મહીનાની રાશનકીટ સહિતની વ્યવસ્થા કરાઇ છે.

(3:16 pm IST)